સહિયર સમીક્ષા .
- મારી જ ઉંમરના એક છોકરા સાથે મારે મૈત્રી છે. અમે એક જ કૉલેજમાં ભણીએ છીએ. પરંતુ હવે મારે એનાથી છૂટકારો મેળવવો છે. પાંચ મહિના પહેલા જ અમારો સંબંધ શરૂ થયો હતો.
હું ૧૭ વરસની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મારે મૈત્રી છે. અમે એક જ કૉલેજમાં ભણીએ છીએ. પરંતુ હવે મારે એનાથી છૂટકારો મેળવવો છે. પાંચ મહિના પહેલા જ અમારો સંબંધ શરૂ થયો હતો. પરંતુ હું એની સાથે બહાર ફરવા ગઇ નથી. તે મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે અને હું તેને છોડી દઇશ તો તે આપઘાત કરવાનું કહે છે. મેં હજુ સુધી તેને કહ્યું નથી કે મારે તેની સાથે સંબંધ ચાલુ રાખવો નથી. તે ઘણો કંટાળાજનક છે. તે મને સહેલાઇથી છોડશે નહીં એ પણ હું જાણું છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (મુંબઇ)
* એ છોકરાને તમે પ્રોત્સાહન આપ્યું હોવું જોઇએ. શક્ય છે કે તેના તમારામાં રસને કારણે તમારો અહમ પોષાયો હોય. તમે એને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હોય નહીં તો તે તમારો મિત્ર કેવી રીતે બની શકતે? ખેર, તેને શાંતિથી સમજાવો કે તમે તેના પ્રેમના અતિરેકપણાથી કંટાળી ગયા છો અને હવે આ સંબંધ આગળ વધારવામાં તમને કોઇ રસ નથી. આ વાત તેની સમક્ષ સ્પષ્ટ કરવી જરૂરી છે. શરૂઆતમાં તેને જરા આઘાત લાગશે. પરંતુ પાછળથી બધુ વ્યવસ્થિત થઇ જશે. આમ પણ ગંભીર સંબંધ બાંધવા માટે તમારા બંનેની ઉંમર ઘણી નાની છે.
હું ૨૫ વરસની અપરિણીત યુવતી છું. મારો એક રાખી ભાઇ છે. અમને બંનેને સારું બને છે. હું મારા આ ભાઇને ઘણો પ્રેમ કરું છું. જેની ઘણાને અદેખાઇ આવે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેનું વર્તન ઘણું બદલાઇ ગયું છે. તે મારી અવગણના કરે છે અને બીજામાં વધુ રસ લે છે. હું તેના પ્રત્યે વધુ પડતી પઝેઝિવ બની ગઇ છું એ હું જાણું છું. પરંતુ હું મારી જાતને રોકી શકતી નથી. મારે મારા ભાઇને ગુમાવવો નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.
એક યુવતી (સુરત)
* મને તો લાગે છે કે તમે પોતે જ તમારી લાગણીઓમાં સ્પષ્ટ નથી. શું તમારા જીવનમાં એના સિવાય બીજો કોઇ છોકરો જ નથી? તેના પ્રત્યેનું તમારું વધુ પડતું વળગણ તેને તમારાથી દૂર કરી દે એવી શક્યતા છે. દરેક બાબત હદમાં જ શોભે છે એનો અતિરેક સારો નથી. ભાઇ-બહેનનો સંબંધ પણ આમા અપવાદ નથી. તેનું પોતાનું જીવન પણ છે. તેને પણ પોતા માટે થોડો અંગત સમય જોઇએ છે. તમારે તમારા માટે સાથી શોધી તમારું જીવન જીવવાની જરૂર છે.
હું ૧૬ વરસથી છું. મારાથી ત્રણ વરસ મોટા એક છોકરામાં મને રસ છે. અમે મિત્રો નથી. પરંતુ એક વાર તેણે મારી સાથે વાત કરી હતી. એ પછી એણે મારી વર્ષગાંઠને દિવસે મને શુભેચ્છા આપી હતી. કોઇ વાર તે મારી સામે હસે છે તો કોઇ વાર તે મારી અવગણના પણ કરે છે. મારા પ્રત્યેની તેની લાગણી બાબતે હું સ્પષ્ટ નથી. મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
એક યુવતી (મહેસાણા)
* હકીકતમાં તો એ છોકરાના વર્તન પરથી તમને તેની લાગણીઓ બાબતે થોડો ઘણો અણસાર આવી જવો જોઇતો હતો. તમારે તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમારો વધુ પરિચય થશે. તો તમને એની લાગણીઓની જાણ થશે.
તમારા કોઇ કોમન મિત્ર દ્વારા તેનો પરિચય કેળવો. તેને તમારામાં રસ હોય નહીં તો નિરાશ થવાની જરૂર નથી. તમારી પાસે આખી જિંદગી પડી છે અને દુનિયામાં આ એક જ પુરુષ નથી.
- નયના