Get The App

જેન ઝી : સંબંધોના અખતરા અને ખતરા .

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
જેન ઝી : સંબંધોના અખતરા અને ખતરા                              . 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- અહીંયા મોટાભાગે કમિટમેન્ટ અને સેટલમેન્ટની વાત આવતી જ નથી. જે મળ્યું, જ્યારે મળ્યું અને જેમ મળ્યું તેનો આનંદ માણીને છુટા પડવાની જ વાત આવે છે. એક વ્યક્તિ જે મનની સંવેદનાને ઝંકૃત કરી જાય કે મનના સ્પંદનોને આંદોલિત કરી જાય તેવું કશું જ નહીં. માણસ અને તેની લાગણીઓનો થાય ત્યાં સુધી ઉપયોગ કરવાનો અને પછી મુવઓન થઈ જવાનું.  

નવી પેઢીના નવા સંબંધો હોય છે. તેમના માટે સંબંધોની વ્યાખ્યા, તેનું અસ્તિત્વ, તેનું અર્થઘટન, તેનું મહત્ત્વ બધું જ જુદું જુદું છે. આપણે જેમને જેન ઝી તરીકે ઓળખીએ છીએ તેમને પોતાનું એક આગવું વિશ્વ ઊભું કરી નાખ્યું છે. તેમના વિચારો, તેમની લાગણીઓ, તેમના અનુભવો અને ત્યાં સુધી કે તેમના સંબંધો, તેમની ભાષા, તેમની અભિવ્યક્તિ અને તેમના અખતરા પણ કંઈક જુદા જ સ્તરના છે. છેલ્લાં ઘણા સમયથી જો સ્માર્ટ ગેજેટ્સ અને એપ્સ ઉપર ધ્યાન આપ્યું હોય તો આવા ચેનચાળા કરતી પ્રજાનો તોટો જડતો નથી. તેના કારણે જ સોશિયલ મીડિયા ઉપર ધતિંગો કરીને કુલ લાગતી અને જાણીતી થઈ જતી પ્રજાનો ઊભરો આવવા માંડયો છે. તેમના માટે બધું જ એક્સપિરિમેન્ટલ અને માત્ર વર્ચ્યુઅલ વિશ્વમાં રજૂ કરવા માટેનું જ બની રહ્યું છે. તેઓ વસ્તુ હોય કે વાત કે પછી સંબંધ હોય કે સંગાથ બધું જ સોશિયલ મીડિયા થકી જ વ્યક્ત કરવામાં અને અનુભવવામાં વધારે માને છે. 

આ પેઢીને વાસ્તવિકત રીતે ગમનારા નહીં પણ લાઈક કરનારા લોકો વધારે પસંદ છે. તેમની વાતને માનીને પ્રતિક્રિયા આપનારા નહીં પણ તેમની પોસ્ટ ઉપર લાઈક અને કોમેન્ટ કરનારા લોકો જોઈએ છે. તેમને સાથે રહેનારા, સાથ આપનારા લોકો નહીં પણ તેમને ફોલો કરનારા, તેમને ટ્રેન્ડમાં રાખનારા, તેમની એક્ટિવિટી અને પોસ્ટને જોનારા લોકો વધારે જોઈએ છે. આ પેઢીએ પોતાના સંબંધોમાં પણ એવી વિચિત્ર સગવડતા શોધી કાઢી છે. લાગણીઓના નામે એવા અખતરા શરૂ કરી દીધા છે કે સંબંધો સાવ સાઈડલાઈન થઈ ગયા છે. તેઓ રિલેશનશિપને હવે ગંભીરતાથી લેતા જ નથી. તેમને સંબંધોને સાવ ડિસ્પોઝેબલ બનાવી દીધા છે. સંબંધોમાં કશું જ વાસ્તવિક, અનુભવગત કે સચોટ કહી શકાય તેવું રાખ્યું જ નથી. સંબંધોના નામે સતત અખતરા કરવાનું હવે આ પેઢીને કોઠે પડી ગયું હોય તેમ લાગે છે. તેમના પોતાના શબ્દો, તેના અર્થ, અનર્થ અને વિકસાવેલું વિશ્વ ખરેખર વાસ્તવિકતાથી જોજનો દૂર છે અને સમાજના પાયામાં રહેલા સંબંધોને વધારે પાંગળા કરી રહ્યા છે.

આ લોકોમાં હાલમાં ચલણ છે સિચ્યુએશનશિપનું. આ એક એવો વ્યાધી છે જેમાં હરવાનું, ફરવાનું, અને લગભગ બધું જ કરવાનું પણ છતાં એકબીજાની સાથે જ રહેવાનું તેવું નક્કી નથી. આ એક એવી બાબત છે જેમાં બંને એકબીજા સાથે ખૂબ જ નજીક છે છતાં તેમની વચ્ચે કોઈ નક્કર સંબંધ નથી. તેઓ માત્ર ફ્રેન્ડ વિથ બેનિફિટની સિચ્યુએશનમાં છે. જ્યારે અવસર મળે ત્યારે મજા કરી લેવાની, મળતો લાભ લઈ લેવાનો અને કદાચ કોઈ અન્ય વ્યક્તિ ગમી જાય તો આ સંબંધ અહીંયા અટકાવી દેવાનો અને બીજા વ્યક્તિ સાથે રિલેશનમાં જોડાઈ જવાનું. અહીંયા કમિટમેન્ટ આવતું જ નથી. અહીંયા જોખમ એ રહેલું છે કે, બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જો આ સંબંધ વિશે ખરેખર સિરિયસ થઈ ગયું હોય તો તેના ઘણા પ્રત્યાઘાત આવી શકે છે. આ પેઢી એવું માને છે કે, આ સિચ્યુએશનશિપમાં ફ્રીડમ છે, ફ્લેક્સિબિલિટી છે અને સંબંધનું કોઈ દેખિતું દબાણ કે પ્રેશર જેવું કશું જ નથી. તેના કારણે તેઓ મુક્ત રહી શકે છે. તેનું નુકસાન એવું પણ છે કે તેમાં કોઈ સર્ટેનટી નથી એટલે લાગણી દુભાવાની શક્યતાઓ વધી જાય છે. તેમાંય જો આવી સ્થિતિમાં લાંબો સમય સંબંધ ખેંચવાનું આવે ત્યારે વધારે મુશ્કેલ થઈ જાય છે. 

ત્યારબાદ પરિસ્થિતિ આવે છે જેમાં પલાયનવૃત્તિને ભારોભાર સમર્થન આપવામાં આવે છે. પોતાની જવાબદારીઓમાંથી છટકી જવાની વૃત્તિને ઉત્તેજન આપવામાં આવે છે. આ પેઢી તેને ઘોસ્ટિંગ કહે છે. તમે કોઈની સાથે ડેટિંગ કરતા હોવ, કોઈની સાથે વાતો કરતા હોવ, કોઈની સાથે કેઝયુઅલ રિલેશન ડેવલપ કરતા હોવ અને અચાનક ગાયબ થઈ જવાનું. તેની સાથે વાત નહીં કરવાની કે અચાનક જ સંબંધમાંથી છટકી જવાનું. કેટલોક સમય ડેટિંગ કર્યા પછી કે મહિનાઓ સુધી વાતો કર્યા પછી કે ઘણી વખત સંબંધનું સર્જન થયા પછી અચાનક જ વ્યક્તિ આવી રીતે છટકી જાય અને સંપર્કમાંથી જ દૂર થઈ જાય. આ ઘોસ્ટિંગ ઘણા લોકો માટે આઘાતજનક અને આંચકાજનક હોય છે. સામેની વ્યક્તિ એકાએક છોડીને જતી રહે, કશું જ કહે નહીં, પૂછે નહીં, વાત પણ ન કરે અને આવી સ્થિતિમાં બાકી રહેલી વ્યક્તિનું મન દુભાય, તેની લાગણીઓનો છેદ ઉડી જાય તો તે તરફ જોનારું કોઈ જ હોતું નથી. તેમ છતાં આ પેઢી ગર્વ સાથે આવી કામગીરી કરે છે. ઘણી વખત સંબંધમાંથી એકાએક રસ ઓછો થઈ જવો, સંબંધનો ભાર લાગવો, વ્યક્તિ સાથે લાંબુ ખેંચાશે નહીં તેવી લાગણી થવી અથવા તો ઘણી વખત ટાઈમપાસ માટે શરૂ કરેલો સંબંધ ગંભીર થવા લાગશે તેવો પણ ભય જન્મતો હોય છે અને લોકો ઘોસ્ટિંગનો વિકલ્પ પસંદ કરતા હોય છે. આ સ્થિતિમાં કદાચ ઘોસ્ટિંગનો રસ્તો અપનાવનાર પોતાની મુશ્કેલીમાંથી છુટી જાય છે પણ જેને ભોગવવાનું આવે છે તેની સ્થિતિ કફોડી થઈ જાય છે. ઘણી વખત લાંબાગાળાની છાપ છોડી જાય છે કે, વ્યક્તિ પછી ભવિષ્યમાં બીજા કોઈની ઉપર વિશ્વાસ પણ કરી શકતી નથી અને તેના સંબંધો કાયમ વિખરાયેલા જ રહે છે.

એક સમયે જેને આપણે ટાઈમપાસ અને આંટાફેરા મારવા કહેતા હતા તેવું જ એક આધુનિક દુષણ આવ્યું છે જેને આ પેઢી બ્રેડક્રમ્બિંગ કહે છે. તેમાં માત્ર સોશિયલ મીડિયા માઘ્યમો થકી વાતો કરવાની, મેસેજ કરવાના, પોસ્ટ ઉપર કોમેન્ટ કરવાની પણ ક્યારેય જે-તે વ્યક્તિ સાથે મુલાકાત કરવાની નહીં. વાતો કરનારી વ્યક્તિ સાથે સંબંધ રાખવો છે કે નહીં તે પણ નક્કી હોતું નથી. માત્ર વિજાતિય પાત્ર સાથે વાતો કરવાનો વિચિત્ર આનંદ લેવાનો અને તેને બ્રેડક્રમ્બિંગ કહેવાનું. ખરેખર મિત્રતા કરવી, પ્રેમમાં પડવું કે ન પડવું કે માત્ર ફોર્મલ રિલેશન રાખવા... કશુંય ખબર પડે નહીં છતાં ચલાયે રાખવાનું.

આ સ્થિતિથી પણ ખરાબ સ્થિતિ આવે છે બેન્ચિંગની. એક વ્યક્તિની લાગણીને એવી વિખેરી નાખવાની કે કોઈ કલ્પના જ ન આવે. ઔપચારિક રીતે વાતો કરવાની, ક્યારેક મેસેજ કરવાના, તમને તે વ્યક્તિમાં રસ છે તે દાખવવાનું પણ તેની સાથે મુલાકાત ટાળવાની. તે મળવાનું કહે, ભેગા થવાનું કહે ત્યારે કોઈને કોઈ રીતે ટાળી દેવાનું. તેનું કારણ એવું હોય છે કે, એ વ્યક્તિને તમે ઓપ્શનમાં રાખો છો અને વધુ સારો ઓપ્શન શોધતા હોવ છો. તેનો અર્થ એ થયો કે, મને વધારે સારું મળશે તો હું જતો રહીશ કે જતી રહીશ પણ નહીં મળે તો તારો વિચાર કરીશ. એક વ્યક્તિ, તેની લાગણીઓ, તેના ઉમળકાને માત્ર બેકઅપ તરીકે રાખવાના જેથી ક્યારેક આપણું ધાર્યું ન થાય તો બીજા ઓપ્શનને અપનાવી શકાય.

આ ઉપરાંત થર્સ્ટ ટ્રેપ કરીને એક નવું તૂત આવ્યું છે. આ પણ વર્ચ્યુઅલ વિશ્વમાં રાચતા રહેવાની કવાયત છે. સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ મુકવાની જેથી વિજાતીય વ્યક્તિઓ આકર્ષાય અને તેના ઉપર કોમેન્ટ કરે. સામાન્ય રીતે વાત કરીએ તો માત્ર એટેન્શન સિકરની કામગીરી કરવાની. કોઈપણ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું અને ચર્ચામાં રહેવાનું. કોઈ નક્કર સંબંધ વિકસાવવાના નહીં માત્ર લોકોની વચ્ચે પોતાનું નામ ચાલતું રહેવું જોઈએ. તેને થર્સ્ટ ટ્રેપ કહેવાય છે. જેમાં વ્યક્તિને પોતાની પ્રસિદ્ધિની ઘેલછામાં ફસાવવાની અને આનંદ લેવાનો.

તેનાથી પણ ગંભીર એક વાત છે સ્લો ફેડ નામની સ્થિતિ. જેમ કોઈ જીવલેણ બીમારીથી પીડિત વ્યક્તિ ધીમે ધીમે જીવ ગુમાવે તેવી રીતે એક સંબંધનો અંત આણી દેવાનું. જેમ કોઈ વ્યક્તિ જતી હોય અને ધીમે ધીમે દૂર થતી જાય અને આંખોથી ઓઝલ થઈ જાય તેવી રીતે સંબંધમાંથી ધીમે ધીમે નીકળી જવાનું. જેની સાથે સંબંધ હોય અને પછી તેનો અંત આણવો હોય તો ધીમે ધીમે વાતો કરવાનું ઓછું કરી દેવાનું, સંપર્ક ઘટાડી દેવાનો અને એક તબક્કે સાવ દૂર થઈ જવાનું અને બધું જ બંધ કરી દેવાનું. તેના કારણે સામેની વ્યક્તિ સમજી જ ન શકે તે ખરેખર શું થઈ ગયું અને કેમ થઈ ગયું. જ્યારે સંબંધમાં રસ પૂરો થઈ જાય અથવા તો જે-તે વ્યક્તિથી દૂર થવું હોય ત્યારે નવી પેઢી આ રસ્તો અપનાવે છે. તેમના માટે આ બધું જ એકદમ કૂલ અને કેઝયુઅલ છે.

સોશિયલ મીડિયા થકી લોકોને છેતરીને ફેક રિલેશન બનાવવાનું પણ ચલણ વધી ગયું છે. ફેક પ્રોફાઈલ બનાવીને, ફેક ફોટોઝ પોસ્ટ કરીને બીજી વ્યક્તિને આકર્ષવાની અને તેની સાથે સંબંધ બનાવવાનો. આ સંબંધ માત્ર સોશિયલ મીડિયા પૂરતો, ઓનલાઈન વાતો કરવા પૂરતો જ હોય છે. તેમાં મળવાનું થતું જ નથી. એક લોન્ગ ડિસ્ટન્સ રિલેશનની જેમ માત્ર વાતો કરવાની પણ ખોટી વ્યક્તિ બનીને. એક રીતે તો માત્ર છેતરપિંડી કરવાનો જ આનંદ લેવાનો. સામેની વ્યક્તિની લાગણીઓ સાથે રમત રમવાની. તેને કેટ ફિશિંગ નામ આપવામાં આવે છે.

આવા તો બીજા ઘણા શબ્દો અને તેના વિચિત્ર અર્થઘટન છે જે આ કહેવાતી જેન ઝીના રિલેશનશિપને વ્યક્ત કરે છે. વાત એ છે કે, અહીંયા મોટાભાગે કમિટમેન્ટ અને સેટલમેન્ટની વાત આવતી જ નથી. જે મળ્યું, જ્યારે મળ્યું અને જેમ મળ્યું તેનો આનંદ માણીને છુટા પડવાની જ વાત આવે છે. એક વ્યક્તિ જે મનની સંવેદનાને ઝંકૃત કરી જાય કે મનના સ્પંદનોને આંદોલિત કરી જાય તેવું કશું જ નહીં. માણસ અને તેની લાગણીઓનો થાય ત્યાં સુધી ઉપયોગ કરવાનો અને પછી મુવઓન થઈ જવાનું. નવી પેઢીની આ માનસિકતા કદાચ જૂની પેઢીને સમજાશે નહીં પણ લાંબાગાળે જ્યારે આવી જ સ્થિતિ સમાજમાં પ્રવર્તતી રહેશે તો સમાજનું માળખું વેરવિખેર થઈ જશે. જેના આધારે સંબંધનું સર્જન થાય છે તે લાગણીઓનો છેદ ઉડી જશે તો પાછળ વધશે શું.