સહિયર સમીક્ષા .
- હું એક મિત્રને પત્રોની આપલે કરતી હતી. એકવાર એક પત્ર મારા પિતાના હાથમાં આવી ગયો
* હું ૩૩ વર્ષની પરિણીતા છું. મારે બે બાળકો છે. દીકરાના જન્મ પછી મને માસિક ખૂબ જ ઓછું થવા માંડયું છે. સ્ત્રીરોગ નિષ્ણાતના કહેવાથી મેં લોહીની તપાસ, અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોન્સ ટેસ્ટ, એક્સ-રે બધું જ કરાવી લીધું છે. અને બધા જ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. ડોક્ટરના મતે મને કોઈ પણ જાતની સારવારની જરૂર નથી. બીજી બાજુ માથામાં અચાનક દુખાવો થવા માંડયો છે. માનસિક તાણને લીધે માથામાં અચાનક ઝાટકો લાગે છે અને દુખાવો વધી જાય છે. ગભરામણ થાય છે. પછી થોડી વારે બધું સામાન્ય થઈ જાય છે. મનોરોગ નિષ્ણાતની સલાહથી બે વર્ષ સુધી દવા પણ લીધી પછી તેમણે દવા બંધ કરી નાખી. શું મેગ્નેટિક હેડ બેલ્ટ પહેરવાથી માથાના દુખાવામાં આરામ મળશે?
એક બહેન (વલસાડ)
* તાણથી મુક્તિ મેળવવા માટે દવા લેવી યોેગ્ય નથી. સારું એ રહેશે કે તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવો. સવારસાંજ ફરવા જાઓ કોઈ મનોચિકિત્સકની દેખરેખ હેઠળ તાણ દૂર કરવાનો ખાસ વ્યાયામ શીખી લો. અને તેને નિયમિત કરો. માસિકસ્ત્રાવનું પ્રમાણ ઓછું થવું એ તમારા માટે ચિંતાનો વિષય ન હોવો જોઈએ. કારણ કે તમારા બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. માથાના દુખાવા માટે તમે કોઈ ડોક્ટરની સારવાર લઈ શકો છો. દુખાવો થાય ત્યારે પેન કિલર દવા લઈને તેનાથી રાહત મેળવી શકો છો, પરંતુ સાચું નિદાન જીવનમાં અનિવાર્ય પરિવર્તન લાવવાથી જ મળશે.
* હું ૨૧ વર્ષની પરિણીતા છું. લગ્નને ૮ મહિના થઈ ગયા છે. પતિની ઈચ્છા અનુસાર દરરોજ સમાગમ કરીએ છીએ, પરંતુ મને ગર્ભ હજી સુધી રહ્યો નથી. ઘરમાં બધાં જ મ્હેણાં મારે છે કે હું વાંઝણી છું. મને સમજાતું નથી કે શું કરું? શું રોજ સમાગમ કરવાથી નુકસાન થાય છે?
એક યુવતી (રાજકોેટ)
* જો કે ચિકિત્સકોની દ્રષ્ટિથી એવા જ દંપતીઓને ડોક્ટરની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. જે એક વર્ષ સુધી કોઈપણ જાતની અડચણ વિના મળતા હોય અને તેમ છતાં ગર્ભાધારણ કરી શકવામાં સફળ ન થયા હોય તમારી કૌટુંબિક સ્થિતિને જોતાં યોેગ્ય એ જ છે કે આ વિષય પર તમે તમારા પતિ સાથે ખુલ્લી વાતચીત કરો અને કોઈ ઈનફર્ટિલીટી નિષ્ણાત પાસે તપાસ કરાવો. તમારા સાસરિયાનાં સભ્યો માટે એ જાણવું જરૂરી છે કે કોઈ સ્ત્રી જો ગર્ભાધારણ ન કરી શકે તો તપાસ કરાવવાથી લગભગ ૪૦ ટકા કિસ્સાઓમાં પતિ-પત્ની બંનેમાં કોઈ પણ ખામી હોઈ શકે. લગભગ ૧૦ ટકા કિસ્સાઓમાં બધુ સામાન્ય હોય છે, છતાં ખોળો ખાલી રહી જાય છે. એકવાત એ પણ છે કે જોે સારી રીતે ઈલાજ કરાવવામાં આવે તો ૫૦ થી ૬૦ ટકા કિસ્સાઓમાં વંધ્યત્વ દૂર કરી શકાય છે.
જ્યાં સુધી રોજ સમાગમની વાત છે તો જો બંનેની સહમતિ હોય તો તેની મન અને શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી.
* હું કોલેજિયન યુવતી છું. આજકાલ મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલે છે. હું જ્યારે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે પાડોશમાં સંબંધીને ત્યાં રહીને અભ્યાસ કરતા એક યુવક સાથે મારે દોસ્તી થઈ ગઈ હતી. અભ્યાસ પૂરો થતાં એ યુવક પાછો તેના ઘરે જતો રહ્યો.
મિત્રતા દરમિયાન અમે બંને પત્રોની આપલે કરતાં હતાં. એકવાર એક પત્ર મારા પિતાના હાથમાં આવી ગયો અમને બંનેને ખૂબ ધમકાવ્યાં, ઠપકો આપ્યો અને અમારી દોસ્તી સમાપ્ત થઈ ગઈ.
મેં લખેલા પત્રો યુવકની બહેનના હાથમાં આવી ગયા અને તેણે મારી મમ્મીને બતાવ્યા તેથી મારે ઘણું અપમાન સહન કરવું પડયું, પરંતુ મને હવે ડર લાગે છે કે એ લોકો મારા લગ્ન સંબંધમાં મુશ્કેલી તો ઊભી નહીં કરે ને? મારે હવે શું કરવું જોઈએ?
એક યુવતી (અમદાવાદ)
* યુવકને પ્રેમપત્ર લખવાની તમે ભૂલ કરી છે. આમ પણ અત્યારે તમારે તેની સાથે કોઈ સંબંધ રહ્યો નથી તેથી જે વખતે તમારી મમ્મીને પ્રેમપત્રો જોવા મળ્યા ત્યારે જ તેમણે તે પાછા માગી લેવા જોેઈતા હતા. હજુ પણ તેઓ પ્રેમપત્રો પાછા આપવાનું કહી શકે. યુવકના ઘરના લોકોને તમારી સાથે કોઈ અણબનાવ કે ઝઘડો તો થયો નથી તેથી તમારી મમ્મી દીકરીના ભવિષ્યની વાત કાઢીને તેમને વિનંતી કરશે તો તેઓ ચોક્કસ પ્રેમપત્રો પાછા આપી દેશે. કદાચ યુવકના ઘરના લોકો પત્રો પાછા આપવાની આનાકાની કરે તો તમારે કરગરવાની જરૂર નથી. અત્યારે તો લાગતું નથી કે તેઓ તમારા લગ્નમાં કોઈ મુશ્કેલી ઊભી કરે.
- નયના