Get The App

પરિવારને તરછોડીને ક્યાં સુધી સમાજમાં સારા દેખાઈશું?

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
પરિવારને તરછોડીને ક્યાં સુધી સમાજમાં સારા દેખાઈશું? 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- આપણે એ જ ભુલી જઈએ છીએ કે, બીજાને મદદ કરવા સુધીના માઈલસ્ટોન સુધી પહોંચ્યા કેવી રીતે? આપણો જ પરિવાર હતો, આપણા જ લોકો હતા, આપણા જ સ્વજનો હતા જેમની મદદથી, જેમની સાથ થકી, જેમની હુંફ દ્વારા આપણે એ સ્થિતિમાં આવ્યા છીએ જ્યાંથી બીજાના મદદની શક્યતાઓ વધી છે. આપણે જ્યારે કશું જ નહોતા ત્યારે પણ પરિવાર હતો અને કદાચ આપણે કશું જ નહીં હોઈએ ત્યારે પણ આ જ પરિવાર આપણી સાથે હશે. 

સમાજમાં આમતેમ નજર ફેરવીશું તો એવા હજારો લોકો જોવા મળશે જે સમાજ સેવાની, દેશ સેવાની, બીજાને આગળ લાવવાની અને બીજાના દુ:ખમાં તેના પડખે રહેવાની વાતો કરતા હોય છે અને કદાચ તેવા કામ કરવા અકારણ દોડાદોડી કરતા હોય છે. શિયાળામાં અડધી રાત્રે ધાબાળા લઈને ગરીબોને ઓઢાડવાના વીડિયો બનાવતા, ગરમીમાં છાસ વિતરણ કરતા કે એકાદ વખત લિંબુ શરબત અથવા અન્ય કોઈ ઠંડા પીણાનું વિતરણ કરતા, ચોમાસામાં અબોલ પશુઓની મદદ કરતા, બેઘરો માટે પતરાળી અને પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવા દોડાદોડી કરતા સમાજ સેવકો આપણે ચારેકોર દેખાશે. તેમના માટે સમાજમાં મદદ કરવી અને બીજાનું દુ:ખ ઓછું કરવું, તેના ભાગરૂપે ફોટા પડાવવા અને વીડિયો બનાવવા ખૂબ જ જરૂરી હોય છે. તેના દ્વારા તેમનું સમાજમાં માનપાન વધતું હોવાની માનસિકતા તેમને આ ઘેલછા તરફ પ્રેરે છે.

એવું નથી કે, સમાજસેવાના નામે ધતિંગ કરતા જ લોકો છે. ખરેખર ગરીબોની મદદ કરતા અને વંચિતોને વહાલ કરનારા લોકો પણ આ જ સમાજમાંથી આવે છે. સવાલ એ થાય છે કે, સમાજસેવાની ઘેલછા રાખીને ફરતા, ઉત્સાહનો ટોપલો માથે લઈને ફરનારા ક્યારેય પોતાના ઘરની અંદર નજર કરતા નથી. લોકોની તકલીફ દૂર કરનારા, તેમની પીડામાં સહભાગી થનારા પોતાના પરિવારજનોની પીડાને ક્યારેય જુવે છે ખરા? આ લોકો ક્યારેય પોતાના જીવનસાથીને, સંતાનોને, પરિવારજનોને પાસે બેસીને પુછતા નથી કે તમને કોઈ મુશ્કેલી છે. તમે જીવનમાં ખુશ છો કે નહીં, તમારી કોઈ પીડા છે કે નહીં, તમારી કોઈ મુશ્કેલીમાં મારી મદદની જરૂર છે. ચિંતાજનક બાબત એ છે કે, સમાજના વંચિતોને પોતાના બનાવવાની લ્હાયમાં આપણે પરિવારથી અને પરિવારજનોથી જુદા થતા જઈએ છીએ. તેમને અળગા રાખીને દુનિયાને ભેટવા મથીએ છીએ. પોતાના લોકોની અવગણના કરીને અજાણ્યા લોકોની મદદ માટે સમય, પૈસા, ઊર્જા, સ્રોત બધું જ કામે લગાડી દઈએ છીએ. સમાજ સેવાની આવી ઘેલછા ખરેખર કેટલી યોગ્ય છે. કોઈપણ લાભ વગર કોઈની સેવા કરવી અશક્ય છે. તેમાંય હાલના સમયમાં તો કંઈકને કંઈક વળતરની અપેક્ષા હોય જ છે. છેવટે સોશિયલ મીડિયામાં જાણીતા થવા અને ફોલોઅર્સ વધારવા માટે પણ લોકો મદદ કરતા હોય છે. જો ખરેખર તેવું હોય તો માનવીય સંવેદનાઓ મોટા સવાલ ઊભા કરે છે. એકંદરે તો લાગણીના નામે સોદાબાજી જ ચાલે છે તેમ કહેવાય.

આ બધા સામે સવાલ કરવા કરતા મોટો સવાલ એ છે કે, આપણી પ્રાથમિકતાઓ ક્યાં ગઈ ખરેખર આપણી પ્રાથમિકતાઓમાં ફરેફાર આવી ગયો છે? કે પછી તે ખોટી થઈ ગઈ છે? કે સાવ બદલાઈ ગઈ છે? આપણા વિચારો, આપણી સંવેદના કે પછી આપણી દ્રષ્ટી એ હદે બદલાઈ ગઈ છે કે, આપણા પોતાના લોકો જે આપણા સુખ-દુ:ખમાં સાથે હોય છે તેમની જ પીડા આપણે અનુભવતા નથી? જે લોકો દિવસ-રાત આપણી સાથે રહ્યા છે, આપણી તડકી-છાંયડીમાં પડખે રહ્યા છે તેનું જ મહત્ત્વ આપણે સમજી શકતા નથી. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા, કહેવાતી સોશિયલ એક્ટિવિટી અને બહારની દુનિયા સાથેની વ્યવસ્થા અને સોશિયલ કોઝ એક્ટિવિટીની લાહ્યમાં આપણે પોતાના લોકો સાથેની જ કનેક્ટિવિટી ગુમાવી દીધી છે. 

આપણે પ્રોબ્લેમ એવો પણ છે કે, આપણે વર્ચ્યુઅલ વિશ્વમાં પરફેક્ટ ઈમેજ જનરેટ કરવાના ચક્કરમાં વાસ્તવિક જગત સાથેના જોડાણોથી દૂર થઈ રહ્યા છીએ. બીજાને પામવાની, બીજાને ખુશ રાખવાની, બીજાની મદદ કરવાની, બીજાની નજરમાં સારા થવાની લાલસા એ હદે વધી ગઈ છે કે, પોતાના લોકો, પરિવારના લોકોને આપણે પાછળ છોડતા જઈએ છીએ. પરિવાર, મિત્રો, સ્વજનો કે જે આપણી સૌથી મોટી શક્તિ છે તેને જ આપણે છોડીને બીજાને પ્રાપ્ત કરવા મથી રહ્યા છીએ. આપણે એ જ ભુલી જઈએ છીએ કે, બીજાને મદદ કરવા સુધીના માઈલસ્ટોન સુધી પહોંચ્યા કેવી રીતે? આપણો જ પરિવાર હતો, આપણા જ લોકો હતા, આપણા જ સ્વજનો હતા જેમની મદદથી, જેમની સાથ થકી, જેમની હુંફ દ્વારા આપણે એ સ્થિતિમાં આવ્યા છીએ જ્યાંથી બીજાના મદદની શક્યતાઓ વધી છે. આપણે જ્યારે કશું જ નહોતા ત્યારે પણ પરિવાર હતો અને કદાચ આપણે કશું જ નહીં હોઈએ ત્યારે પણ આ જ પરિવાર આપણી સાથે હશે. 

આપણો પ્રોબ્લેમ એ છે કે, આપણા ઘરમાં રહેતા લોકો, આપણી સાથે જીવન પસાર કરતા લોકોને છોડીને બીજાને ભેટવા દોડા દોડી કરીએ છીએ. આપણા માતા-પિતા, આપણા ભાઈ-બહેન કે પછી આપણી પત્ની અને સંતાનોને શા માટે આપણે ભેટી શકતા નથી? આપણે બીજા સાથે જોડાવા માટે આપણા પોતાના લોકોને શા માટે એકલતાનું વિષ પીવા છોડી દઈએ છીએ? એવો તો પ્રસિદ્ધિનો કેવો સ્વાર્થ છે કે બીજું કંઈ દેખાતું જ નથી? સમાજમાં પોતાની છબી ચમકાવવાની એવી ચાનક ચડી છે કે, ઘર બાળીને તિરથ કરવા પડે? સમાજની સેવા કરવી જ જોઈએ, આપણી પાસે થોડું વધારે છે તો જેની પાસે થોડું ઓછું છે તેને આપવું જોઈએ. આપણી માનવતા તેના આધારે જ મહેકે છે પણ પરિવારના ભોગી નહીં. ઘરના લોકો સાથેનો સંબંધ ગુંગળાતો રહે, એકલતાના કડવા ઘુંટડા ઉતારતો રહે અને આપણે બહારના લોકો માટે સેવાની સુવાસ ફેલાવતા રહીએ કે સમાજને સ્નેહનું સરબત પીવડાવતા રહીએ. 

સૌથી પહેલાં આપણે તો એ સમજવું પડશે કે આપણે પરિવાર પ્રત્યે કે પરિવારજનો પ્રત્યે આપણી લાગણી વ્યક્ત કરવી પડશે. આપણે પણ તેમને અનુભુતી કરાવવી પડશે કે કોઈપણ સ્થિતિમાં આપણે પણ તેમની પડખે અને સાથે જ છીએ. તેમના દુ:ખ, તેમની પીડા, તેમના સંઘર્ષ તમામમાં આપણે સાથે છીએ અને તેમના ઉપર વિશ્વાસ રાખીએ છીએ. આપણી પ્રાથમિકતામાં પહેલાં તેમનો સમાવેશ થાય છે. તેમને અનુભવ કરાવવો પડશે કે પરિવાર માત્ર લોહીની સગાઈ નથી પણ લાગણીઓનું એક એવું અલૌકિક જોડાણ છે જે જન્મ અને મૃત્યુના ચક્રથી પણ ઉપર છે. આપણી હયાતીમાં કે ગેરહાજરીમાં પણ એ લાગણીઓના અનુભવને કોઈ બદલી શકે તેમ નથી. આપણે એ સમજવું પડશે કે, મૂળ છોડીને વિકસવા જઈશું તો આખું વૃક્ષ ક્યારેક સુકાઈ જશે.

મહત્ત્વની વાત એટલી જ છે કે, સમાજસેવા, પરોપકાર અને બીજી બધી બાબતો આપણા માટે સારી હોઈ શકે, તેને આપણે પ્રાધાન્ય આપી શકીએ. આ બધું જ અધુરું છે જો આપણે પરિવારને કોરાણે મુકીને આ બધું કરતા હોઈએ. પરિવાર પ્રત્યેની આપણી જવાબદારીઓ, નિષ્ઠા અને લાગણીને અધુરા રાખીને જો સમાજને વહાલ કરવા નીકળીયે તો આપણાથી વધારે મુર્ખ વ્યક્તિ કોઈ નથી. જેમના વગર આપણું જીવન, આપણું અસ્તિત્વ અને આપણું કવન અધુરું છે તેવા પરિવારને, તેવા સંબંધોને અને તેના વિશ્વાસ તથા સમર્પણને છોડીને બીજાને ખુશ રાખવા મથવું કેટલા અંશે યોગ્ય ગણાય. જે વ્યક્તિ આ બધું જ કર્યા કરે છે તે ખરેખર તો પોતાની આસપાસ એક આભાસ ઊભો કરી રહ્યો છે. તે પોતાને ખુશ રાખવાનો, ખુશ બતાવવાનો, સફળ સાબિત કરવાનો અને લોકચાહના ધરાવતી વ્યક્તિ હોવાનો આભાસ ઊભો કરે છે. તે પોતાની જાતને સમજાવવા માગે છે કે, હું જે કરું છું તે સેવા છે પણ હકિકત કંઈક જુદી છે. તે પરિવારને તરછોડીને સમાજને ભેટવા દોડે છે. 

સમાજને છોડી દેવો જોઈએ, અથવા તો સેવા કે પરોપકાર ન કરવા જોઈએ તેવું પણ નથી. વ્યક્તિએ બધું જ કરવું જોઈએ પણ તેનું પ્રમાણભાન હોવું જોઈએ. આપણું ઘર ભડકે બળતું હોય અને આપણે બીજાના માટે મહેલ ચણવા ફરતા હોઈએ તેનો કોઈ અર્થ નથી. આજે ફેસબુક ઉપર, ઈન્સ્ટા ઉપર કે પછી યુટયૂબમાં સેવાઓના ધતિંગ કરનારા લાખો લોકો જોવા મળે છે. કોઈ ઘર બનાવી આપે છે, કોઈ ભોજન લાવી આપે છે, કોઈ ચીજવસ્તુઓ આપે છે તો કોઈ પૈસા આપી જાય છે. જો ખરેખર તેમાં સેવાનો ભાવ હોય તો તેના વીડિયો શા માટે બનાવવા જોઈએ. સમાજમાં એવી ઘણી સંસ્થાઓ છે જે લોકોની દાયકાઓથી મદદ કરે છે, તેમને આશ્રય આપે છે અને તેમના અંતિમસંસ્કાર કરવા સુધીની જવાબદારીનું વહન કરે છે. તેમ છતાં આવી સંસ્થાઓ ક્યાંય વીડિયો, પોસ્ટ કે તસવીરો મુકીને દેખાડા કરતી નથી. 

માણસ તેને જ કહેવાય જે સમાજ અને પરિવાર બંને વચ્ચે સંતુલન સાધી શકે. પોતાના પરિવારને તે પહેલી હરોળમાં મુકી શકે, તેમનો પ્રેમ પામી શકે, તેમને સ્નેહ કરી શકે અને ત્યારબાદ સમાજને પાછું આપવાનો પ્રયાસ કરે. પરિવારને દુ:ખી કરીને, લોકોને છેતરીને, પૈસાના ઉઠા ભણાવીને પછી વર્ચ્યઅલી વ્હાઈટ કોલર થઈને ફરતા સમાજ સેવીઓની કાળી દુનિયા કંઈક અલગ જ છે. તેમની પાસે પરિવાર નથી, તેમને ચાહનાર કોઈ નથી, તેમને માત્ર ફોલો કરનારા છે. તેમાં જ તેઓ ખુશ છે છતાં સમાજ સેવા કરું છું તેવી દાંડીઓ પીટતા રહે છે. 

સમજવા જેવું એટલું જ છે કે, આપણું સર્જન કરનારા, આપણું અસ્તિત્વ ટકાવી રાખનારા પરિવારને પ્રાથમિકતા આપવી જોઈએ. 

સૌથી પહેલાં પરિવારનું ?ણ ચુકવવા પ્રયાસ કરવો જોઈએ. આ ?ણાનુબંધ પૂરો થાય અને કંઈક વધે તો સમાજને પાછું આપવા જવાય. બાકી પરિવાહને હડસેલીને પારકાને ભેટવાની વૃત્તિ માત્ર દેખાડા અને તૂત કહેવાય. તેમાં આત્મસંતોષ મળે નહીં અને પારિવારિક સંતોષ ગુમાવવો પડે.