Get The App

વાચકની કલમ .

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

પ્રકૃતિ તારી અદ્ભુત લીલા...

ફેલાયેલી છે ચાંપાસ

કેટલી સુંદર મજાની પ્રકૃતિ

ક્યારેક હળવા છાંટણા, ક્યારેક ઉષ્મા

તો નિશાએ નીકળતો ઠંડો પવન

પ્રકૃતિ તો છે ઈશ્વરે ધરતી પર ઉતારેલું

સુંદર કાવ્ય

કહેવાયું છે ને કે પ્રકૃતિ એ જ પરમેશ્વર

વરસાવે હમેશાં કાયમ એની કૃપા

શીખવે સૌને એ ધૈર્યનાં અદ્ભૂત પાઠ

માત્ર આપી જાણવાનો એનો સ્વભાવ

આપે એ કેટલું બધું માનવીને

નિસ્વાર્થ, નિર્વ્યાજ

પણ ક્યાં છે માણસ પાસે

એની માટેનો સમય?

કર્યા એણે ખૂબ ચેડા

પ્રકૃતિની અક્સમયાત પર

અને પ્રકૃતિ બની જ્યારે કોપાયમાન

રુઠીને વેર્યો બધે વિનાશ

ભણાવ્યો માનવીને મોટો પાઠ

તો શું માનવ શીખી

સમજીને આ બોધપાઠ

ઉતારશે એ વર્તન વ્યવહારમાં?

પરેશ અંતાણી (રાજકોટ)

વરખડો ને વેલી

વનવગડામાં વરખડાને

વળગી ઊભી વેલી

વરખડનું ભાગ્ય ફર્યું

ને મળી નવી નવેલી

કાગની કોટે મોતી કેરી

સેર જોઈ લટકેલી

દહીં થરું અહીં બન્યું અજીકું

વાત કશી વણસેલી

જડભરત શો વરખડો

ને નમણી નાજુક વેલી

મેલો ઘેલો વરખડો

ને વેલી શી અલબેલી!

વસંતમાં નહીં વર્ષાકાળે

ખૂબ ખીલી સનચેલી

કોઈ મળ્યો નહીં, મળ્યો વરખડો

ભાન ભૂલીએ ઘેલી

સ્વપ્ને એવો ખ્યાલ ન તો

કે મળશે એ રૂપરેલી

પુલકિત એવો થયો વરખડો

અકાળે વસંત ખીલી

ધરતી પર સૂતેલી ઘેલી

નભ શું કરતી કૈલિ

વરખડાનો માગી સહારો

મત્ત બની મતવાલી

ભાગ્યહીનનાં ભાગ્ય ખીલે

તો વરસે રણમાં હેલી

વનરાજી તો રાજી રાજી

ભલે ભેટતી વેલી

દિનકર દેસાઈ 'વિશ્વબંધુ' (અમદાવાદ)

પ્રેમની વાતો

પ્રેમીઓના પ્રેમની વાતો

જણી શકતા નથી

પ્રેમ કરું દિલથી તને

એ વાત સમજાતી નથી

સામા મળે છે રોજ પણ

હાસ્ય કરતા જાય છે

નજરથી નજરની વાતો

કંઈ સમજાતી નથી

સાથ નહીં છોડું તમારો

એવા વચન દીધા હતા

પ્રેમ સાચો છે કે કેમ

એ વાત સમજાતી નથી

પૈસો નથી પણ પ્રેમ દિલમાં

તેથી અમે ધનવાન છે

દીવાની બનીએ પ્રેમની

ધનની પૂજારણ એ હતી

હાથ પકડયો પ્રેમથી

એ માર્ગમાં છોડી ગઈ

અશોક જી. ચૌહાણ (નડીયાદ)

કુંવારી રાતનાં શમણાં

કુંવારી છું રોજ આવે શમણાં

કુંવારી રાતમાં સતાવે મને શમણાં

કુંવારી મળી એકવાર સંગે રમણાં

શમણે મળી માણ્યો તો સંગ અલી!

ઝંખનાઓ જાગી અનહદ શમણે

ગાડું આવ્યાની ભાળ મળી શમણે

લઈ ગયો રૂપાળો મરદ શમણે

સમંદર સમાં દિલ ઉછળ્યાં રાતે

કુંવારી જવાની લૂંટાઈ મારે શમણે

ભરી જવાનીમાં મોજ માલી શમણે

મોસમની રાતે શમણાં સાચાં કર્યાં

લઈ ગયો ડોલીમાં બેસાડી સાથે

છાતીએ ઋડા ચાંદલા ચોટાડયા

અમે તો ખુબ શરમાયાં અલી!

'સુમન' ભવનાં બંધન બંધાયાં

કુંવારાં શમણાં પરણી તૃપ્ત થયાં

સુમન ઓઝા (ખેરાલુ)

મહેફીલ

જિગર ચાલતું ન હોય પણ

પરવશ થઈને જલાવતા હશે

નહિતર ચીતામાં 

અગ્નિદાહ દેનારા

દિવાસળીથી પણ ડરતા હશે

જુઓ કેવો ભાવભીનો

આવકાર દીધો

ગયા ઘર પાસે તો

દરવાજો બંધ કરી દીધો

એમ સસ્તામાં ક્યા

કોઈની મહોબત મળે છે?

કે ખર્ચાઈ જે દાયકાઓ

ત્યારે કોઈની નજર મળે છે

એજ કારણ દોસ્તો! કદાચ

મારા મોતનું હોય શકે

કે આવ્યા જતાં 

શ્વાસોને સજાવવાનું

મારા સ્વભાવમાં નહોતું

બહુ જતું કરવામાં

કઈ સાવ નથી દોસ્તો!

જુઓ! શ્વાસોને જતાં કર્યા તો

જિંદગી ચાલી ગઈ

હોય જેના નસીબે

એને દોલત મળે છે

અરમાન તો બધાને અહીં

અમીર થવાના હોય છે

મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

આઘાત લખું છું

હું તો મારી વાત લખું છું, 

થોડા પ્રત્યાઘાત લખું છું.

કર્મોની  બારાત લખું છું.

હું કેવળ ઉત્પાત લખું છું.

પેલ્લી છેલ્લી ઓળખ એ છે,

તેથી મારી જાત લખું છું.

ધર્મ ક્યાં છે? તેની સામે,

અંતરનો આઘાત લખું છું.

ગામ હોય ત્યાં હોય ઉકરડો, 

ચોરાની પંચાત લખું છું.

હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ,

શાંતિની સોગાત લખું છું.

ડો.પથિક પરમાર (ભાવનગર)

ઉનાળો લાવ્યો લૂ..!

ઉનાળો ઉષ્માની લઈને આવ્યો લૂ

શરીરેથી પરસેવા તણી આવે લૂ

માનવ-પશુપંખી સૌ થઈ જાય છૂ

વણ તાપણે ઊકળે ગરમાગરમ ભૂ

નદી-કૂવાનાં ઊંડાં થઈ ગયાં તળ

સજીવસૃષ્ટિ સૌ ઝંખે શીતળ જળ

સ્ટ્રોબેરી-તરબૂચ-ટેટી ખાવો સૌ ફળ

લસ્સી-શરબતને 

જઈને જલ્દી મળ

કોયલના કંઠમાંથી નીકળે ના કૂ...

કબૂતરો કરવાનું ભૂલી ગયાં ઘૂ...

ચકલીની સંભળાય ના ચાં કે ચૂં...

સાપનો સંભળાય ના ફૂંફાડો ફૂં

પંખા-ફ્રીઝ-કૂલરનો વધ્યો છે ઝોક

ઘર બહાર જવા પર લગાવો રોક

આઈસ્ક્રીમ-ગોલા-કેન્ડી 

ખાય કોક કોક

સંધ્યા ટાણે સમુદ્ર તટે દેખાય લોક

પ્રવીણ પટેલ 'સ્વયં' (ગણદેવી)