Get The App

સહિયર સમીક્ષા .

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે.

હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?

એક મહિલા (મુંબઇ)

* આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇ- નૉલૉજિસ્ટની સલાહ લો.

છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા  પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (નવસારી)

* માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.

મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ  મારા પર નજર  રાખ્યા કરે છે. એકવાર તો તેણે  મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવતી (સુરત)

* આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે. શક્ય હોય તો તેનો સામનો  કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે.  આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.

એક યુવતી (અમદાવાદ)

* ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો  ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.

નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી?

એક યુવતી (મુંબઇ)

* તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો. તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.

- નયના