- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- આપણા સંબંધોનું સરવૈયું કાઢીને આપણી લાગણીઓ, પ્રેમ, સંવેદનાના ઈન્વેસ્ટમેન્ટ, સેટલમેન્ટ, લાયેબિલિટી અને પ્રોફિટેબિલિટી પણ ચેક કરી લેવા જોઈએ. માણસો જોડે મોટાભાગે બનતું હોય છે કે, તે એક તબક્કે પહોંચે ત્યારે તેની પાસે કદાચ ધન વધ્યું હોય છે પણ પોતાનું કહી શકાય તેવું સ્વજન વધ્યું હોતું નથી.
આજે માર્ચ મહિનાની છેલ્લી તારીખ છે. દરેક વ્યક્તિથી માંડીને પેઢીઓ, કંપનીઓ, બેન્કો, સરકાર અને આથક લેવડ દેવડ કરનાર દરેક વ્યક્તિ પોતાનું અંતિમ સરવૈયુ બનાવશે. તેની ચકાસણી કરશે અને બધું બેલેન્સ કરવાનો પ્રયાસ કરશે. આપણે તેને બેલેન્સશીટ કહેતા હોઈએ છીએ. તેની ચકાસણી કરવી પડે કારણ કે આપવાના કેટલા છે, લેવાના કેટલા છે અને પાછળ વધ્યું શું છે. અહીંયા આથક લાભ છે એટલે આપણે તેના સરવૈયા કાઢીએ છીએ. તેને તપાસીએ છીએ અને મેક્સિમમ પ્રોફિટ થાય તેવી આશા રાખીએ છીએ.
આ બધું કરવા દરમિયાન ક્યારેય આપણા સંબંધોની તરફ નજર કરી નથી. માર્ચ એન્ડિંગ હોય કે, ધારો કે ગુજરાતી કેલેન્ડરના છેલ્લા દિવસો હોય કે અંગ્રેજી કેલેન્ડરા છેલ્લાં દિવસો હોય પણ જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે ઈમોશનલ બેલેન્સશીટ બનાવવાની કે ચકાસવાની આપણે ક્યારેય તસદી લેતા જ નથી. આપણી પાસે એ વિચાર જ નથી કે, આપણા જીવનમાં કેટલા માણસો આવ્યા, કેટલાની બાદબાકી થઈ ગઈ, કેટલા ઉમેરાયા, કોનો ભાગાકાર કરી દીધો કે કરવો પડયો.
આપણી પાસે બેન્કની પાસબુક છે, એફડીના કાગળીયા છે, શેરના સ્ટોક છે પણ જિંદગીનો ક્યાંય હિસાબ નથી. લાગણીઓની આખી બેલેન્સશીટ કોરી છે. સુખ અને દુ:ખના ક્યાંય તાળા મળતા જ નથી. લેવડ-દેવડના ચોપડા સાવ અધુરા છોડી દીધા છે. સંવેદનાઓ વિશે મનમાં ઘણી ક્વેરી છે પણ ખુલાસા થતા જ નથી. સંબંધોનું આખેઆખું એકાઉન્ટ તળીયા ઝાટક થઈ જાય તે પહેલાં તેને વર્તમાનમાં વાપરતા શીખવું પડશે. ક્યાંક લાગણીઓનું ચલણ બંધ થઈ જશેને તો નવી લાગણીઓ જન્માવવી ખૂબ જ અઘરી થઈ જશે.
ઘણા માણસો મોફટ બોલી જનારા, રોકડું પરખાવી દેનારા અને પોતાની જાતને સ્પષ્ટ વક્તા માનનારા હોય છે પણ તેની નજીક જઈએ તો ખ્યાલ આવે કે આ વ્યક્તિ સાવ એકલી અને અંદરથી સાવ ખોખલી થઈ ગયેલી છે. અંગત કહી શકાય એવું કોઈ છે જ નહીં. નિર્દોષ, સહજ અને ક્યારેક મૂર્ખામીભર્યા સંસ્મરણો ધરાવતા સંબંધો આપણે કેળવી શકતા જ નથી. લાગણીઓને પણ પ્રોફેશનલ બનાવી દીધી છે. મારો સ્વાર્થ હોય ત્યાં લળી જવાનું અને સ્વાર્થ પૂરો થાય એટલે લડી જવાનું.
બેન્કમાં લોન લેવા જઈએને તો પણ ત્રણ વર્ષનું રિટર્ન માગે છે. સરકાર ચારે તરફ આધાર જોડવાની વાતો કરે છે. જિંદગીમાં ક્યાંય આવું રિટર્ન ચકાસ્યું છે. જિંદગીમાં જે લોનો લીધી કે ભરી છે તેનું સરવૈયું છે આપણી પાસે. સુખ અને દુખના સમયમાં પડખે રહે તેવા આધાર આપણી સાથે જોડાયેલા છે કે નહીં. મન પાસે કોઈ યુનિક આઈડી છે જે એક જ જગ્યાએ કનેક્ટ કરવાથી સહાનુભુતીના, આનંદના, શોકના, મિત્રતાના તમામ હિસાબો થઈ જાય. જ્યાં જરૂર પડે ત્યાં આવા આધારનો ઉપયોગ કરી શકીએ. ઘણી વખત એવું થાય કે ફલાણાને એક વખત મળવું હતું, મારી કોલેજની મિત્રને એક વખત જોવી હતી, મારે પેલીને આઈ લવ યુ કહેવાનું રહી ગયું હતું. મારે સ્કૂલના પેલા તોફાનીને એક લાફો મારવાનો હતો. આ સંસ્મરણોના ઉધાર ખાતા આપણને ક્યાંય ભવિષ્યનો સંતોષ આપવાના નથી.
ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરનારો માણસ ધીમે ધીમે ઈમોશનલ પ્લાનિંગ પણ કરતો થઈ ગયો છે. ભૂતકાળની ઘટનાઓને યાદ કરીને, બાળપણના કે કોલેજકાળાના સ્મરણોને વર્તમાનમાં યાદ કરે છે અને જીવ બાળે છે. બીજી તરફ ભવિષ્યની યોજનાઓ તૈયાર કરે છે અને વર્તમાન ગુમાવે છે. ભવિષ્યમાં શું થશે તેની ચિંતા છે પણ ખરેખર શું થવાનું છે તેની ખબર જ નથી. આપણે કામય નક્કી કરીએ છીએ કે, એક વખત છોકરા મોટા થઈ જાય પછી આરામ કરવો છે, વિદેશ જવું છે, પત્નીને ફરવા લઈ જવી છે, એક ફાર્મહાઉસ બનાવવું છે વગેરે... વગેરે... સંતાનો પ્લાન કરે કે થોડા સેટ થઈએ તો માતા-પિતાને ક્યાંક ફરવા મોકલીએ અને માતા-પિતા બીજી તરફ સંતાનો વિશે વિચારતા હોય છે. આપણે લોકો સતત ક્યારેક... પછી... ભવિષ્યમાં... થશે તો.... જવાશે તો... મળશે તો...ની સ્થિતિમાં જ જીવતા થઈ ગયા છીએ. કોઈપણ ક્ષણને સ્થિતિને ટાળી દેવાની આવડત આપણામાં આવી ગઈ છે. ફરી ક્યારેક સાથે આપણે ખૂબ જ કન્વિનિયન્ટ થઈ ગયા છીએ.
જિંદગીની અનિશ્ચિતતા વિશે આપણે જાણીએ છીએ અને છતાં તેને નિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરતા જઈએ છીએ. જીવવું જ હોયને તો સતત ભવિષ્યની ચિંતા છોડીને આજને અપનાવતા શીખો. સામે મળેલી કે સાથે રહેલી વ્યક્તિ સાથે લાગણીઓને જોડતા અને સાચવતા શીખો. બધામાં સ્વાર્થ અને વ્યાપારને જ જોડતા જઈશું તો એવું થશે કે ભવિષ્યમાં પૈસાનું બેલેન્સ હશે, બંગલા હશે પણ વાપરનારા ક્યાંય નહીં હોય. ઘણા લોકોના પાસપોર્ટ ઉપર છપાયેલા પરમેનન્ટ એડ્રેસ ઉપર એ રહી શકતો જ નથી હોતો. ખાલી એક વખત વિચારો કે તમે અનેક મથામણ કરીને ફોર બીએચકેનો ફ્લેટ ખરિદ્યો, તેમાં ફનચર કરાવ્યું, બધું જ સેટ થઈ ગયું.
દર મહિને પચ્ચીસ હજારનો હપતો ભરવાનો આવશે તેની પણ ગોઠવણ થઈ ગઈ અને નવા ઘરમાં રહેવા જવાના આગલા દિવસે જ આપણું મૃત્યુ થઈ ગયું તો શું. જે પ્લાનિંગ કર્યા હતા તેનું શું, જે વિચારો હતા તેનું શું. આ કશું જ સાથે રહેતું નથી. આપણે સતત ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને વર્તમાનને રગદોળી નાખતા હોઈએ છીએ. આપણે દરરોજ નક્કી કરીએ છીએ કે હું ફલાણું કરીશ, ઢીકણું નહીં કરું, દરરોજ ચાલવા જઈશ, ડાયેટ કરીશ, જંકફૂડ નહીં ખાઉં અને પછી શું. જીવનની ઘટમાળમાં બધું ભુલાઈ જાય છે. બે દિવસ સભાનતા સાથે બધું કરીએ છીએ અને ત્રીજા દિવસે હતા તેવા ને તેવા.
સંબંધોમાં પણ આવું જ છે, આપણે દરેક સંબંધને ફરી તક આપવાનું વિચારતા જ નથી. બીજી તરફ વિસરાઈ ગયેલા કે અટકી ગયેલા સંબંધને ભવિષ્યમાં જોડવા ઉપર છોડી દઈએ છીએ. જીવનમાં જ્યાં કશું જ નિશ્ચિત નથી ત્યાં આપણે ભવિષ્યના પ્લાનિંગ કરવા લાગીએ છીએ. સંબંધો એક એવી બાબત છે જેમાં કોઈ પ્લાનિંગ કામ કરતા નથી અને કોઈ એફડી પાકતી નથી. સંબંધનું સરવૈયું એવું છે જેમાં દરરોજ નામુ લખતા રહેવું પડે છે. આ દરરોજ થતી એન્ટ્રી જ જીવનના અંતિમ તબક્કે કામ લાગે છે. જમા થયેલી લાગણીઓથી તરબતર સંબંધો જ સાથ આપે છે બાકી ઉધારીના લાગણીઓના ક્યારેય તાળા મળતા જ નથી. જીવનના એક તબક્કે સહેજ પોરો ખાઈને સંબંધ અને જીંદગીના સરવૈયાનો પણ તાળો મેળવી લેવો જોઈએ જેથી સમજાઈ જશે કે, આપણે શું ગુમાવ્યું છે અને શું મેળવ્યું?
માણસે ઈમોશનલ પ્લાનિંગ કરીને તેની બેલેન્સશીટ ચકાસવી જોઈએ. તેણે એક વખત નજર નાખવી જોઈએ કે, તેની પાસે સંબંધો કેવા વધ્યા છે. કેટલાક જૂના સંબંધો હોય છે જે નકામી એસેટ જેવા હોય છે તેને ખરેખર હવે કેરીફોર્વડ કરવા છે કે નહીં અથવા તો તેને કાઢી નાખવા છે. નવા કેટલા સંબંધો ઉમેરાયા છે. આ સંબંધોમાંથી પણ લાયેબિલિટી કેટલી છે તે ચકાસી લેવું જોઈએ. ઘણા સંબંધ માત્ર સ્વાર્થના જ હોય છે તો તેમાં લાગણીઓને કેટલી ઈન્વેસ્ટ કરી શકાય તે જોઈ લેવું જોઈએ. ઘણી વખત સંબંધોનું સરવૈયું બતાવે છે કે, આપણી પાસે લાગણીઓનું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે કારણ કે નવી લાગણી આવતી નથી. જે વધી તે સતત વપરાયા કરે છે. આવા ઈન્વેસ્ટમેન્ટ પર પણ કાબુ લાવવો જોઈએ. જરૂર પડે તો સારા સંબંધોની એસઆઈપી શરૂ કરવી જોઈએ. ભલે સંબંધ નાનો હોય પણ લાંબા સમય સુધી ટકે અને જરૂર પડયે પડખે રહે તેવો ફાયદો મળવો જોઈએ. આ ઉપરાંત ઘણા સંબંધ એવા હોય છે જેમાં સતત ગુંગણામણનો જીએસટી લાગેલો હોય છે અને સામે કેરિંગ ઈમોશનની ક્રેડિટ મળતી જ નથી. આવા સંબંધનો ઉકેલ લાવવા અંગે પણ વિચાર કરવો જોઈએ. તેવી જ રીતે જેમાં ટેન્શનનો ટેક્સ લાગતો હોય ત્યાં પણ લાગણીઓની બચત કેવી રીતે કરી શકાય તેનો વિચાર કરવો જોઈએ.
સરેરાશ એટલું જ છે કે, જેમ આથક વર્ષ પૂરું થયા પછી આપણે તાળો મેળવવા મથતા હોઈએ છીએ તેવી જ રીતે વર્ષમાં એકાદ વખત લાગણીઓનું બેલેન્સ ચકાસતા રહેવું જોઈએ. આપણા સંબંધોનું સરવૈયું કાઢીને આપણી લાગણીઓ, પ્રેમ, સંવેદનાના ઈન્વેસ્ટમેન્ટ, સેટલમેન્ટ, લાયેબિલિટી અને પ્રોફિટેબિલિટી પણ ચેક કરી લેવા જોઈએ. માણસો જોડે મોટાભાગે બનતું હોય છે કે, તે એક તબક્કે પહોંચે ત્યારે તેની પાસે કદાચ ધન વધ્યું હોય છે પણ પોતાનું કહી શકાય તેવું સ્વજન વધ્યું હોતું નથી. તેની પાસે લાયેબિલિટી જેવા સંબંધો હોય છે જે માત્ર વેંઢારતા જવાના હોય છે. પ્રેમનો પ્રોફિટ કરાવે તેવી કોઈ વ્યક્તિ તેની પાસે હોતી નથી. તો જીવનમાં કોઈ સમયે, કોઈક પળે થોડો સમય કાઢી પોતાની જાતનો, પોતાના સંબંધોનો અને લાગણીઓનો તાળો મેળવતા રહેવું જોઈએ. ઈમોશનલ બેલેન્સશીટની ચકાસણી પણ એટલી જ જરૂરી છે .


