- આઠ વરસથી મારો એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. અમે અમારા લગ્ન પણ કોર્ટમાં રજિસ્ટર્ડ કરાવ્યા હતા. તે અચાનક વિદેશ ગયો પછી બે મહિના રહીને હું ગર્ભવતી થઈ ગઈ...
હું મારા પતિ દ્વારા થતી ઘરેલુ હિંસાનો શિકાર છું. તેઓ મારી સાથે મારપીટ કરે છે અને ગાળો પણ બોલે છે, તેમ છતાં હું તેમની વિરુદ્ધ કોઈ વિરોધ નથી કરી શકતી. તેનું કારણ મારી દીકરી છે, જે આ વર્ષે ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે. હું નથી ઈચ્છતી કે મારા કોઈ પગલાંને કારણે તેના અભ્યાસ પર અસર થાય, પરંતુ પતિને આ વાતની બિલકુલ ચિંતા નથી. તેઓ ગમે તે ક્ષણે મને અને મારી દીકરીને ઘરમાંથી કાઢી શકે છે. મહેરબાની કરીને જણાવો કે મારે શું કરવું?
એક માતા (અમલસાડ)
* તમે સંપૂર્ણ વિગત જણાવી નથી કે તમારા પતિના આ વર્તન પાછળ કારણ શું છે. જો તેઓ શરૂઆતથી જ આ પ્રકારનો હિંસાત્મક વ્યવહાર કરી રહ્યા છે તો તમે ઘરના વડીલો (પોતાનાં સાસુસસરા અથવા માતાપિતા)ને આ વિષય બાબતે વાત કેમ ન કરી? જો કોઈ સમસ્યા હતી તો તેઓ હસ્તક્ષેપ કરીને સમાધાન શોધી શકત. જો પરિસ્થિતિ અસામાન્ય હોત તો તમે કોઈ સમાજસેવી સંસ્થાની મદદ લઈ શકતા હતા. તમારી દીકરીની બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી આ વિષયે કોઈ નક્કર પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તમારી સાથેસાથે તમારી દીકરી પણ ઘરના અસામાન્ય વાતાવરણથી ચિંતિત હશે.
હું ૨૬ વર્ષની યુવતી છું. મને અત્યાર સુધી અનેક છોકરા જોવા માટે આવી ચૂક્યા છે, પરંતુ બધા મને નાપસંદ કરી ચૂક્યા છે. આથી હું ઘણી ચિંતિત થઈ ગઈ છું. વારંવાર મારું પ્રદર્શન થતું હોવાથી અને પછી છોકરાપક્ષની ના સાંભળીને હું ખૂબ જ દુ:ખી થઈ જાઉં છું. હવે તો હું સતત તાણ અનુભવવા લાગી છું, પરંતુ ઘરના લોકો મારી મનોદશાને નથી સમજતા.
આ પ્રકારની ઉદાસીનતા વચ્ચે જીવિત રહેવાનું એક કારણ મારો બોયફ્રેન્ડ પણ છે. જેને હું છેલ્લાં ૬ વર્ષથી પ્રેમ કરું છું. તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તે સારી કંપનીમાં એકાઉન્ટન્ટ છે. તેનાં માતાપિતા નથી. એક બહેન છે, જે કોલેજમાં અભ્યાસ કરે છે. સમસ્યા એ છે કે છોકરો નેપાળી છે અને અમે જૈન. અમારા પ્રેમસંબંધ વિશે મારી બહેન જાણે છે અને તે પણ ઈચ્છે છે કે અમે લગ્ન કરી લઈએ. જણાવો હું શું કરું?
એક યુવતી (રાજકોટ)
* તમે તમારા બોયફ્રેન્ડને લાંબા સમયથી ઓળખો છો અને જો તમને લાગતું હોય કે લગ્ન બાબતે તે ગંભીર છે તો તમારે ઘરના લોકોને આ વિશે જણાવવું જોઈએ. જો તમને સંકોચ થતો હોય તો તમારી બહેન ઘરમાં કહી શકે છે. છોકરો નેપાળી છે તે વાતનું ખાસ મહત્ત્વ નથી. આજકાલ તો આ પ્રકારનાં લગ્ન સામાન્ય છે. તમારી ઉંમર લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે, તેથી વધારે વિચાર કરવાની જરૂર નથી.
હું ૨૭ વરસની કુંવારી યુવતી છું. આઠ વરસથી મારો એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. અમે અમારા લગ્ન પણ કોર્ટમાં રજિસ્ટર્ડ કરાવ્યા હતા. તેને અચાનક વિદેશ જવાનું થયું. તે વિદેશ ગયો પછી બે મહિના રહીને હું ગર્ભવતી થઈ. મેં તેને ફોન કરીને આ બાબતથી વાકેફ કર્યો તો તેણે કહ્યું કે હું અત્યારે લગ્ન કરવા આવી શકું એમ નથી. આ વાત મારી કાકી જાણે છે.
કોઈ ઈલાજ ન જણાતાં મેં ગર્ભપાત કરાવી નાખ્યો. થોડાં વખત પછી આ યુવક વિદેશમાં જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. હવે મારા મમ્મી-પપ્પા મને લગ્ન કરવા સમજાવે છે. હવે મને મૂંઝવણ સતાવે છે કે શું મારા પતિને મારા ગર્ભાધાનની ખબર પડી જશે? શું ડૉક્ટર તેમને કહી શકશે? શું થશે? શું થશે? ના જ વિચારો આવ્યા કરે છે.
એક બહેન (મુંબઈ)
* તમારા પતિને તમારા ગર્ભપાતની ખબર પડી શકે નહીં. તમે ચિંતા નહીં કરો અને તમારા ભૂતકાળને ભૂલી જાઓ. કોઈ સારી મહિલા તબીબને મળી તમારું મન હળવું કરો. અને તમારું ઘર વસાલી લો.
- નયના


