સહિયર સમીક્ષા .
- ચાર વર્ષથી એક પુરુષ સાથે મારે શારીરિક સંબંધો હતા. પરંતુ હવે મારા લગ્ન બીજા સાથે થવાના છે. પતિને આ વાતની જાણ થશે તો મને કાઢી મૂકશે એવો મને ડર લાગે છે.
* અમારી જ્ઞાાતિના રિવાજ મુજબ મામાની છોકરી સાથે લગ્ન થઇ શકે છે. મારા તેમજ મારા મામાના પરિવારના લોકો મામાની નાની છોકરી સાથે મારા લગ્ન કરવા માગે છે. પરંતુ મને તેની મોટી બહેન સાથે પ્રેમ છે. મારા મનની વાત હું એને કહી શકતો નથી. તે પણ મને પ્રેમ કરતી હોય એવું મને લાગે છે. પરંતુ તેણે મને ક્યારે આ વાત કહી નથી. મારે શું કરવું એ સમજાતું નથી.
એક યુવક (રાજકોટ)
* એ છોકરી તમને પ્રેમ કરે છે એ તમારો ભ્રમ હોઇ શકે છે. એને તમારી સાથે પ્રેમ હોત તો તેના પરિવારના લોકો તેની નાની બહેનને બદલે મોટી બહેન સાથે જ તમારા લગ્ન કરત. મોટી બહેન સાથે તમારી વાત ચાલી નહીં એ પાછળ પણ કોઇ કારણ હશે. આથી મોટી બહેનને સાળી માની નાની બહેનને પ્રેમ કરતા શીખી જાવ. આ ઉંમરમાં આકર્ષણને પ્રેમ માની લેવાની ભૂલ થઇ જાય છે. આથી પરિસ્થિતિ સાથે સમાધાન કરી લો. નાની બહેનનું નક્કી કર્યું છે તો મોટી બહેનનું પણ નક્કી થયું જ હશે.
* હું કોલેજમાં અભ્યાસ કરું છું. ચાર વર્ષથી એક પુરુષ સાથે મારે શારીરિક સંબંધો હતા. પરંતુ હવે મારા લગ્ન બીજા સાથે થવાના છે. મારા પતિને આ વાતની જાણ થશે તો મને કાઢી મૂકશે એવો મને ડર લાગે છે. મારા પતિ ખૂબ જ સારા સ્વભાવના છે. હું તેમને આ વિશે જણાવું તો તેઓ આ સંબંધ તોડી નાખે તેમ છે. મારે શું કરવું એની મને સલાહ આપશો.
એક યુવતી (મુંબઇ)
* તમે જાતે કહો નહીં ત્યાં સુધી કોઇ પણ વ્યક્તિ કે ડૉક્ટર કહી શકે નહીં કે લગ્ન પૂર્વે તમે બીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હશે. યોનિ પટલ સ્વિમિંગ, જોગિંગ કે સાઇકલિંગ જેવા કેટલાક કારણોને લીધે તૂટી શકે છે. પ્રથમ સંભોગ દરમિયાન રક્તસ્ત્રાવ થાય તો કૌમાર્ય અખંડ છે એ થિયરી એક ભ્રમ છે. તમે સ્વાભાવિક રીતે વર્તશો તો તમારા પતિને શંકા જશે નહીં. આમ છતાં પણ તમે ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ લો.
* હું ૫૮ વરસનો વિધુર છું. ૧૬ વર્ષ પૂર્વે મારી પત્ની અવસાન પામી હતી. મારે એક કુંવારો પુત્ર અને બે પરિણીત પુત્રીઓ છે. છેલ્લા કેટલાક સમયથી હું સેક્સ પ્રત્યે ખેંચાતો જાઉં છું. ભોજન પણ બહારથી મંગાવું પડે છે. મારી પુત્રીએ મને પુનર્લગ્ન કરી લેવાની સલાહ આપે છે. શું આમ કરવું ઉચિત ગણાશે.
એક પુરુષ (વલસાડ)
* પુનર્લગ્નનો વિચાર ખોટો નથી. અને તમારી પુત્રીઓ પણ તમને આ સલાહ આપે છે. આ ઉંમરે સેક્સ કરતા જીવનસાથીનો સાથ વધુ જરૂરી છે. એકબીજાની હૂંફ મળે એ જરૂરી છે. આથી તમે કોઇ યોગ્ય પાત્ર જોઇ લગ્ન કરી શકો છો. અને તમારો પુત્ર લગ્નલાયક હોય તો એના પણ લગ્ન કરાવી દો.
* હું ૨૮ વરસનો છું. બિઝનેસ કરું છું. મને મારા ભાઇની સાળી સાથે પ્રેમ થઇ ગયો છે. એકવાર મેં એને 'આઇલવ યુ' લખીને એક ભેટ આપી હતી જે એણે સ્વીકારી નહોતી. તે મને પ્રેમ કરે છે કે નહીં એ પણ હું જાણતો નથી. પણ મારે એની સાથે લગ્ન કરવા છે. પરંતુ મારા માતા-પિતા દહેજની આશા રાખે છે. અને તેના પિતા સમર્થ નથી. તેમજ હું પણ આની વિરુધ્ધ છું. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવક (ગુજરાત)
* સૌ પ્રથમ તો તમારે એ જાણવું જરૂરી છે કે એ છોકરી તમને પ્રેમ કરે છે કે નહીં. તમે તમારા ભાઇ-ભાભીને પણ તમારા મનની વાત જણાવી શકો છો. તમે દહેજની વિરુધ્ધ છો એ વાત સારી છે. તમે પોતે સમર્થ હો અને લગ્ન પછી આવતી જવાબદારી ઊપાડવાની તમારામાં ક્ષમતા હોય તો તમે જરૂર લગ્ન કરી શકો છો અને મમ્મી-પપ્પાને પણ દહેજ નહીં લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો. અને હા, એ છોકરીને તમારામાં રસ હોય નહીં તો નિરાશ થયા વિના તેને ભૂલી તમારા જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઇ છે.
- નયના