Get The App

કેમેરાની સામે પરોપકાર : લાગણીના નામે લાઈક્સ વધારવાના ધતિંગ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
કેમેરાની સામે પરોપકાર : લાગણીના નામે લાઈક્સ વધારવાના ધતિંગ 1 - image

- રિલેશનના રિ-લેસન - રવિ ઈલા ભટ્ટ

- સંવેદના વગરની સેવા કરીને અને માત્ર કરૂણાના નામે કન્ટેન્ટ બનાવનારી આ વર્ચ્યુઅલ વેજા ખરેખર તો લોકોની લાચારીનો લાભ લેતી હોય છે. આવા વીડિયો થકી સોશિયલ મીડિયામાં લાખો, કરોડો ફોલોઅર્સ અને વ્યૂઅર્સ ભેગા કરીને યૂટયૂબ, ઈન્સ્ટા અને ફેસબુક ઉપરથી લાખોની કમાણી કરવામાં આવી હોય છે. ખરેખર સેવા કરવી જ છે તો પછી તેના ઢોલ પીટવાની જરૂર નથી.

આ ધરતી ઉપર માણસ નામની પ્રજાતીના ઈતિહાસમાં નજર કરીએ તો તેમાં નક્કર સંઘર્ષો રહેલા છે. લોહિયાળ ક્રાંતિઓ રહેલી છે, શોધ અને સંશોધનના અઢળક પ્રમાણ અને પરચા રહેલા છે તો સાથે સાથે માનવતાની મહેક રહેલી છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે, પોતાની પાસે કંઈક હોય અને બીજા પાસે કંઈક નથી તો તેને થોડું ઘણું આપવું જોઈએ. એક સમયે આ પૃથ્વી ઉપર વિનિમયની પ્રથા શરૂ થઈ હતી. કોઈની પાસે ઘઉં હોય અને તે સામે થોડા ઘઉં આપીને બાજરી કે ચોખા અથવા શાકભાજી લઈ લે. બીજો કોઈ શાકભાજી આપીને મકાઈ લઈ લે. આવી રીતે વિવિધ વસ્તુઓનો વિનિમય ચાલતો હતો. તેમાંથી આધુનિક વેપાર શરૂ થયો. 

આવી જ રીતે પૌરાણિક કાળથી લોકોને મદદ કરવાની વૃત્તિ પણ માનવ સ્વભાવ સાથે વણાયેલી હતી. યુગોથી આપણે જોઈએ છે કે, જેની પાસે કંઈક છે તે જેની પાસે નથી તેને આપવા પ્રયાસ કરે છે. હજારો રાજાઓ, શાસકો અને સામર્થ્યવાન લોકોને આપણે દાન કરતા, સામાજિક મદદ કરતા અને માનવતાને સુગંધિત કરતા જોયા, સાંભળ્યા અને વાંચ્યા છે. દાન કરવું, પરોપકાર કરવો કે કોઈને મદદ કરવી તે એક સમયે સમાજને ગરિમા આપનાર અને શોભાવતો એક ઉપક્રમ હતો. હવે દાન કરવું, મદદ કરવી કે પરોપકાર કરવો તે કાર્યક્રમનો એક ભાગ થઈ ગયો છે.

તેમાંય આજના આધુનિક અને ડિજિટલ યુગમાં તો પરોપકાર માત્ર કેમેરાની સામે કરવામાં આવતું એક પદ્ધતિસરનું આયોજન છે. દાન માટે કે પરોપકાર માટે એવું કહેવાતું હતું કે, તમે જમણા હાથે કોઈને કંઈક આપો છો તો તમારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. આજે એવું છે કે, તમે કોઈને પારલેજીનું પેકેટ આપો તો પણ સેલ્ફિ લઈ લેવી કે વીડિયો બનાવી લેવો જેથી સોશિયલ મીડિયામાં મુકી શકાય. કેમેરા સામે છલકાતી, ઊભરાતી અને કદાચ એમ કહીએ કે સમાજમાં ઢોળાઈ જતી જે માનવતા અને પરોપકાર છે તેના અનેક વિચિત્ર અનુભવ આપણને બધાને થયા જ હશે.

તાજેતરની જ વાત કરું તો પ્રજાનો અવાજ બનીને કામ કરતા સેક્ટરમાં કેટલાક લોકો સાથે મારે વાત થઈ. મેં તેમને કહ્યું કે, સરકારી શાળાનો કાર્યક્રમ છે તો તમે ગેસ્ટ તરીકે આવશો. ગરીબ અને સામાન્ય બાળકોને તમારા જેવા પ્રોફેશનલ્સ પાસેથી કંઈક શિખવા મળશે અને એ બહાને તમારે પરોપકાર પણ થઈ જશે. આ માત્ર ચેરિટી ઈવેન્ટ છે. તેમાં કોઈ પેમેન્ટ મળશે નહીં. પેમેન્ટ નથી મળવાનું એ વાત સાંભળીને બે લોકોએ તો મને ખબર હતી એવો જ જવાબ આપ્યો. એક વ્યક્તિએ કહ્યું કે, સોરી યાર આજે સવારે જ એક ઈવેન્ટ ફાઈનલ કરી દીધી અને તારીખો ફરે એવી નથી. બીજી વ્યક્તિએ કહ્યું, મારે તો બહારગામ જવાનું છે. વિદેશ જવાનું છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, હું તમને સાંજે જણાવું છું અને પછી મારા વિશ્વાસ પ્રમાણે તેમનો હજી સુધી ફોન આવ્યો નથી અને કદાચ આગામી છ-સાત યુગ સુધી તેમનો ફોન આવશે પણ નહીં. તેનાથી પણ ચડિયાતા એક પરોપકારીએ એવું કહ્યું કે, તેમના સોશિયલ મીડિયા હેન્ડલની વિગતો આપો, તેમના કેટલા ફોલોઅર્સ છે, તેમની યૂટયૂબ ચેનલ કઈ છે.

આપણને સ્વાભાવિક સવાલ એ થાય કે, ભાઈ હું તને કહું છું કે, સામાન્ય સરકારી શાળાનો કાર્યક્રમ છે. તેમાં મોટાભાગના બાળકો મધ્યાનભોજન ઉપર આધાર રાખતા હોય છે. તેમની આથક સ્થિતિ નબળી છે. તેમની પાસે સ્ટેશનરી લેવાના પૈસા હોતા નથી અને તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખે, ઈન્સ્ટાગ્રામ રાખે અને તેમાં તેમને કે મને ફોલો કરે અથવા તો તેમના લાખો ફોલોઅર્સ હોય. આ ભાઈ તેમની જગ્યાએ સાચા જ હતા પણ હવે મને સવાલ તેમના જૂના વીડિયો અને વાતો ઉપર થાય છે જેમાં તેઓ સમાજ માટે કંઈક કરી છુટવાની, લોકોને મદદ કરવાની અને ગરીબોને આગળ લાવવાની કે તક પૂરી પાડવાની વાતો કરતા હતા તે સાચા હતા કે, અત્યારે તે ખરેખર વાસ્તવિકત સ્વરૂપે મારી સામે પ્રગટ થયા તે સાચું છે. 

આ સિવાય હજારો લોકોના દાખલા છે જેઓ સમાજસેવાના કાર્યક્રમોમાં ભામાશા થઈને સ્ટેજ શોભાવતા હોય છે, હાર-તોરા કરતા હોય છે, માનપત્રો મેળવતા હોય છે. ગરીબોને ખિચડી વહેંચીને હજારો ફોટા અને વીડિયો બનાવી લેતા હોય છે. ગાયોને ઘાસ કે કૂતરાને રોટલી અને દૂધ નાખીને તેના વીડિયો બનાવીને માનવતા અને પરોપકારના ગાણા ગાતા હોય છે. હવે લોકો મદદ કરવાના નામે માત્ર તસવીરો અને વીડિયો ભેગા કરતા થઈ ગયા છે. સાચી માનવતાની લાગણીની જગ્યા માત્ર લાઈક, શેર અને કોમેન્ટની લાલસાએ લઈ લીધી છે. ગરીબોને જમાડવા, ઘર બનાવી આપવા, ઘરનું રિપેરિંગ કરી આપવું, વસ્તુઓ લાવી આપવી, ઘર વખરી લાવી આપવી, બિમાર લોકોની સેવા કરવી, દવાઓ લાવી આપવી કે વૃદ્ધોની મદદ કરવી... આ તમામ કાર્યો કરવા માટે હવે કેમેરાની હાજરી ફરજિયાત થઈ ગઈ છે. સંવેદનાનું સ્થાન સોશિયલ મીડિયાએ લઈ લીધું છે. 

એક તબક્કે માની લઈએ કે લોકોને આવી તસવીરો અને વીડિયો જોઈને બીજાને મદદ કરવાની કે પરોપકાર કરવાની પ્રેરણા મળે. તેમ છતાં આ વીડિયો અને તસવીરો જોઈએ તો ખ્યાલ આવશે કે તેમાં લાભાર્થીની અભાવની લાચારી અને મદદગારની પ્રસિદ્ધિના સ્વભાવની લાલસા બંને કેમેરા સામે છતા થાય છે. આ તસવીરો અને વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં ફરતા થાય છે ત્યારે લાઈક, શેર અને સબ્સ્ક્રાઈબ તથા ફોલો કરવાના ધતિંગો શરૂ થાય છે. નવાઈની વાત એ છે કે, કેટલીક સાવ નવરી બજારો, બેરોજગાર પ્રજા આવા કામ કરવાના નામે ઈન્ફ્લ્યુઅન્સર થઈને ફરે છે. 

સંવેદના વગરની સેવા કરીને અને માત્ર કરૂણાના નામે કન્ટેન્ટ બનાવનારી આ વર્ચ્યુઅલ વેજા ખરેખર તો લોકોની લાચારીનો લાભ લેતી હોય છે. આ તમામ બાબતનો પ્રચાર અને પ્રસાર માટે ઉપયોગ કરીને તેનો લાભ લેવાતો હોય છે. આવા વીડિયો થકી લાખો અને કરોડો ફોલોઅર્સ અને વ્યૂઅર્સ ભેગા કરીને યૂટયૂબ, ઈન્સ્ટા અને ફેસબુક ઉપરથી લાખોની કમાણી કરવામાં આવી હોય છે. સરકાર અને ઘણા એનજીઓ સેવાકીય પ્રવૃત્તિઓની તસવીરો અને વીડિયો જારી કરતા હોય છે. તેમનો આશાય લોકો સુધી આ લાગણી પહોંચાડવાનો, જરૂરિયાતમંદોને વધારેમાં વધારે મદદ કરવાનો અને લોકોને જાગ્રત કરવાનો હોય છે. તેમાં જરૂરિયાતમંદ વ્યક્તિની પ્રાઈવસીને કે તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાની વૃત્તિ હોતી નથી. 

આપણે દરરોજ અખબારો, ચેનલો અને સોશિયલ મીડિયા જોઈએ તો તેમાં આવા વર્ચ્યુઅલ દાનવીરોથી ઊભરાતા હોય છે. ચકલીને ચણ નાખીને પણ પચ્ચીસ ફોટા પડાવશે અને અખબારો અને ચેનલોમાં મોકલાવીને તેને પ્રિન્ટ કરવા કે બતાવવા માટે ભલામણો કર્યા કરશે. એક વખત આ અખબારમાં કે ચેનલમાં આવી જાય એટલે ફરી તેના ફોટા ખેંચીને અને વીડિયોની લિંકને સોશિયલ મીડિયામાં ફરતા કરવા લાગશે. સરકારી શાળામાં પારલેજી વહેંચીને કે પછી અનાથ આશ્રમમાં જૂના કપડાં વહેંચીને કે પછી ગરીબોને શિયાળામાં ધાબળા અને ચોમાસામાં તાડપત્રી આપીને તસવીરો ખેંચાવીને મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ ઝંખવા માટે કન્કેન્ટ ફરતું કરી દેશે. વર્ચ્યુઅલ વેજાને સમાજ સેવાનો સાચો મર્મ જ ખબર નથી. 

હવે ઉનાળાની શરૂઆત થઈ છે. હવે પશુ-પક્ષીઓને પ્રેમ કરવાના નામે કુંડા અને પાણીના કામચલાઉ સ્થાનકો બનાવનારા અને વહેંચનારા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે. આ સિવાય ગરીબોને અને રાહદારીઓને છાશ વિતરણ કરનારાઓના અનેકના તંબુ લાગી જશે. મદદ કરવામાં જરાય ખોટું નથી. ભારતીય સંસ્કૃતિમાં સેવા અને પરમાર્થને સૌથી મોટો ગુણ ગણાવાયો છે. ભારતીય સંસ્કૃતિ કાયમ પરમાર્થને શ્રેષ્ઠ ગણાવે પણ હાલમાં થતા પરમાર્થ માત્ર પ્રસિદ્ધિ માટેના પુરુષાર્થ હોય તેવું લાગે છે. 

સંત કબિર, ગાંધીજી, બજરંગદાસ બાપા, જલારામ બાપા અને અનેક ભારતીય સંતો-મહંતો દ્વારા આજીવન ગરીબો અને વંચિતોની સેવા કરવામાં આવી. સોરઠની ધરતીમાં આજે પણ સદીઓ જૂના સંતોની મઢીઓ માનવતાની સુવાસથી મઘમઘે છે. અહીંયા ક્યાંથી દાન આવે છે, કોણ સાચવે છે, કોણ વાપરે છે અને કોનું પેટ ભરાય છે તે માત્ર ઈશ્વર જાણે છે. છતાં આ બધું જ દરરોજ થાય છે, અટક્યા વગર થાય છે અને સૌથી મોટી વાત કે તસવીરો અને વીડિયો વગર થાય છે. 

સેવાનો અર્થ જ એ છે કે, આ એક સદકર્મ છે જેના ફળની કોઈ આશા નથી. તેમાં ક્યાંય અહંકાર કે પછી સમૃદ્ધિ અથવા તો સક્ષમ હોવાની બાબતની રજૂઆત નથી હોતી. તેનું પ્રદર્શન કરવું જરૂરી નથી. મદદ કરીને આપણે જરૂરિયાતમંદ અને વંચિતની લાચારીનું પ્રદર્શન કરીએ અને પોતાને મહાન ગણાવીએ તે કેવી રીતે ગ્રાહ્ય ગણી શકાય. આપણી મદદથી કોઈના ચહેરા ઉપર આનંદ આવે, તેના હોઠ ઉપર સ્મિત આવે કે પછી તેના મનમાં હાશકારો થાય તે જ આપણી સાચી પ્રાપ્તી છે. કરૂણા, માનવતા, સંવેદના બાજુએ મુકીને પરમાર્થને માત્ર ડિજિટલ પ્રતિષ્ઠા વધારવાનું સાધન બનાવી દઈએ તો કેવી રીતે ચાલશે. વાસ્તવિક મદદ દ્વારા જે પ્રેમ, સ્નેહ અને સંતોષ મળે છે તે જ સાચી પ્રાપ્તી છે. ખરેખર સેવા કરવી જ છે તો પછી તેના ઢોલ પીટવાની જરૂર નથી. આવી સેવાથી મદદ કરનાર અને મદદ લેનાર બંને સંતુષ્ટ અને ખુશ રહેશે.