Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- મારી પાડોશના મહોલ્લામાં રહેતી એક યુવતી સાથે મારે સારી મિત્રતા બંધાઈ હતી અને એકબીજાને મળતા હતા પરંતુ તેનો ભાઈ અમને જોઈ ગયો 

હું ૪૭ વર્ષની છું. મારા પતિ સુંદર અને સ્માર્ટ છે. તેઓ કલર્કનીનોકરી કરે છે. હું પહેલાં શિક્ષિકા હતી પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે મેં નોકરી છોડી દીધી હતી. માત્ર પૈસા ખાતર જ મારી સાથે લગ્ન કર્યા હોવાનું મારા પતિ કબૂલ કરે છે. મેં નોકરી છોડી એ તેમને ગમ્યું નથી. તેમને મારી સાથેના સેકસ સબંધમાં પણ સંતોષ થતો નથી. તેમનો સ્વભાવ હિંસક છે  તેમજ તેઓ જીદ્દી પણ છે. તેમના ચારિત્ર્ય બદલ પણ મને શંકા છે. તેમને બીજી સ્ત્રી સાથે સંબંધ હોય એવું મને લાગે છે અને ઘર છોડીને જતા રહેવાની તેઓ ધમકી આપે છે. મારે ત્રણ પુત્રી છે. મને તેમના ભવિષ્યની ચિંતા છે. મારા પતિને હું બહુ પ્રેમ કરું છું.  હું તેમને ગુમાવવા માગતી નથી. આ કારણે હું ઘણી ડિપ્રેશ છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા (ગાંધી નગર)

* સૌ પ્રથમ તો તમારે ડિપ્રેશનમાંથી બહાર આવવાની જરૂર છે. તમારા પતિને ખુશ રાખવાનો પ્રયાસ કરો. માંદા હોવાનું બહાનું કાઢી તેમનાથી દૂર ન રહો. મન આનંદમાં રાખો. તમે તમારા પતિને ખુશ રાખવાનો પ્રયાસ કરશો તો તેઓ બહાર નજર નહીં ફેરવે. ઘરમાં રોજને રોજ થતા કંકાસથી કંટાળીને પુરુષ બહાર નજર ફેરવે એવી શક્યતા ખરી. તમારા પતિને ગમે એ રીતે વર્તો. તેઓ મૂડમાં હોય ત્યારે તેમની સાથે શાંતિથી ચર્ચા કરો. ઘર તમારા નામે છે આથી અ ેતેઓ પડાવી શકે તેમ નથી. ઘર છોડીને જતા રહેવાની મૂર્ખાઈ કરતા નહીં. કોઈ વડીલનું માર્ગદર્શન લો. તમારા પતિને સુધારવાનો પ્રયાસ કરો. તમારી જેમ તેમણે પણ તમારી પુત્રીઓના ભવિષ્યની ચિંતા હશે આથી એ તમને રખડતા મૂકી જતા રહે એવી શક્યતા ઓછી છે. એમને પૂરતો પ્રેમ આપો અને એમની બધી ફરિયાદો દૂર કરવાનો પ્રયાસ કરો.

હું ૧૦મા ધોરણમાં ભણું છું. મારી પાડોશના મહોલ્લામાં રહેતી એક યુવતી સાથે મારે સારી મિત્રતા બંધાઈ હતી અને એકબીજાને મળતા હતા પરંતુ તેનો ભાઈ અમને જોઈ ગયો અને તેમે તેના મમ્મી-પપ્પાને આ વાતની ફરિયાદ કરી. આ દિવસ પછી તેના પર ઘણો જાપ્તો રાખવામાં આવે છે. લાંબા સમય પછી મેં તેને રસ્તામાં જોઈ ત્યારે તેનો ઉદાસ ચહેરો જોઈ મને તેની ઘણી દયા આવી હતી. તેની આ દશા માટે હું મારી જાતને જવાબદાર માનું છું. તેની હું કેવી રીતે મદદ કરી શકું?

એક યુવક (સુરત)

* તમે તેનાથી દૂર રહીને જ તેની મદદ કરી શકશો. તમારા બન્નેની જિંદગી બરબાદ થઈ જાય એ પૂર્વે તેના મમ્મી-પપ્પાએ આ સંબંધ પર લગામ તાણીને યોગ્ય પગલું ભર્યું છે. હજુ તમે નાદાન છો. પ્રેમ માટે આખી ઉંમર પડી છે. આ ઉંમરે વિજાતિય આકર્ષણ સામાન્ય છે. હમણાં ભણવામાં ધ્યાન આપો. હમણાં તમારી ઉંમર મૈત્રી બાંધવાની છે, પ્રેમ કરવાની નહીં. બણી-ગણીને પગભર થયા પછી જ આવા નિર્ણય લેવામાં જ તમારી ભલાઈ છે.

હું ૧૫ વર્ષની સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનુ છું. મારા પિતા મને આખો દિવસ વઢયા કરે છે. તેમજ ઘરની બહાર પણ જવા દેતા નથી. ટીવી પણ જોવા દેતા નથી. વાપરવા માટે થોડા જ પૈસા આપે છે. હું કોઈ છોકરા સાથે સંબંધ બાંધીશ એવી તેમને ચિંતા છે. આ કારણે હું કંટાળી ગઈ છું અને મને આપઘાત કરવાનો વિચાર આવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (અમદાવાદ)

* યુવાન પુત્રીના પિતાને તેમની પુત્રીના ભવિષ્યની તેમજ તેના કલ્યાણની ચિંતા થાય એ સ્વાભાવિક છે. તમારા પિતા જરા કઠોર છે એ વાત સાચી પરંતુ તમે તેમની નજરથી પરિસ્થિતિ જોવાનો પ્રયાસ કરો. તેમને સમજવાનો પ્રયત્ન કરો. તેમનું આ વર્તન સૂચવે છે કે તેમને તમારી સલામતીની ઘણી ચિંતા છે. તમે કોઈ મુશ્કેલીમાં મૂકાઈ જાવ એવો તેમને ડર છે. 

ભૂતકાળમાં બનેલા કોઈ કિસ્સાને કારણે તેમના મનમાં એક ડર પેસી ગયો હોય એવી શક્યતા છે. તમારી મમ્મીને વિશ્વાસમાં લઈ તેમને સમજાવવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો તમે જ તેમની સાથે નિખાલસ ચર્ચા કરો. તમે  તમે તેમનો વિશ્વાસઘાત નહીં કરો એ વાત તેમના મગજમાં ઉતરશે તો કદાચ તેમના વર્તનમાં ફેર પડશે.

- નયના