મેઘધનુષ રચાવી દઉં
કાજળ ઘેરા વાદળમાંથી કાજળ લઈ
લાવ તારી આંખમાં આંજી દઉં
વીજળીની ટમટમતી ટીલડી લગાડી દઉં
મોસમ સલૂણીને વર્ષા છે ભીની
પ્રિયે.. પ્રીતનું મેઘધનુષ રચાવી દઉં
પ્રેમરંગથી જીવનને શણગારી દઉં
મારા મનના વસંતની પાસે પ્રિયે
વનનો ફાગણીયો ફીકો બનાવી દઉં
આંખના બારણાની સાંકળ ચડાવીને
સૌંદર્યના અધરામૃતનું
પાન કરાવી દઉં
હેતના હિંચકે આજ તને ઝૂલાવી લઉં
મળીએ ત્યારે તારા હોઠને સ્પર્શી લઉં
જોબનવંતી કાયાને દિલમાં મઢી લઉં
આકાશનું મિલન ધરતી પર લાવી દઉં
તારા રંગીન જીવનનું
મેઘધનુષ રચાવી દઉં
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
શિયાળાની પરોઢ
શિયાળાની પરોઢ
તું માણી તો જો
જરાક અમથું ગોદડીમાંથી
બહાર આવી તો જો
બહારે નીરવ શાંતિનો
અહેસાસ કરી તો જો
મંદિરોના ઝાલરના ઝણકારને
સાંભળી તો જો
એકલ-દોકલ જન પ્રવાહને
જોઈ તો જો
આ પવનની શીતળતા
મહેંકી તો જો
ઠંડીના સ્પર્શની અનુભૂતિ
મેળવી તો જો
રાત-રાણીની ઠંડી સુગંધ
શ્વાસમાં ભરી તો જો
એકલા બેસવનો
અનુભવ કરી તો જો
પરમેશ્વર સાથે સાનિધ્ય
કેળવી તો જો
આત્માનંદના સુખને
સ્પર્શી તો જો
પછી કંડાર તારી કલમમાં
'શિયાળાની પરોઢ'
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
યશોદા મૈયાનું હાલરડું
વાસીદા કરતી ગોવાલણીને
સુઝતું નથી બીજું કોઈ કામ
યશોદા મૈયાનું હાલરડું
સાંભળી ને હિલોળે
ચડયું છે અખંડ બ્રહ્માંડ
ઊંઘ ઊડી ગઈ છે
ગોવાળિયાની
અનુભૂતિ થઈ ગઈ છે
પરમાત્માની
મમતાની વરસતી વાદળીયેથી
વરસી રહ્યો છે ભક્તિ કેરો જામ
અધિરાય વધી ગઈ છે, ગોપિયુંની
અકળકળા કેવી છે દિનાનાથની
ગોકુળ ગામના એક એક નેશડે
ગુંજી ઊઠયું છેકનૈયાનું નામ
મોરલાને મોજ
પડી ગઈ છે ટહૂકવાની
વેળા પડવાનો આવી છે
ગાવડીયું દોહવાની
એવો ટાણે ઊંઘવાનો ડોળ કરીને
હાલરડું હેતથી સાંભળી રહ્યો છે શ્યામ
ખરા હૃદયથી હાલરડું લલકારજો
યશોદા મૈયાના કનૈયાને ઝૂલે ઝૂલાવજો
કાચલિયા કહે આજ પણ
હાલરડાની કડીએ
કડીયે કનૈયાને યાદ કરે છે
વૈષ્ણવોના હૈડાની હામ
- નવીનચંદ્ર રતિલાલ (કાચલિયા)
અંધકાર
ઉભી છું, હું આજે અગાસીમા મારી,
શેરી આખી રહી છે,
દીપથી ઝગમગી.
કોઈ કે કહ્યું જુઓ મજાની આ રોશની, રોશન થઈ છે,
ધરતી અહીં દીપોત્સવી.
હૃદય ને પૂછયું મે તું કેમ રહ્યું છે રડી,
દિલમા દર્દ ના દીપ કેમ રહ્યા છે પ્રગટી. હૃદય બોલ્યું હું પરાયું ક્યાં છું તારાથી.
તું રડે ને હું હસું જોઈને આ રોશની,
ઘટે શું આવી ઘટના અઘટિત અહીં.
યાદ છે મને,
પિયુ ગયો પરદેશ પ્યારી, ઉભયની યાદ ના અંધકાર મા તું ડૂબી.
શીદને કરી'તી તેં પ્રીત સંગે પરદેશી,
ભૂલી જા હવે એ વિરહની વેદના તારી.
'ઈશ્વર' દિવસ એક થાકશે પસ્તાવો કરી, મોકલશે પ્રિયમ પ્રગટાવશે દિલે રોશની.
- ઈશ્વર અંચેલીકર. (સુરત)
પડકારના પંથે
આશાના નભમા ટમટમતા તારલા
હાથની લકીરને અવગણી ચાલ્યા
લાલચને સ્વાર્થમાં સઘળુ ખોયુ
ભ્રમ-ભેદના પડદા ખુલતા ગયા
વાત બધી સત્યના નિરાળા પથની
ન્યાય ખુદાનો બધો બરાબર હશે
શબ્દનો મર્મ સમજાય તો ઘણું
દર્પણમાં તસવીર અમે હસતી રાખી
ન્યાયના પારખા ન કર હવે
મોતના મલાજો અકબંધ રાખ્યોૉ
બધો ભાર ઉપાડી શકો ના
હળવા ફુલના પમરાટે મ્હોર્યા
દર્દની પણ એક અલગ અદા હોય
'નિશીથ' બધુ બરકરાર રાખી ચાલ્યો
ખુદા સલામત રાખી આવતી કાલ
અરમાન બધા શ્વાસમાં બાંધ્યા
ફરિયાદ તો આલમ જહાંને શું કરું
મખમલ શ્વાસને સલામત રાખ્યા
આ પારદર્શક દર્પણમાં ખાસ
આજે સઘળા ભેદ ખુલતા જોયા
ચૌધરી નારસિંગ આર. (માંડવી, સુરત)
ખબર નથી પડતી આજે
મારી લાગણી ખર્ચાય છે કે
વપરાય છે એ જ
ખબર નથી પડતી આજે
નાનો હતો ત્યાર
રમકડું તૂટી જાય ને રડતો
કેમ કે..
એ નવુ મળી જાય
આજે હૃદય તૂટે છે
તો ય હંસવુ પડે છે
કેમ કે..
કોઈને ખબર ના પડે
તારા માટે પોઝિટીવ છું આજેય
અને રહીશ કાયમ
પણ તારી જેમ કોરોના પછી
પોઝિટીવ શબ્દનો અર્થ
બદલીશ નહીં
જેમ કે તું બદલાઈ ગઈ એટલે
મારી લાગણી ખર્ચાય છે કે
વપરાય છે એ જ ખબર
નથી પડતી આજે
'મીત' (સુરત)
એક મસ્ત વાત લખુ કે
એય એક મસ્ત વાત લખુ કે
મને ખબર છે ને કે
નથી થવાની તુ મારી
દૂર રહેવાની છે કાયમ હવે
તોય..
પ્રેમ તો ઓછો થવાને બદલે
વધ્યે જ જાય છે
એય ફરી એક મસ્ત વાત લખુ કે
સીધુ વાંચશે તોય ગમશે ને
ઊંધુ વાંચશે તોય ગમશે
'છે જિંદગીમાં તુ તો'
'મીત' (સુરત)
જોઈએ..
ઘટનાનું રહસ્ય જાણી જોઈએ
ઇચ્છાને થોડી માપી જોઈએ
ઈર્ષા તું પકડી બાંધી દે આંગણ
એવી સુંદરતા માણી જોઈએ
સપનાઓ રોજે આવે ઘરના ઘર
ભીતર જણ વારી જોઈએ
ઘર હોઈ ત્યાં ખખડાટો થાય વળી
નૈયા ભવસાગરમાં તારી જોઈએ
એક 'ભરત' સત જીવાડે છે પળપળ
એ પળના કાગળ વાંચી જોઈએ
ભરત વાળા (ભાવનગર)
ખ્વાઈશ
સાકાર થવાની શક્યતા નથી લાગતી
ઉઘડે આંખો ને સપના વેરાઈ જાય છે
બહુ દૂર લાગે છે મહોબતની મંઝિલ
માંડીએ કદમ ને અહીં રસ્તા
લંબાઈ જાય છે
એકરાર પ્રેમનો થઈ શકતો નથી
શબ્દો સરતા નથી લબો શિવાય છે
મળળે સામા તોય વાત
થઈ શકતી નથી
વાત છે જે કહેવાની સાવ ભુલાઈ જાય છે
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
સૂડો ને એક સૂડી
આકાશે ઊડતાં જોવા
હું પતંગ થઈને ઊડી
લીલવાણી પાંખે નભ
આખું સહજ કરી ઉપાડે
સૂરજની સાખે આખો દી
સાતે વચન નિભાવે
જોટો જગમાં જડે ન
એવી દેખી જુગત જોડી
સૂડો ને એક સૂડી
એની રાતી આંખે વ્હાલપ
પોશપોશ છલકાતી
પાસપાસ ઊડતાં પણ
એની પાંખ નથી અથડાતી
ટહુકે ટહુકે છોડે મીઠી
લાગણીઓની ઝૂડી
સૂડો ને એક સૂડી
સાવ અચાનક પાસે આવી
સૂડો-સૂડી ટહુક્યાં
વચન સુણી મારા હૈયાના
ઓરતડા સહુ તૂટયા
મૈત્રી કરીશું, પહેલાં તારો
દોર નાખને તોડી
પતંગ થઈને ઊડી
નેહા પુરોહિત (ભાવનગર)


