Get The App

જે હાજર જ નથી તેમને ગમતું કરવાનું, પણ હાજર હતા ત્યારનું શું...

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
જે હાજર જ નથી તેમને ગમતું કરવાનું, પણ હાજર હતા ત્યારનું શું... 1 - image

- રિલેશન ના રી લેસન - રવિ ઈલા ભટ્ટ

- અહીંયા કોઈ વ્યવસ્થા, પ્રથા કે શ્રદ્ધા સામે સવાલ નથી પણ સવાલ છે આપણી માનસિકતા અને વિચારો સામે. જ્યારે વ્યક્તિને તમારી ઝંખના હતી, તમારી જરૂર હતી ત્યારે તમે નહોતા અને હવે જ્યારે એ વ્યક્તિ હયાત નથી ત્યારે તેના નામે કે તેની પાછળ તમે ગમે તેટલું કર્મ કરો તેનો કોઈ અર્થ રહેતો નથી.

શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે. ગણેશઉત્સવ પૂરો થાય અને નવરાત્રી શરૂ થાય તેની વચ્ચે આ એક અનોખો ઉત્સવ આવે છે. આ એવો ઉત્સવ છે જેમાં જેના નામે ઉત્સવ ઉજવવામાં આવે છે તેની હાજરી હોતી નથી. તે વ્યક્તિની ગેરહાજરમાં આપણે બધા ભેગા થઈને એવી વાનગીઓની જયાફત ઉડાવીએ છીએ જે હયાત નથી તે વ્યક્તિને ભાવતી હતી. આમ જોવા જઈએ તો પોતાના સ્વજનોને આ રીતે યાદ કરવાની એક સામાજિક પરંપરા અને સંસ્કૃતિ છે. આપણે તેને શ્રાદ્ધ પર્વ કહીએ છીએ. આપણા મૃતક સ્વજનો અને પિતૃઓને યાદ કરીને દાન, ધર્મ, ભોજન અને અન્ય કર્મો આપણે કરતા હોઈએ છીએ. ગરીબોને દાન આપવું, વંચિતોને ભોજન કરાવવું, કાગવાસ નાખવી, ગાયોને ઘાસ નાખવું અને બીજા ઘણા કામ આપણે કરીએ છીએ. આ બધું કરવા દરમિયાન મનમાં પોરસાઈએ છીએ કે હું મારા પિતૃઓ પાછળ કેટલું બધું કરું છું. તેમને કેટલું બધું પુણ્ય મળશે. મારા પિતૃઓ રાજી રહેશે. 

રાફડો ફાટયો હોય તેમ નિકળી પડેલા ભવિષ્યવેતાઓ પાછા લોકોની કુંડળીઓ જોઈને પિતૃદોષ નિવારણ કરાવશે. જાતભાતની વિધી કરાવશે, દાન કરાવશે, જમણવાર કરાવશે, દાન-દક્ષિણા કરાવશે. જે માણસો એવું માને છે કે, ખરેખર પિતૃઓ નડે છે તેઓ આ બધું શ્રદ્ધા સાથે કરતા પણ હોય છે. આ શ્રદ્ધા, આ ભક્તિ, આ માન્યતા બધું જ પોતાની જગ્યાએ છે પણ માત્ર આ બધું પ્રેક્ટિકલી થોડું અલગ રીતે વિચારીએ તો. 

જિગ્નેશ નામનો એક ભાઈ અમદાવાદમાં રહેતો હતો. તે પોતાના માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે રહે. શરૂઆતમાં તો પિતાની આવક આવતી હતી અને જિગ્નેશ પણ કમાતો હતો એટલે ઘર ચાલતું હતું. ધીમે ધીમે પિતાની આવક બંધ થઈ ગઈ. તેઓ નિવૃત્ત થયા અને તરત જ બિમાર પડયા. લગભગ બે વર્ષ પથારીવશ રહ્યા. સાજા થયા બાદ પણ તેમનામાં કામ કરવાની શક્તિ વધી નહોતી. આ બાજુ જિગ્નેશનો પરિવાર વધ્યો. તેના ઉપર આથક ભારણ અને દબાણ શરૂ થયું. બીજી તરફ માતા-પિતા ઘરડા થયા એટલે સામાજિક જવાબદારીઓ વધવા લાગી. ઘરમાં તેના કારણે તણાવ વધવા લાગ્યો. જિગ્નેશની પત્ની ધાત્રી પણ વિચિત્ર વ્યવહાર કરવા લાગી. ગમે ત્યારે પોતાના સાસુ-સસરાને છણકા કરે. વસ્તુ ઢોળાય નહીં કે પડી ન જાય અથવા તો બગડે નહીં તેની શિખામણો આપ્યા કરે. આ દરમિયાન જિગ્નેશના પપ્પાના ચશ્મા તૂટી ગયા. તેણે જિગ્નેશને કહ્યું કે, મારા ચશ્મા તૂટી ગયા છે તારી અનુકુળતાએ મને બીજા બનાવી આપજે તો મને વાંચવામાં અને હરવાફરવામાં તકલીફ ન પડે. જિગ્નેશ તેમને ખર્ચા ગણાવવા લાગ્યો અને ચશ્મા બનાવવાનું ટાળી દીધું. તે દિવસે સાંજે જિગ્નેશના દીકરાએ પ્રવાસ જવાના પૈસા માગ્યા તો તરત જ તેણે ખિસ્સામાંથી કાઢી આપી દીધા. તેના પિતા આ જોતા હતા. તેની માતાએ પણ જોયું છતાં બંને કંઈ જ ન બોલ્યા. 

એક દિવસ સાંજે જિગ્નેશના માતા-પિતા ઘરની બહાર ચક્કર મારવા નીકળ્યા હતા ત્યાં અંધારામાં પિતાને સરખું દેખાયું નહીં અને તેઓ ઠોકર ખાઈને પડયા અને પગ ભાંગી ગયો. તેમને બચાવવા જવામાં મમ્મીનો પણ હાથ ઉતરી ગયો. ઘરમાં કાગારોળ મચી ગઈ. વડીલોને સાચવવાના બદલે તેમને દબડાવવાની પરંપરા ચાલું થઈ ગઈ. કરમની કઠણાઈ એવી હતી કે, થોડાક જ દિવસમાં જિગ્નેશના પિતાનું એટેક આવતા મોત થઈ ગયું. તેના મમ્મી સાવ લાચાર થઈ ગયા. આ ઘટના બાદ ત્રણ વર્ષે શ્રાદ્ધના દિવસો આવ્યા અને જિગ્નેશે લોકલાજે પોતાના પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. નાતના લોકોને બોલાવીને જમાડયા અને ઘરનાને વહેવાર પણ કર્યો. બધું જ પત્યું ત્યાં ઘરના વડીલો જિગ્નેશના મમ્મીને મળવા આવ્યા. તેમણે પ્રસંગના અને જિગ્નેશના વખાણ કર્યા. જિગ્નેશના મમ્મી ત્યારે એટલું જ બોલ્યા કે, આ બધું તેમના જતા રહ્યા પછી લોકોને ખુશ કરવા કર્યું  છે  આ ઉધામાની જગ્યાએ દસ ટકા ધ્યાન અને ખર્ચો પણ તેના બાપ પાછળ કર્યો હોત તો માણસ સુખેથી મર્યો હોત. 

હકિકતે વાત એવી છે કે, આપણે ત્યાં વિવિધ તહેવારો અને ઉત્સવો એવી રીતે જોડાયેલા અને ગુંથાયેલા છે કે, તેનું ધામક મહત્ત્વ તો છે જ પણ સાથે સાથે પ્રેક્ટિકલી પણ તે એટલા જ ઉપયોગી છે. આપણા હિન્દુ કેલેન્ડરમાં એવો જ એક પર્વ આવે છે જેને આપણે શ્રાદ્ધ પર્વ કહીએ છીએ. ગણેશોત્સવ પૂરો અને નવરાત્રી આવે તે બંનેની વચ્ચે પિતૃઓ માટેનો એક ઉત્સવ આવે છે. આ ઉત્સવને શાો અને સમાજ શ્રાદ્ધપર્વ કહે છે. હિંદુઓ ખૂબ જ શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરતા હોય છે. પોતાના મૃત માતા-પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી કે સંતાનો કે કોઈના પણ માટે આ 

શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ઘર-પરિવારના સભ્યો ભેગા થાય, મૃતકને ગમતું ભોજન બનાવે, દુકાનોમાંથી ફરસાણ અને મીઠાઈઓ લાવવામાં આવે અથવા તો ઘરે ખીર બનાવવામાં આવે અને બધાની સાથે બેસીને મૃતકને યાદ કરતા કરતા ભોજન કરવાનું. તે પહેલાં થોડી કાગવાસ નાખી આવવાની. 

આમ જોવા જઈએ તો એક વાત એવી છે કે, આ દરમિયાન પોતાના પિતૃઓને અને સ્મૃતિશેષ વડિલોને યાદ કરવા માટે આ પર્વનું આયોજન કરવામાં આવે છે. વડીલાનો માનમાં ભંડારા કરવા, પૂજા પાઠ કરાવવા, ગરીબો ને વંચિતોને ભોજન કરાવવું અથવા તો દાન-ધર્મ કરવા જેવી વિવિધ આયોજનો આ પર્વ સમયે કરવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન લગભગ આવો જ નિત્યક્રમ હોય છે. ઘણા લોકો પિતૃ તર્પણ માટે ગંગા, યમુના અને નર્મદા અને સંગમ સ્થળોએ જતા હોય છે. પોતાના પિતૃઓને શાંતિ મળે તે માટે તર્પણ ક્રિયા કરાવતા હોય છે કે નારાયણબલી કરાવતા હોય છે. આ બધું જ શ્રદ્ધેય છે પણ સવાલ એટલો જ છે કે આ બધું પિતૃઓના કે સ્વજનના મૃત્યુ બાદ કરીએ છીએ તે બરાબર છે પણ તે વ્યક્તિ જીવતી હતી ત્યારે તેનું કેટલું ધ્યાન રાખ્યું. તેને ભોજન મળ્યું કે નહીં, તેની તૃષ્ણાઓ શાંત થઈ કે નહીં, તેના મનને શાંતિ મળી કે નહીં તે વિચાર કર્યો છે. જીવતે જીવ જે વ્યક્તિ આપણી પાસે હતી, જેની આપણે ખરેખર કાળજી લેવાની હતી, જેની જરૂરિયાતોને અથવા તો માગણીઓને કે ભલેને તે ભૌતિક હોય કે લાગણીઓ સાથે જોડાયેલી હોય પણ તેને પૂરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યક્તિ જીવતી હોય ત્યારે તેને કશું અર્પણ કરી શકતા નથી અને તેની ગેરહાજરીમાં તેના માટે તર્પણ કરવા બેસીએ એ કેટલા અંશે યોગ્ય ગણી શકાય. આપણે સમાજ જ એવો છે જેમાં મોટાભાગના સુબોધ જેવા છે. પોતાના સ્વજનો સાથે હોય ત્યારે તેની કિંમત કરતા નથી, સેવા કરતા નથી, તેને ગમતું કે ભાવતું કશું જ જોતા નથી અને માત્ર કાળજીના નામે કે વ્યસ્તતાના નામે તે વ્યક્તિને દુઃખ પહોંચાડતા હોઈએ છીએ. 

આપણી પાસે સ્વજન કે વ્યક્તિ હયાત હોય તેને આપણે એક ગ્લાસ પાણી પણ ન પીવડાવીએ અને તેના મૃત્યુ બાદ સજ્યા ભરીને દાન કરીએ તેનો કોઈ અર્થ નથી. માતા કે પિતાની સેવા ચાકરી ન કરી હોય પણ પોતાને પિતૃદોષ ન નડે તે માટે બાદમાં તર્પણ ક્રિયા કરાવવાની ઘણા લોકોનો માનસિકતા છે. મારા મતે તો પિતૃદોષ હોતા જ નથી. હંમેશા પુત્રદોષ હોય છે. અહીં વાત દીકરાની નથી, તમામ સંતાનોની છે. પિતા કે માતા જીવતા હોય ત્યારે કાળજી ન રાખો અને તેઓ મૃત્યુ પામે કે પિતૃ બને ત્યારે તેમને તૃપ્ત કરવા મથીએ તે કેટલા અંશે ગ્રાહ્ય છે. મરણપથારીએ પડેલો બાપ પોતાના સંતાનોની રાહ જોતો જોતો મૃત્યુ પામે કે એક માતા જેણે તમામ પીડા સાથે પોતાના સંતાનોને ઉછેર્યા હોય તે વૃદ્ધાશ્રમમાં કે પછી સાવા ઓસીયાળી થઈને મૃત્યુ પામી હોય તો તેને આપણું કરેલું તર્પણ પહોંચશે. 

હકિકતે જોવા જઈએ તો શ્રાદ્ધ કર્મ એ સમાજે ઊભી કરેલી વ્યવસ્થા કરતા બચાવ પ્રયુક્તિ વધારે છે. માતા-પિતા જીવતા હોય ત્યારે તેની સાથે ગમે તેવો વ્યવહાર કરો, તેને એકલા રઝળતા છોડી દો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો અથવા તો પોતાની સાથે ઓશિયાળા બનાવીને રાખો. આ બધાની વચ્ચે જ્યારે તેઓ મૃત્યુ પામે ત્યારે શક્ય એટલી ભવ્ય રીતે તેમની ઉત્તરક્રિયા કરો અને વર્ષે એક વખત શ્રાદ્ધપક્ષ દરમિયાન તેમની મૃત્યુતીથિએ તર્પણ કરીને કે કાગવાસ નાખીને માફી માગી લો. મા-બાપ તો બિચારા ત્યારે પણ કમાવતર નથી થતાં. તેઓ જ્યાં પણ હશે ત્યાંથી પોતાના સંતાનોને તો માફી જ આપવાના છે. 

અહીંયા કોઈ વ્યવસ્થા, પ્રથા કે શ્રદ્ધા સામે સવાલ નથી પણ સવાલ છે આપણી માનસિકતા અને વિચારો સામે. તમે કોઈ વ્યક્તિને જીવતેજીવ કંઈ જ અર્પણ ન કર્યું હોય અને તેના મૃત્યુબાદ તેનું તર્પણ કરો તો ખરેખર તેને તૃપ્તિ મળશે? સાથે રહેનારી કે જીવનારી વ્યક્તિનું આજીવન ધ્યાન ન રાખ્યું હોય, પોતાની વ્યસ્તતાને વ્હાલ કર્યા કર્યું હોય અને તે વ્યક્તિના અંતિમ સમયે કે પછી તેના મૃત્યુ પછી તેના માટે લાગણીઓ વ્યક્ત કરવી અથવા તો અન્ય ત્રાગા કરવા કેટલા અંશે યોગ્ય છે. જ્યારે વ્યક્તિને તમારી ઝંખના હતી, તમારી જરૂર હતી ત્યારે તમે નહોતા અને હવે જ્યારે એ વ્યક્તિ હયાત નથી ત્યારે તેના નામે કે તેની પાછળ તમે ગમે તેટલું કર્મ કરો તેનો કોઈ અર્થ રહેતો નથી.