Get The App

વાચકની કલમ .

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

મીઠો કાનો ને મીઠી મોરલી

મીઠો કાનો ને મીઠી મોરલી રે લોલ....

એથી મીઠી  તે તેની વાત  રે.....

વાતે વાતે રે થયો વેગળો 

રે લોલ.... (૨)  (ટેક)

હુ  તો મળવા ઉતાવળી 

થઈ દોડતી રે લોલ....

જાણે દોડે આભ માહ્યલી વીજ રે.... 

આ મીઠો ...(૨)

ચાકડે ચડયું  છે જાણે ચિત્તડું રે લોલ....

જેમ ઊતારે કુંભારીડો ઘાટ રે.... 

આ મીઠો (૨)

હર્ષઘેલી  આમતેમ ભટકું રે લોલ...

વિખૂટું  પડયું માતથી જાણે  બાળ રે...

આ મીઠો... (૨)

આંખે આંસુડાં ધાર વહી વહી રે લોલ...

જાણે વહે છે નદીયુંના  નીર રે...

આ મીઠો... (૨)

સાંજ પડી ને સંધ્યા ટાણું 

 થયું રે લોલ..... 

હવે લાગી ચિત્તડામાં  આગ રે.... 

આ મીઠો... (૨)

શું  ઘરે જાશું તો સાસુ ખીજશે રે લોલ....

વરસાવશે ગાળોનો વરસાદ રે... 

આ મીઠો...(૨)

નણંદલ એના વીરને વ્હાલી થાશે 

રે લોલ...

સંપ કરીને કાઢશે ઘરની બહાર રે... 

આ મીઠો...(૨)

- જયશ્રી બા ગોહિલ : (ભાવનગર)

શું કામના?

 મનમાં ઝેર હોય, અંતરમાં મેલ હોય,

એવા રૂપાળા શું કામના?

હૈયે વેર હોય,

જીવન એમના ઝેર હોય,

એવા પૈસાદાર શું કામના?

દુનિયાભરના જ્ઞાાની હોય,

પ્રખર બુધ્ધિશાળી હોય,

પણ મહાઅભિમાની હોય તો શુ કામના?

પરિવારના મોભી હોય,

પણ અત્યંત લોભી હોય,

તો શું કામના? પૈસે ટકે હાથી હોય,

પણ જીવનમાં ન કોઇ સાથી હોય,

તો એ પૈસા શું કામના?

ત્રણ કેમેરાવાળા ફોન હોય,

પણ જરૂરિયાતવાળા માટે 

ન કોઇ લોન હોય

તો એ શું કામના?

- અવિ સોની (લાભ), અમદાવાદ

 હૃદય મિલન

વિરહભાવ   વલણ લેણ  સંબંધ રે,

જીવન પગથારે આશા છે દિલમાં રે,

આંબેમોર ટહૂકે ઊંઘ ઉડી ગઈ રે,

ભરતી ઓટ થકી ધોધમાર હેલી ભાસે રે

પહેલી નજરનો પ્રેમ 

કેમ ભૂલવા દઉં રે,

શિતળ હવાની લ્હેર, દિલે થંભી રે,

આ તો વિચારોનું વાવાઝોડું રે,

હૃદય મિલનની આશામાં ઝૂમે રે,

મુસ્કાનની ઝલક  સદા યાદે ભરી રે

'જયંત' બાહોમાંની  ઝલકે રાચે રે.

-  જયંત વોરા 

દલડું  લીધું ચોરી

ગૉવની છોરી, ગોરી રે ગોરી

આવને ઓરી ઓરી

કતરાતી છે નજરો તારી....

નયનો કાજલ, ઘેરી - ગાંવ...

ભાલે બિંદીયા ચમકે

તારું સિંદૂર સુહાગ દમકે

ઉપર દામણી ઝમકે

રૂપતણો અંબાર છે છોરી- ગાંવ...

મુખડું તારું ચાંદચકોરી

અધરો  ભરી છે લાલી.

હાસ્ય જરે. દંતકલી લાગે - 

દાડમ કેરી જોરી - ગાંવ

ચણિયાચોળી  લાલચટકને

પાયલ ઘૂઘર ધમકે પાનિયું થનથન થમકે

ગજગામિની ચાલે ચોરી - ગાંવ....

લાંબી કેશ લટકતી નાગણ

ભરડો લઈ લટકતી

અંબોલડે ગઝલો વાળી

'ચંદ્ર' દલડું લીધું ચોરી - ગાંવ....

- કે.ડી. અમીન : (ચંદ્ર) : (માણસા-ગાંધીનગર)

 ના  કામયાબ

કોશીશ કરી પણ  કામયાબ ન થઈ શક્યો

દીપકનો દિપક રહ્યો આફતાબ 

ન થઈ શક્યો

બુંદ બુંદ ટપકતો રહ્યો ને સુકાતો રહ્યો

ધાર્યું  તોય ધરા પર સૈલાબ ન થઈ શક્યો.

ભ્રમ થાય એવું મૃગજળ થઈને  રહી ગયો.

બુઝાવે કોઈની તલાશ એવું 

'આબ' ન થઈ શક્યો.

હકીકત થવાની વાતો દૂર રહી

અરમાન ભરી આંખોમાં 

ખ્વાબ ન થઈ શક્યો.

- મણીલાલ ડી. રૂધાણી : (રાણાવાવ)

દિપાવલી 

દિવાળી  આવી મંગલકારી

કરો સ્વાગત દિપ જલાવી 

મનની ગંદકી દૂર કરી,

કરો તેની સાફ સફાઈ....

આંગણે રંગોળીમાં પૂર્યા

સ્વાગતના નવલા રંગ,

પુષ્પ થકી બાંધી પાળ,

દિપ પ્રગટાવી સજાવ્યા થાળ....

અધર્મના અંધારા હટાવો,

અહિંસા શાંતિના દિપ થકી,

ચારેકોર સર્વત્ર

સુખના અજવાળા ફેલાવો....

સચેત રસોડાની રાણી

પ્રેમની રાંધી મિઠાઈ,

સાથે બંધુત્વના નાસ્તા.

મિઠાસના પિરસ્યા પાસ્તા.

તહેવારના ઉત્સાહમાં

પ્રભુ મારા ના વિસરાય

ધર્મના રૂડા ઉપદેશો

હૃદયમાં ઉતારાય....

આતંક હિંસાના બોંબને,

સૂરસૂરિયું બનાવો 

શાંતિ પ્રેમના તારામંડળ

ચારેકોર જલાવો

- ભારતી પી.  શાહ : (અમદાવાદ)

મુસાફિર  

દુનિયાના  સતરંગી  રંગમાં

અમે પણ  રંગાયા હતાં.....

કામણગારી  કન્યાઓના રૂપમાં

અમે પણ  મોહાયા હતાં.....

પ્રિયતમાનાં  પ્રેમરોગમાં

અમે પણ પીડાયા હતાં.

સાધુઓના  સંગમાં  થોડા દિ'

અમે પણ રોકાયા હતા....

દુનિયાની   આ અનુભવયાત્રામાં

'મુસાફિર' બની ચાલ્યા  હતાં...

-  અનિલ  વાઘેલા  : (બોરીવલી)

રંગ લાગ્યો

રંગ શું લગાવ્યો  

ગોરીના ગવન ઉપર, ગુસ્સો કરી બોલી

આ શું કર્યું  તે યાર.

ગુસ્સાથી  નહીં ડર્યો, ને કહ્યું  મેં વ્હાલી

અને  મંેં લાલિમાને વધુ લાલ બનાવી

એ પણ હવે વધુને નજીક  સરકી બોલી

રસિયા ડાઘ બનશે  ગવાહ બદનામી

ફાટી જશે ગવન તો પણ રહેશે યાદી,

ભૂલી  કેમ ભૂલાશે ક્ષણીક  પ્રીત તારી

દઈ જા  એક મધુરી  પ્યારભરી  નિશાની

એકાંતે એનો સંગ લઈ રહીશ હસતી.

કહેતી કહેતી ગઈ દૂર સરકતી નદીં' શી

અન્જાન  લોકો એ કહ્યું પગલી બિચારી

સાજનને રહી  સર્વત્ર શોભતી દુલારી.

''ઈશ્વર'' છે, પાનખર જેવી તારી યારી

ક્યાં સુધી ભટકતો રહીશ,  ભ્રમર બની.

-  ઈશ્વર અંચલીકર  : (સુરત)

 આઘાત આપે છે

કદીક મનની મૃદુતા પણ ઘણો 

આઘાત આપે છે

વધુ પડતી સરળતા યુગ ઘણો 

આઘાત આપે છે.

શરૂ થઈ જાય હલ્લો, હાય! 

સંબંધોની સાંકળ થાય,

પછી ઘેરી નીકટતા પણ ઘણો 

આઘાત આપે છે.

સુંવાળા શબ્દ, પણ કાલે આપી 

વાડ બાંધી જ્યાં,

નજીવું વાંકુ  પડતા પણ ઘણો

 આઘાત આપે છે,

ગીરો મૂકી દઈ કેદાર 

પૂરાંય સત્ય સળીયામાં,

જીવનમાં આ સૂગમતા  પણ ઘણો 

 આઘાત આપે છે.

વટાવી ઓરડો,પછી ઓસરી 

વૃદ્ધત્વ બેડૂ કેલીએ,

સમયની આ વિષમતા પણ ઘણો  

આઘાત આપે છે. 

-મહેશ્વરી   બેન મહેતા : (ભાવનગર)

ગેરુ ગઝલ

ભીતરથી  નાભિશબ્દ 

ભભકશે ગુગળ સમા

ત્યારે જ કોઈ અર્થ સમજશે સરળ સમા.

નાચ્યાં ઘણાંય સંત પરમ શબ્દ-સૂચી  

નિ:શબ્દ કેટલાંય રહ્યાં  છે કમળ સમા

ધૂણો, સમધિ ને રાખ, તપે તોજ, 

મોજ હોય, વૈરાગમાંય મસ્ત ઘણાં   

આગ-સ્થળ  સમા!

ગમતો ગુલાલ  ગેરુ બની જાય પળ મહીં

શાશ્વત તિલકના સંગ, 

અલૌકિક અકળ સમા!

સાંનિધ્યમાંય 'દાન' મરમની પરખ નહીં,

નાસ્તિક કદાચ  હોય નજરના પડળ સમા!

- દાન વાઘેલા : (ભાવનગર)

ખાલી હાથ

કાવા દાવા

કરીને  જેણે ખોઈ 

દસ્તાવેજો કર્યાં છે

એ  બેસુમાર ભુમીના માલીકો

બે ગજ નીચે પડયા છે

મણીલાલ ડી.  રૂધાણી -  (રાણાવાવ)