હાઉઝ ધ જોશ... હાઈ સર... : પાંગળી પ્રજાની પ્રાસંગિક દેશદાઝ
- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
કાશ્મીરના પહેલગામમાં જઘન્ય આતંકવાદી હુમલો થયો. આપણા દેશના નિર્દોષ નાગરિકોની કરપિણ હત્યા કરવામાં આવી, અંધાધૂંધ ગોળીઓ છોડવામાં આવી. લોકોએ જીવ ગુમાવ્યા, પરિવારો નંદવાયા અને ભયાનક ખાનાખરાબી થઈ. આ ઘટના લખવામાં, જોવામાં, સાંભળવામાં જેટલી સામાન્ય લાગે છે તેટલી છે નહીં. આ પીડા જે ભોગવી રહ્યું છે તે લોકો જ જાણે છે કે, તેમની સાથે શું થયું છે અને આગળ શું થવાનું છે. આ ઘટના વિશે વાત કરતા પહેલાં મારી સૌને વિનંતી છે કે, આ ઘટનામાં જેટલા લોકોની હત્યા થઈ છે તેમને કોઈ ધર્મના આવરણ હેઠળ ન જોશો. આપણા દેશની, આપણા પરિવારની, ભારતની મહત્ત્વની એક વ્યક્તિ આપણે ગુમાવી છે. આપણે ભારતીયોને ગુમાવ્યા છે.
વાત એવી છે કે, જે આઝાદીનો આપણે ૭૫ વર્ષનો આનંદ ઉજવી રહ્યા છીએ તે આઝાદી ખરેખર ભારતીયોને મહામહેનતે મળેલી મહામૂલી ભેટ છે. લાખો લોકોના જીવ રેડાયા, આંદોલનો થયા, ક્રાંતિઓ થઈ, ક્રાંતિકારીઓએ બલિદાનો આપ્યા અને કંઈક કેટલું બન્યું ત્યારે અંગ્રેજો પલાયન કરી ગયા. અંગ્રેજોએ જતા જતા આઝાદ ભારતના નેતાઓની પેઢીને જાણે કે માપી લીધી હતી અથવા ધારી લીધી હતી. તેઓ જતા જતા કોમવાદનો પૂળો ચાંપતા ગયા. બીજી તરફ તેઓ ભારત અને પાકિસ્તાન બંનેને અલગ કરતા ગયા જેથી અનંતકાળ સુધી આ બંને દેશો એકબીજા સાથે લડયા કરે અને કોઈ સુખી ન થાય.
અંગ્રેજોએ ઘોળેલી આ મેલી મથરાવટી આજે પણ એટલી જ અક્સિર છે. આ દેશમાં કોઈપણ ઘટના કે દુર્ઘટના બને છે ત્યારે સત્તામાં રહેલો પક્ષ બચાવની અને વિરોધપક્ષ સ્વાભાવિક રીતે વિરોધની કામગીરી કરતો હોય છે. આજે પણ રાજકારણીઓ જાતીવાદ, કોમવાદ, ધર્મ, સંપ્રદાય, અમીરી, ગરીબી અને બીજા કેટકેટલા ભેદભાવ ઊભા કરીને લોકોની વચ્ચે ભાગલા પાડયા કરે છે અને આપણા જેવી હાઈલી એજ્યુકેટેડ મુર્ખ પ્રજા તે સ્વીકારીને એકબીજાની સામે લડયા કરીએ છીએ.
આ દેશ જ્યારે ગુલામ હતો, બ્રિટિશ રાજ ચાલતું હતું ત્યારે અહીંયા ભારતીયો વસવાટ કરતા હતા. ભારતને આઝાદ કરાવવા માટે હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, પારસી કે અન્ય કોમના લોકો લડયા જ નહોતા. આ દેશની સરહદોને સુરક્ષા પૂરી પાડવા માટે ચારેતરફ જે જવાનો ઊભા છે તેમની પણ કોઈ જાતી નથી, ધર્મ નથી, રંગ નથી, તેને દાઢી નથી, માથે ટોપી નથી, મુંછો નથી કે બીજા કોઈ છોગા નથી. દેશની સુરક્ષા કરતો જવાન માત્રને માત્ર ભારતીય છે જે ભારતની રક્ષા કરે છે. આ ભારત બહારથી તો એક દેખાય છે, બધા ભેગા થયેલા દેખાય છે પણ આ ભારતમાં કોઈ એકજૂથ નથી. તેનું કારણ છે કે આ દેશના મુઠ્ઠીભર લાલચુ રાજકારણીઓને સમજાઈ ગયું છે કે, આઝાદી બાદ જન્મેલી આ દેશની જણસો નમાલી અને પાંગળી છે. તેમનામાં હવે ક્રાંતિ કરવાનું કૌવત વઘ્યું જ નથી. તમે આ પ્રજા પાસે ધતિંગ કરાવો, ધર્મના નામે ધિંગાણા કરાવો, ઉત્સવો કરાવો અને છેલ્લે કંઈ ન મળે તો કુદરતી આપત્તી કે કૌભાંડ સજત દુર્ઘટનાઓના આધારે છોડી દો. તે આપોઆપ વ્યથિત થશે, પડશે. આખડશે, દુ:ખી થશે અને પછી બધું ભુલી જશે અને નવી બાબતમાં જોડાઈ જશે.
આપણે દાયકાઓથી આવું જ કરીએ છીએ અને આવું જ કરતા આવ્યા છીએ. આ ધરતી ઉપર પાંચ હજાર વર્ષ પહેલાં જન્મ લેનારા ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે મહાભારતના યુદ્ધની વાત કરી તો તેને ધર્મ યુદ્ધ ગણાવ્યું હતું. તેમાં ધર્મ હિન્દુ, મુસ્લિમ, શિખ કે બીજો કોઈ નહોતો. તેઓ જે ધર્મની વાત કરતા હતા તે માણસ તરીકેનો ધર્મ હતો. આપણે માણસાઈનો ધર્મ છોડીને બીજા ધર્મોમાં અટવાઈ ગયા છીએ. આપણે માણસને છોડીને તેની માન્યતાઓમાં જ માનવા લાગ્યા છીએ. જે યુગપુરુષે, જે ઈશ્વરે બે પરિવાર વચ્ચેના યુદ્ધને ધર્મ યુદ્ધ ગણાવ્યું હતું અને સત્યનો સાથ આપવાનું શિખવ્યું હતું તેના આપણે વંશજો છીએ, તેમણે કરેલી કલ્પનાના આપણે સંતાનો છીએ. માત્ર પોતાની જાત તરફ નજર કરીને વિચાર કરીએ કે ખરેખર આપણે આ ભારતભૂમીના જ સંતાનો છીએ.
આજે ઈન્ટરનેટ ઉપર જે બેફામ રીતે દંભ, દુચારાચર, દુર્ગંધ મારતા વિચારોનો ઉકરડો ફેલાયો છે તેને આપણે પાછા આપણા સ્માર્ટ ફોનથી તારવી તારવીને વોટ્સએપ દ્વારા વહેંચીએ છીએ. આ ઉકરડો આપણા મન-મસ્તિસ્ક ઉપર એટલો બધો હાવી થઈ ગયો છે કે, આપણે સ્વચ્છતાનું, સત્યનું, સારા-નરસાનું કોઈ ભાન જ નથી રહ્યું. સંવેદના ગુમાવતા જઈએ છીએ અને લાગણીઓના નામે અધિરિયા અને અસભ્ય થતા જઈએ છીએ. નાની-નાની વાતે આપણી લાગણીઓ દુભાઈ જાય છે. ગમે તેવી મેસેજ, વીડિયો, ઓડિયો ફરતા કરી દઈએ છીએ.
આ દેશમાં જે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે તે છેલ્લાં ૪૦ વર્ષથી થઈ રહ્યા છે. તેમાં કોઈ સુધારો થયો નથી. તેની સંખ્યા કદાચ ઘટી ગઈ છે પણ તે સદંતર બંધ થયા નથી અને કદાચ થશે પણ નહીં. સુરક્ષા અને વ્યવસ્થાની બાંગો પાકારનારા કોઈપણ નેતા આતંકવાદને અટકાવી શકે તેમ જ નથી. દુનિયાના દરેક દેશો પોતપોતાની રીતે આતંકવાદનો સામનો કરે છે અને જૂથવાદમાં આ મુદ્દો ઉછાળ્યા કરે છે અને ચલાવ્યા કરે છે. ખરેખર આતંકવાદ અને આતંકવાદીઓને પૂરા કરવા છે તો ઈઝરાયેલ જેવી હિંમત અને તાકાત કેળવો કે દુશ્મનને ઘરમાં જઈને મારી શકીએ. કાશ્મીરમાં છેલ્લાં ચાર દાયકાથી પ્રવાસીઓ ઉપર હુમલા થતા આવ્યા છે અને કદાચ થશે પણ ખરા. તેનું એકમાત્ર કારણ છે આપણે પોતે.
કોઈપણ ઘટના બને એટલે આપણે મીણબત્તીઓ લઈને રસ્તા ઉપર આંટાફેરા ચાલુ કરી દઈએ છીએ, સૂત્રોચ્ચાર કરીએ છીએ, ન્યાય માગીએ છીએ અને બે-ચાર મહિના આવા ઉધામા કર્યા પછી પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. પાંગળી, નમાલી અને હોપલેસ પ્રજા પાસે આનાથી વધારે અપેક્ષા પણ રાખી શકાય તેમ નથી. માત્ર તનથી અને કહેવાથી આઝાદ થયેલી આ પ્રજા પોતાની પોકળ માનસિકતાની આજે પણ ગુલામ જ છે જેનો લાભ અનેક સદીઓથી વિદેશી શાસકોએ ઉપાડયો હતો અને હાલમાં રાજકારણીઓ ઉપાડી રહ્યા છે.
દેશમાં નિર્ભયા કાંડ થયો. બળાત્કારની એવી જઘન્ય ઘટના જે વિચારતા પણ શરીરમાંથી કંપારી છૂટી જાય. સરકારે બળાત્કારીઓને પકડયા, તેમની સામે કેટલાક વર્ષો કેસ ચાલ્યો અને તેમને ફાંસી અપાઈ. નિર્ભયા સાથે બળાત્કાર થયો ત્યારે બે-ચાર મહિના લોકો આવી રીતે જ રાત્રે મિણબત્તીઓ લઈને ફરતા હતા, ફોટો અને વીડિયો ઉતારતા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બતાવતા કે અમે સમાજની સમસ્યાઓ માટે કેટલા સજાગ છીએ. સરકાર પાસે સવાલ માગવાની કોઈની પાસે હિંમત નથી. તમે જેને વોટ આપીને શાસન ચલાવવા આપો છે તેને સવાલ કરી શકતા નથી. અહીંયા કોઈ પક્ષ, વિપક્ષ, નેતા કે વિચારધારાની વાત જ નથી. દેશમાં જે પણ સત્તાધારી છે તેની સામે કોઈનો અવાજ નીકળતો જ નથી. નિર્ભયા કાંડ પછી લાખો છોકરીઓ અને યુવતીઓ સાથે બળાત્કાર થયા છેલ્લાં ૧૨ વર્ષના સરકારી આંકડા પણ જોઈ લઈશું તો અંતરઆત્મા સળગી ઉઠશે તેટલા બળાત્કારના કેસ નોંધાયેલા મળશે.
પહેલગામમાં ૩૦ લોકોની આતંકીઓ હત્યા કરી નાખી. લોકોના કહેવા પ્રમાણે ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. ચાલો માની લઈએ કે આતંકવાદનું આ સૌથી વરવું સ્વરૂપ છે. કોઈપણ રીતે સાંખી લેવાય નહીં. આતંકીઓને પૂરા કરવા જ પડે. આ આતંકવાદની લડાઈમાં આપણે અંદરોઅંદર શા માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી કરીએ છીએ. આતંકીઓને, આતંકીઓના આકાઓને, પાકિસ્તાનને પૂરું કરવા પગલા લેવા માટે સરકારને મજબૂર કરો તો ખરેખર લડત આપી કહેવાય. આની પહેલાં પુલવામા એટેક થયો હતો, શોપોર એટેક થયો હતો, ૨૦૦૨માં કાલુચકમાં પ્રવાસીઓની બસો ઉપર અને સેનાના જવાનોના ક્વાર્ટર ઉપર હુમલો કરાયો હતો જેમાં ૨૩ લોકો માર્યા ગયા હતા. ૨૦૦૦ની સાલમાં અનંતનાગમાં ૩૬ શીખોની હત્યા કરવામાં આવી હતી.
ભારત દર વખતે શું પ્રતિક્રિયા આપે છે... કંઈ જ નહીં. પાકિસ્તાનનું પાણી બે મહિના માટે બંધ કરીને તેને જડબાતોડ જવાબ આપીએ છીએ. પાકિસ્તાનના દૂતાવાસને થોડા સમય માટે બંધ કરી દઈએ, ભારતનું પાકિસ્તાનમાં આવેલું દૂતાવાસ બંધ કરીને આપણે અહીંયા પરત આવી જઈએ. યુએનમાં આ મુદ્દો ઉછાળીએ, પછી શું. છેલ્લાં એક દાયકામાં બે વખત સરહદ પાર કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન થયા પણ તેનાથી કેટલો લાભ થયો. ખરેખર પગલાં લેવા જ છે તો ઘુસી જાઓ પાકિસ્તાનમાં અને પૂરો કરી નાખો આખો દેશ. જેટલા આતંકવાદી કેન્દ્રો છે, જ્યાં આતંકીઓ સંતાયા છે તેવા તમામ ઠેકાણા તોડી નાખો. લાદેનને મારવા માટે અમેરિકા પોતે પાકિસ્તાનમાં ઘુસી શકે, ઓપરેશન પાર પાડી શકે. ઈઝરાયેલા ગાઝા પટ્ટી ઉપર આક્રમણ કરી શકે. રશિયા હુમલો કરે અને યુક્રેન જેવો નાનકડો દેશ ચાર વર્ષથી બાંયો ચડાવીને લડાઈ કરી શકે તો આપણે શા માટે આતંકનો સોફાયો ન કરી શકીએ.
પ્રજા બનવું જ હોય તો, અમેરિકન પ્રજા બને જેને પોતાના દેશ, કાયદો વ્યવસ્થા બધા જ માટે ગર્વ છે. તે પોતાના દેશને ગંદો નથી કરતા. યુક્રેનના નાગરિકો જેવા બને જે રશિયા જેવી મહાસત્તા સામે જંગે ચડયા છે અને પોતાના દેશને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. ઈઝરાયેલના લોકો જેવા બનો જે પોતાના દેશના રક્ષણ માટે ગમે તે સમયે બંધૂક ઉપાડવા સજ્જ હોય. અહીંયા આપણે જ કાયદો પાળતા નથી. હેલમેટ પહેરતા નથી, લાઈસન્સ હોતા નથી, પોલીસ રોકે તો ૧૦૦-૨૦૦ આપીને પતાવટ કરી લઈએ છીએ, જો પોલીસવાળો નબળો દેખાય તો પોતાના જ એકાદા પોલિટિકલ કોન્ટેક્ટની દમદાટી આપીને નીકળી જઈએ છીએ અને મનમાં પોરસાતા રહીએ છીએ. કચરો મોટાભાગે રસ્તા ઉપર ફેંકીએ છીએ, પિચકારીઓ મારવી, ગુટખા ખાઈને રસ્તા, મકાનો, જાહેર ઈમારતો બગાડવી તે તો બંધારણીય અધિકાર હોય તેમ વર્તન કરીએ છીએ. પંદર ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી અથવા તો ભારત વર્લ્ડ કપ જીતે ત્યારે આપણને ત્રિરંગો યાદ આવે છે અને પછી તેને રસ્તા ઉપર ફેંકી દેતા આપણને વિચાર નથી આવતો. આપણી દેશભક્તિ પણ સાવા પાંગળી અને કામચલાઉ છે. આપણે એવી પ્રજા બની ગયા છીએ જેની દેશદાઝ અને દેશભક્તિ પણ પ્રાસંગિક થઈ ગયા છે. મોટાભાગે તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાય તેવી જ દેશભક્તિ આપણામાં વધી છે.
આ રીતે આંધળો વિરોધ કરવાથી કે આંતરિક રીતે એકબીજા સાથે સંઘર્ષ કરવાથી આતંકવાદી હુમલા અટકી જવાના નથી. આતંકી હુમલા અટકાવવા હશે તો આતંકવાદના મૂળને ખતમ કરવા ઉપર કામ કરવું પડશે અને તે પણ પ્રજાના દબાણ હેઠળ આવીને સરકારે મજબૂત રીતે પગલાં લેવા મજબૂર બનવું પડશે તેવી સ્થિતિ ઊભી કરવી પડશે. આંતરીક રીતે ધર્મ અને જાતીના નામે એકબીજાનો વિરોધ કરવાથી, આરોપ-પ્રત્યારોપ કરવાથી કોઈનેય લાભ થવાનો નથી. આતંકવાદને હરાવવાનો જોશ અને જુસ્સો કાયમી આપણા મનમસ્તિસ્કમાં ઘર કરી જશે પછી જ આ દેશની સાચી સંવેદના બહાર આવશે.