Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા પતિ તરફથી મને પ્રેમ મળ્યો નથી આથી હું મારી સામે રહેતા એક પરિણિત પુુરુષ પ્રત્યે આકર્ષાઈ છું. 

હું ૨૬ વર્ષની છું. મારે ચાર વર્ષની એક પુત્રી છે. મારી સમસ્યા એ છે કે મારું બ્લડ ગુ્રપ એબી પોઝિટીવ છે. પતિનું બ્લડ ગુ્રપ બી પોઝિટીવ છે અને મારી પુત્રીનો એ પોઝિટીવ છે. અમારા બંનેના ગુ્રપ કરતા મારી પુત્રીનું બ્લડ ગુ્રપ અલગ હોવાથી મારા પતિને શંકા જશે તો એવો ડર મને સતાવે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

એક મહિલા (જુનાગઢ)

ચિંતા કરવાની કે ડરવાની કોઈ જરૂર નથી. કોઈ-કોઈ કિસ્સામાં આમ થાય છે. કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ તમારા મનની શંકા દૂર થઈ શકે છે.

મેં પ્રેમ લગ્ન કર્યાં હતા. અમે ઘણા સુખી હતા. પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી મારી પત્ની મૃત્યુ પામી અમને સંતાન નથી. આ પછી અમારી જ જ્ઞાતિની એક યુવતી સાથે મને પ્રેમ થયો. તે પણ મને પ્રેમ કરે છે. આ છોકરી પણ પહેલા એક છોકરા સાથે ભાગી ગઈ હતી. અમે બંને એકબીજાના ભૂતકાળ વિશે જાણીએ છીએ. અમારે લગ્ન કરવા છે. પરંતુ તેના પરિવારજનો માનતા નથી. તે તેના પરિવાર વિરુદ્ધ જવા માગતી નથી. આથી તેણે મને ના પાડી દીધી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક ભાઈ (અમદાવાદ)

તમારે કોઈ પણ રીતે તેના પરિવારની તમારા વિશેની ગેરસમજ દૂર કરવી જોઈએ. જ્ઞાતિના કોઈ વડીલને મધ્યસ્થી કરવા સમજાવો. તમારા પરિવારજનો આ સંબંધ માટે તૈયાર હોય તો તેઓ પણ આ છોકરીના વડીલોને સમજાવી શકે છે. તમારા નસીબમાં એ યુવતી સાથે લગ્ન લખાયા હશે તો જરૂર થશે. ચિંતા કરો નહીં બધુ સમય પર છોડી દો. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરો નહીં.

હું ૩૯ વર્ષની છું. મને બે સંતાન છે. મારા પતિ તરફથી મને પ્રેમ મળ્યો નથી આથી હું મારી સામે રહેતા એક પરિણિત પુુરુષ પ્રત્યે આકર્ષાઈ છું. તેને પણ બે સંતાન છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. તે પણ તેની પત્નીથી દુ:ખી છે. અમે એકાદ વાર શરીર સુખ માણ્યું છે. શું એ પુરુષ ખરેખર મને પ્રેમ કરતો હશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા (સુરત)

કોઈ પણ વ્યક્તિના મનની વાત જાણવી મુશ્કેલ છે. એ તમને પ્રેમ કરે છે કે નહીં એ કહી શકાય તેમ નથી. આમપણ તમે બંને પરિણિત છો અને તમને સંતાનો છે. આથી તમારા સંબંધનું કોઈ ભવિષ્ય નથી. અત્યાર સુધી તમે તમારા પતિ અને તે તેની પત્ની સાથે ખુશ હતા. પરંતુ એકાએક જ તમને તમારા જીવન સાથી ખરાબ લાગવા માંડયા છે. ખેર, પતિ સાથે સુખ મેળવવાનો પ્રયાસ કરો. લગ્નની સફળતા કે નિષ્ફળતા માટે પતિ-પત્ની બંને જવાબદાર છે. એક હાથે તાળી પડતી નથી. આથી બંને એકબીજાને અનુકૂળ થવાનો પ્રયાસ કરો. આ સંબંધ જાહેર થશે તો તમારા બંનેનો સંસાર બગડવાની શક્યતા છે અને આની અસર તમારા સંતાનોના ભવિષ્ય પર પડે એવી શક્યતા પણ ખરી.

હું ૨૪ વર્ષનો છું. મારી સગાઈ થઈ ગઈ છે. હું મારી ભાવિ પત્નીને ઘણો પ્રેમ કરું છું. પરંતુ તે મારી સાથે બરાબર બોલતી નથી. અમારી સગાઈને છ મહિના થયા હોવા છતાં તે મારી સાથે બોલવાનું ટાળે છે. મેં તેને પૂછ્યું કે તું આ સંબંધથી રાજી છે ને? તો તે હા પાડે છે પણ તેનું મૌન અને વર્તન મને મૂંઝવે છે. તે આમ કેમ કરતી હશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (અમદાવાદ)

સૌ પ્રથમ એ તપાસ કરો કે એ યુવતીએ તમારી સાથે તેની મરજીથી જ સગાઈ કરી છે કે પરિવારની જબરજસ્તીથી તે આ લગ્ન માટે તૈયાર થઈ છે? આ સગાઈ તેની મરજી મુજબ જ થઈ હશે તો કદાચ તે શરમાળ હશે આથી તમારી સાથે વાત કરી શકતી નહીં હોય. એકવાર તેની સાથે મુક્ત મનથી ચર્ચા કરો. તે જબરજસ્તી લગ્ન કરવા તૈયાર થઈ હશે તો ભવિષ્યમાં સમસ્યા સર્જાવાની શક્યતા છે. આથી તમે મૈત્રીભાવે તેની પાસેથી તેના વર્તનનું કારણ જાણવા પ્રયાસ કરો. તમારા પરિવારને વિશ્વાસમાં લઈ તમારી મુશ્કેલી જણાવો. તેના પરિવાર સાથે આ વિશે વાત કરો. ચિંતા કરવાની જરૂર નથી તે શરમાતી હશે તો લગ્ન પછી બધુ ઠીક થઈ જશે.

- નયના

Tags :