Get The App

સ્વીકૃતિનો આનંદ નહીં, અસ્વીકૃતિનો શોક નહીં

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
સ્વીકૃતિનો આનંદ નહીં, અસ્વીકૃતિનો શોક નહીં 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- આપણે માત્ર પોતાના ઉપર ઘ્યાન કેન્દ્રીત કરીને, પોતાની જાતને આગળ વધારીને, પોતાની જાત સાથે સ્પર્ધા કરીને અને પોતાને પહેલાં કરતા વધારે સારી વ્યક્તિ બનાવીને આગળ વધતા રહેવાનું છે. આપણે જાતે જ આપણા બેસ્ટ વર્ઝન બનતા રહેવાનું છે. 

સામાન્ય રીતે એવું થતું હોય છે કે, આપણે જ્યારે સંઘર્ષના સમયગાળામાં હોઈએ ત્યારે અનેક રિજેક્શન આવતા હોય છે. કોઈ આપણો હાથ પકડવા તૈયાર હોતું નથી. આપણને એમ થાય છે કે, આપણામાં કોઈ આવડત જ નથી. કોઈને મારી કદર જ નથી. આપણે હિંમત ગુમાવવા લાગીએ છીએ. દરેક માણસના જીવનમાં આવી ક્ષણ આવતી જ હોય છે. માત્ર કારકિર્દી નહીં, જીવનના ઘણા પ્રસંગે આપણે અટવાઈ જઈએ છીએ. એમ લાગે છે કે, હવે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આગળ વધવું હવે મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે જ આપણને ડાયવર્ઝન મળે છે. આ ડાયવર્ઝન કદાચ નરી આંખે નહીં દેખાય. તેનો અનુભવ કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. અંધારામાં માચિસ શોધવા જેવું કામ છે. એક વખત માચિસ મળી ગઈ પછી અજવાળું આપોઆપ થઈ જશે. આ મચિસ મળવા જેટલી મહેનત તો કરવી જ પડશે. સફળતા મેળવવી હશે તો સંઘર્ષની ચરમસીમા સુધી પહોંચવું પડશે. અભ્યાસ, કારકિર્દી, સંબંધો, બિઝનેસ, પ્રેમ, લગ્ન, સંતાનો તમામ બાબતો એવી છે જેમાં આપણે ધારીએ એવું કશું જ થતું નથી. પરિસ્થિતિઓ હંમેશા વિરુદ્ધ જ ચાલતી હોય છે તેને અનુકુળ બનાવવી પડે છે. આપણી સમસ્યા એ છે કે, આપણે જે છીએ તે સ્વીકારતા નથી. સામેની વ્યક્તિ સામે આપણે અલગ રીતે પ્રોજેક્ટ થવું છે. રિજેક્શનના ભયથી આપણે સામેની વ્યક્તિના પ્રોજેક્શનને મહત્ત્વ આપવા લાગ્યા છીએ. આ કારણે આપણે અસહ્ય સ્ટ્રેસમાંથી પસાર થઈએ છીએ. 

જેમ જેમ આપણને સફળતા મળતી જાય છે તેમ તેમ આપણી બુદ્ધિ આપણને તે વધુ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. એક તબક્કો એવો આવે છે કે આપણે માત્ર બુદ્ધિના આધારે જ જીવન જીવવા લાગીએ છીએ. મનને સાંભળવાની તસદી લેવાનું છોડી દઈએ છીએ. વિશ્વાસ ગુમાવવા લાગીએ છીએ. આપણે અન્ય ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ છે જ નહીં. તેના કારણે આપણે જાત ઉપરથી પણ વિશ્વાસ ગુમાવી દઈએ છીએ. હંમેશા બીજાનું જ વિચારીને જીવતા રહીશું તો પછી આપણા અસ્તિત્વનો અર્થ છે જ શું. બીજાના પાયા ઉપર આપણીની જિંદગીની ઈમારત કેવી રીતે ચણી શકાય. ઘણા એવું કહેતા હોય છે કે, હવે તો તમે અમને બોલાવતાય નથી. યાદ પણ નથી કરતા.. બહુ મોટા થઈ ગયા છો... લેખક થઈ ગયા છો... બિઝનેસમેન થઈ ગયા છો... વગેરે વાતો લોકો કરતા જ હોય છે. આ એવા લોકો છે જે તમે જ્યારે કશું જ નહોતા ત્યારે તેઓ તમારી સામે નહોતા જોતા. તમારા માટે ત્યારે તેમની પાસે સમય નહોતા. તમારી લાઈન જ્યારે તેમની લાઈન કરતા મોટી થઈ ગઈ એટલે તેમને શૂળ ઉપડયું હોય છે. એ માણસો અપેક્ષા રાખે એ પ્રમાણે આપણે જીવતા રહેવાનું. એમની ઈચ્છાઓ બદલાય, એમની અપેક્ષા બદલાય એટલે આપણે પણ બદલાવાનું. શા માટે.

આપણે ખોટી લાગણીઓ અને માગણીઓના ચક્કરમાં અટવાઈએ છીએ. સફળતા માટે ચક્કર ચલાવવા નીકળીએ છીએ. જરૂરિયાતો, ઈચ્છા, મોહ, લાલચ, લોભ, ચતુરાઈ વગેરેના ચક્કર ચલાવવા માટે આપણે જાતભાતના ચક્કરમાં અટવાઈ જઈએ છએ. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે, આપણે ખરેખર મોટી ભુલ કરી. કોઈના જેવા થવા કે કોઈની મદદથી આગળ વધવાના ચક્કરમાં આપણે કેવા થઈ ગયા. વાસ્તવિકતા એટલી જ છે કે, આ ચક્કરોમાંથી નીકળવાની ઈચ્છા થાય, બેલેન્સ જાય ત્યારે કોઈનો હાથ પકડવાની ઈચ્છા થાય ત્યારે જે ટેકો મળે તે પોતાની જાત હોય છે, અથવા તો ઈશ્વર હોય છે.

દુનિયામાં એવા લાખો લોકો છે જેમને પ્રારંભિક ધોરણે રિજેક્શન મળ્યું છે, તેમની કોઈ સ્વીકૃતિ નહોતી અને આજે તેમની પાછળ દુનિયા પાગલ છે. એક સમયે જેમને લોકો પાગલ કહેતા હતા તેમના માટે આજે કરોડો લોકો પાગલ છે. અમિતાભ બચ્ચન જ્યારે એક રેડિયો સ્ટેશનમાં ઈન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારે તેમના અવાજના કારણે તેમને રિજેક્ટ કરવામાં આવે છે. આજે લોકો કરોડો રૂપિયા આપીને તેમના અવાજમાં પોતાની વિગત રેકોર્ડ કરાવવા તત્પર છે. અમિતાભ બચ્ચને પોતાના અવાજની કાયદેસર રીતે કોપીરાઈટ કરાવવો પડયો છે. આ એ જ અવાજ છે જેને દાયકાઓ પહેલાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો. 

બીજી વાત કરીએ તો એક છોકરી જે અમેરિકાની ટોચની મોડેલિંગ કંપનીમાં જાય છે અને થોડા સમયમાં કંપનીનો માલિક તેને કાઢી મુકે છે. તે કહે છે કે, તારાથી મોડેલિંગ થશે નહીં તું ક્યાંક બીજે નોકરી શોધી કાઢ. આ છોકરી બીજો કોઈ નહીં પણ મેરેલિન મનરો હતી. તેવી જ રીતે એલ્વિસ પ્રેસ્લીને પણ આપણે જાણીએ છીએ. તેમના ગીતોની દુનિયા આજે પણ દિવાની છે. એક સમય હતો જ્યારે લોકો તેને કહેતા કે સંગીત તારું કામ નથી. તારે તો ડ્રાઈવર તરીકે નોકરી શોધી કાઢવી જોઈએ. આ માણસે જાતે મહેનત કરીને ગીતો બનાવ્યા અને તેને પાગલ કહેનારી દુનિયાને પોતાની પાછળ પાલગ બનાવી દીધી. તને ગણિત ક્યારેય આવડશે જ નહીં, તારામાં બુદ્ધિ જ નથી તેવું કહેનારા ગણિત શિક્ષકને ખ્યાલ જ નહોતો કે તે છોકરો ભવિષ્યમાં એવો મહાન સાયન્ટિસ્ટ બનશે કે દુનિયા તેને યુગો સુધી યાદ રાખશે. તે બાળક હતો આલ્બર્ટ આઈનસ્ટાઈન. આપણે આસપાસ નજર કરીશું તો આવા હજારો અને લાખો ઉદાહરણો આપણી આસપાસ પડેલા છે. આપણે શોધવા પણ જવા પડે તેમ નથી. 

આ તમામ લોકો સફળ એટલા માટે થયા કે, તેમણે જીવનમાં કેટલીક બાબતોનું ખાસ અનુસરણ કર્યું હતું. તેમણે સૌથી પહેલાં તો પોતાની જાતને મક્કમ બનાવી હતી કે, . દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે પણ મારી જાતને હું બદલીશ નહીં. આપણે કોઈના માટે શા કારણે બદલાવવું જોઈએ. હું જે છું તે દુનિયા સ્વીકારતી નથી તો પછી જો બદલાઈશ તો પણ કેટલો સમય સ્વીકારી લેશે. આ બાબત દ્રઢપણે મનમાં ઠસાવી લેવી જોઈએ. તેઓ પહેલાં સ્વીકારતા નથી તેની પીડા રાખવાની નહીં અને પછી સ્વીકારી લે છે તેનો આનંદ પણ કરવાનો નથી. આપણે સ્થિતપ્રજ્ઞા રહીને પોતાના ઉપર ફોકસ કરીને આગળ વધવા અંગે વિચાર કરવાનો હોય છે. કોઈની સ્વીકૃતિ કે અસ્વિકૃતિથી આપણને કોઈ ફરક પડવો જ ન જોઈએ. સમય આવ્યે લોકો આપણને પસંદ કરશે અને સમય આવ્યે લોકો આપણો વિરોધ પણ કરશે અને તિરસ્કાર પણ કરશે. આ બાબત બહુ મનમાં રાખવાની જરૂર જ હોતી નથી. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને પોતાની જાતનો આધાર લઈને વ્યક્તિ જ્યારે મહેનત થકી વ્યક્તિ આગળ વધે છે તો તેને કોઈ ભલામણોની જરૂર રહેતી નથી. તેણે બસ માત્ર પોતાની જાત સાથે કોઈ કોમ્પ્રોમાઈસ કરવાનું નથી. તેણે કોઈના માટે પોતાની જાતને બદલવાની નથી. જે છે તેને સ્વીકારીને આગળ વધતા રહેવાનું છે. એક વખત સ્વનો સ્વીકાર થશે ત્યારે બધું આપોઆપ ગોઠવાઈ જશે. એ સમયે આપણને લાગશે કે સંઘર્ષથી એક ડગલું જ આગળ વઘ્યા તે ખરેખર યોગ્ય કર્યું.

આપણા જીવનમાં આવનારી અને મળનારી દરેક વ્યક્તિ પ્રમાણે આપણે આપણી લાઈફને સેટ કરી શકીએ જ નહીં. એ અશક્ય છે. દરેક વ્યક્તિએ આપણે જીવન બદલવું પડે. લોકો પ્રમાણે જીવતા રહીશું તો જાતમાં વિશ્વાસ ક્યારે આવશે. આપણે તો આપણા માટે અને આપણા થકી જ મહેનત કરતા રહેવાની હોય છે. ભલામણો દ્વારા ભાગ્યે જ કોઈ કામ કામ થાય છે. ભલામણ થઈ હોય કે કરાવી હોય તો સામાન્ય અવસર મળે પણ જો આપણામાં ટેલેન્ટ હોય તો ગમે તેવી સ્થિતિમાં પણ આપણે ઉપર આવી જ જઈએ છીએ. આપણી સામે વિવિધ ક્ષેત્રોમાં એવા ઘણા કિસ્સા છે જેમાં ભલામણ થકી કામ તો મળી ગયું હોય પણ સમય આવ્યે આવી વ્યક્તિઓ એક્સપોઝ થઈ ગઈ હોય. તેથી આપણે ક્યારેય કોઈ ભલામણ લેવી નહીં અને કોઈની કરવી પણ નહીં. 

વાસ્તવિકતા એટલી જ છે કે, વ્યક્તિએ પોતાના ઘડતર ઉપર જાતે જ કામ કરવું જોઈએ. પોતાની આવડત અને પોતાની ક્ષમતાઓ વિકસાવવી અને વિસ્તારવી જોઈએ. લોકો આજે નહીં તો કાલે માણસે કરેલી મહેનત વિશે ચર્ચા કરતા જ હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે, તમારી નિષ્ફળતાઓ પણ લોકો માટે પ્રેરણા બની જતી હોય છે કે, આ વ્યક્તિ જેવું ક્યારેય નહીં કરવાનું. આપણને ખબર નથી કે દુનિયા કયા ચશ્મા પહેરીને ફરે છે અને આપણને જૂએ છે. આપણે માત્ર પોતાના ઉપર ઘ્યાન કેન્દ્રીત કરીને, પોતાની જાતને આગળ વધારીને, પોતાની જાત સાથે સ્પર્ધા કરીને અને પોતાને જ પહેલાં કરતા વધારે સારી વ્યક્તિ બનાવીને આગળ વધતા રહેવાનું છે. લોકોની સાથે સ્પર્ધા કરવા જેવી તુચ્છ લાગણી રાખવી જ ન જોઈએ અને પોતાની જાતને તેવી નીચી પણ ન પાડવી જોઈએ. આપણે જાતે જ આપણા બેસ્ટ વર્ઝન બનતા રહેવાનું છે.