સહિયર સમીક્ષા .
- મારી સાથે ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેનું વર્તન ઘણું બદલાઈ ગયું છે.
હું ૧૭ વરસની છું. મારી સાથે ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેનું વર્તન ઘણું બદલાઈ ગયું છે. તે મારી ઉપેક્ષા કરે છે. મારી સામે પણ જોતો નથી. આ કારણે અભ્યાસમાં મારું ચિત્ત લાગતું નથી. મારી બહેનપણીઓ મને તેને ભૂલી જવા કહે છે. પરંતુ મારે માટે આ શક્ય નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (અમદાવાદ)
તમારી આ સમસ્યા સામાન્ય છે. 'સહિયર સમીક્ષા'માં પણ આવા ઘણાં કિસ્સા પર ઘણી વાર જવાબ આપવામાં આવ્યો છે. શું તમારી વચ્ચે કોઇ ઝઘડો થયો હતો? આ પરિસ્થિતિમાં તો તમારે એ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ કે તેનો તમારામાંથી રસ ઊડી ગયો છે. તેને મજબૂર કરીને પાછો મેળવવો એ તમારે માટે યોગ્ય નથી. આ ઉંમર ઘણી નાદાન છે. આથી આ ઉંમરે કાયમી સંબંધ બંધાય એવી આશા રાખવી નકામી છે. આથી વાસ્તવિકતા સમજી એ યુવકને ભૂલી અભ્યાસમાં ધ્યાન પરોવો. આ છોકરો તમારે લાયક નથી તે તમને ખરા દિલથી પ્રેમ કરતો હોત તો તે આમ કરત જ નહીં. ભવિષ્યમાં તમને તેનાથી સારો જીવન સાથી મળશે.
મારી ખાસ બહેનપણી મારા જ વર્ગમાં ભણે છે. અમે બન્ને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમને એકબીજા વગર ચાલતું જ નથી. અમારી વચ્ચે ઝઘડા પણ થાય છે એનું મુખ્ય કારણ એ છે કે અમે એકબીજા પ્રત્યે ઘણા પઝેસિવ છીએ. કોઇ બીજા સાથે વાત કરતા તે મને જોઇ શકતી નથી. તેમ જ તેને બીજા જોડે વાત કરતા જોઇ મને પણ ગુસ્સો આવે છે. અમારી ઉંમર ૧૫ વર્ષની છે. અમારી આ સમસ્યાનું સમાધાન સુચવવા વિનંતી.
એક યુવતી (નડિયાદ)
તમારા પ્રશ્નમાં જ તમારી સમસ્યાનો ઉકેલ છુપાયો છે. તમે કબૂલ કરો છો કે તમે બન્ને એકબીજા પ્રત્યે ઘણા પઝેસિવ છો. તમે એકબીજાને મારા હૃદયથી ચાહતા હો તો સામેનાની ખુશીમાં જ તમારી ખુશી સમાવી જોઈએ. શક્ય છે કે તમને એકબીજા પર વિશ્વાસ નથી અથી તમે અસલામતી અનુભવો છો. આ પ્રકારની મૈત્રીથી ગુંગળામણ થવાની શક્યતા છે. સાચો મિત્ર ક્યારે પણ કોઇ બાબતની માગણી કરતો નથી. આ સમસ્યાનું સમાધાન તમારે જ તમારી પાસે જ છે. એકબીજાને મોકળાશ આપો. અદેખાઈની લાગણી દૂર કરો.
મારા પતિની ઉંમર ૪૩ વર્ષ છે. છેલ્લા બે વરસથી અમારા શારીરિક સંબંધો સામાન્ય નથી. સહવાસ દરમિયાન તેમને ઉત્તેજનાનો અનુભવ થતો નથી. આ કારણે અમને બન્નેને ઘણી ચિંતા થાય છે. તેઓ ડોક્ટર પાસે જવા તૈયાર નથી આની અસર અમારા પારિવારિક જીવન પર પણ પડવા લાગી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (સુરત)
લગ્નના કેટલાક વર્ષો પછી પતિ-પત્નીની એક બીજામાં રુચિ ઘટી જાય છે. અને તેમના સંબંધમાં અંતર આવે છે. શારીરિક સંબંધોમાં સંતોષ નહીં મળવા પાછળ શારીરિક અને માનસિક બન્ને કારણો જવાબદાર હોઇ શકે છે. તમારે એકબીજાની લાગણીઓ સમજવાની જરૂર છે. ચિંતા કરવાને બદલે વાતચીત દ્વારા એકબીજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરો. ઘરેલું સમસ્યા પર વિચાર-વિમર્શ કરો. શક્ય હોય તો કોઇ કાઉન્સેલરને પણ મળો. એકબીજા સાથે વધુ સમય પસાર કરો. બહાર ફરવા જાઓ. સમય મળ્યે નાનું વેકેશન માણી આવો.
-નયના