વાચકની કલમ .
પ્રિયને...
આવી ગઈ વસંત,
તું પણ આવ પ્રિય
મને ગમતો પ્રણયરંગ લાવ પ્રિય
કરશે મધુરો કલરવ પેલાં પંખીઓ
તારો આત્મીય સ્વર
સંભળાવ પ્રિય
પ્રસરશે ખીલેલા ફૂલની
સોડમ વધુ
તું સામિપ્યથી સંગ
મધમધાવ પ્રિય
શોભશે પર્ણની
લીલાશથી વગડો
તુંય લીલેરો સંગાથ
વરસાવ પ્રિય
બનશે મંદ મંદ વાતો
વાયરો માદક
તારા સ્પર્શથી સ્પંદન
સર્જાવ પ્રિય
ભરી ગુલાબી તાજગી શીતળતામાં
હૈયાની હૂંફાળી બાથ
ફેલાવ પ્રિય
પાથરી વાટમહીં
વાસંતી આશાઓ
મૂક્તપણે મેળાપનો
હર્ષ દર્શાવ પ્રિય
પટેલ પદ્માક્ષી 'પ્રાંજલ' (વલસાડ)
ઇચ્છા
હે ઈશ્વર ધરતી પર આવી કદી
તો સાંભળ વાતો માનવીના દુ:ખદર્દની
ઝાકળના બિંદુઓ પણ વ્યક્ત કરે છે
વ્યથા ઉદ્યાનના કરમાઈ જતા પુષ્પોની
નથી ડર મને મારા એકાંતનો
લાગે છે ડર મને મારી એકલતાનો
ઉઠી જશે ત્યારે ભરોસો મને
માનવી પરના વિશ્વાસનો
આપી છે તે અમને જિંદગી
સસ્મિત જીવવી તો પડશે
જિંદગીના કઠિન માર્ગે
સસ્મિત ચાલવું તો પડશે
ચાંદને નથી નિરવ રાત્રિના
અંધકારનો ભય
એ તો મનાવે છે તારાઓ
અને ચાંદની સાથે ખુશીનું જશ્ન
વાદળો લે છે ગાઢ નિંદ્રા
પોઢી આકાશની વિશાળ ગોદમાં
પવનનું સુરીલુ સંગીત સાંભળી
હિલોળા લે છે સાગરના મોજા
વૃક્ષોના પર્ણો પણ ડાળીઓના
સંગાથે કરે છે નૃત્ય
કુદરતના સાંનિધ્યમાં દરેક છે
ખુશ અને મુક્ત
ગગનમાં પંખીની જેમ ઉડવાની છે
મારી અંતિમ ઇચ્છા
દિલમાં હશે ન કોઈ આશા
નિરાશા કે કરુણા
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
લકીર
કોઈના ખાસ બની શકાય
એવી કિસ્મત જોઈએ
જીવનભર એમનો પ્રેમ મળે
એવી તકદીર જોઈએ
બાકી, પ્રેમ તો દુનિયા
આખી કરે છે
પણ એ પ્રેમ છૂટે નહિ એવી
કહે છે 'ધરમ' કે હાથમાં
બકીર જોઈએ
ધરમકુમાર એમ. પ્રજાપતિ (લાલજીનગર)
ગીત
ગોરું ગોરું મુખડું, આંખે કાજળ,
હોઠે લાલી અને કપાળે બિંદી
વાહ! પરી નહીં તું લાજવાબ લાગે છે...
ઊગતા રતુમડાં સૂરજ શો ચહેરો,
શીતળ ચાંદની શું ઝાકળ સ્મિત,
વાહ! પરી નહીં તું લાજવાબ લાગે છે...
કોયલ શો લહેરાતો તારો કંઠ,
મોરલાં શી ઠમકઠમક તારી ચાલ
ઘેલાં પવનમાં ઝૂલતાં પર્ણો શી મસ્તી
વાહ! પર નહીં તું લાજવાબ લાગે છે...
પડછાયો થઈ મુજને તું તોડાવતી
મૃગજળ શા પતંગિયા શી તરસાવતી
વાહ! પરી નહીં તું લાજવાબ
લાગે છે...
પ્રફુલ્લ ર. શાહ (કાંદિવલી)
સબ્ર-એ-હિજ્ર
ઇંતજારની ઘડી બસર
કરવી મુશ્કેલ છે
લંબાતી જાય છે રાતને
દૂર દૂર ફજર છે
છે થાકની અસર તોય
તમન્ના આબાદ છે
એની રહગુજર પર
અમારી નજર છે
ઘડીક ઝૂકી જાય છે
ઘડીક ખૂલી જાય છે
નથી માર્યુ મટકું
એની આ અસર છે
મોતને દરવાજે દસ્તક
દઈ જિંદગી પાછી આવી છે
કેમ વિતાવી વિરહતી
રાત અમને ખબર છે
મણીલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
તે સુખ તો છે નામનું
જે સુખ દુ:ખનો દાતા છે
તે સુખ તો છે અજ્ઞાાનનું
તૃષ્ણા વધારીને જે શાંતિ કાપે
તે સુખ તો છે નામનું
વિનાશ પામી દુ:ખડા લાવે
સુખ એ શા કામનું
સરળતા ગુમાવે જે માયા રાહે
સુખ તો છે એ નામનું
સુંદર નિરોગી તારા તનનું
ક્ષણિક સુખ તો વહી જશે
ધન ને વૈભવ જે તારા
તૃષ્ણાને વિસ્તારશે
'નથી નથી'ની બાબતો
સંતોષ સુખને મારશે
નામના જશ કીર્તિની રાહે
જીવન તારું વહી જશે
કર્યો ને 'લઘુગોવિંદ' ધર્મ
નામને કાળ ઉડાવી લઈ જશે
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
હાથમાં હાથ તમારો આપો
ક્યાં ચાહું કે જિંદગીભર
સથવારો આપો,
લડખડાતા કદમોને થોડો
સહારો આપો.
આભને આંબવાની
હેસિયત નથી મારી,
માગ્યો છે ક્યાં ચાંદ?
ખરતો સિતારો આપો.
સુખ મારાં સઘળાં
તમારા નામે કરી દઉં,
તમારા દર્દ લઈ લઉં
એવો ઈજારો આપો.
અશ્રુઓ મારાં જોજો
થઈ જાય ના ઝરણું!
તમારા રૂમાલનો જરા
એને કિનારો આપો.
જાન આપી દેતાં જરાયે
ખચકાઈશ નહીં,
તમારી 'હા'નો જો
સહેજ અણસારો આપો.
દુનિયા સામે ઝઝૂમવાની
તાકાત મળી જશે,
'અજનબી'ના હાથમાં જો
હાથ તમારો આપો.
પ્રવિણકુમાર લવજીભાઈ પારધી
'અજનબી' (વિરમગામ)
કેમ હડધૂત છું?
હું માણસ છું તોય કેમ અછૂત છું?
દૂર કેમ ભાગો છો? શું હું પલિત છું?
વર્તમાન ખરાબ છે તો ભવિષ્ય કેવું?
સાવ કચડાયેલો એવો હું અતીત છું
જેના થકી મીંડા બને છે અબજ
એકડા વિનાનું એવવું હું ગણિત છું
તું અને હું બન્ને નાહ્યા ગંગા મહીં
શાને કહે છે કે હજુ હું પતિત છું
જ્ઞાાતિએ જ્ઞાાતિએ જુદો છે તું ઈશ્વર
એ બાબતે બહુ જ હું વ્યથિત છું
ખુદના વતનમાં છું જાણે 'અજનબી'
વર્ષો પછી હજુયે કેમ હડધૂત છું?
પ્રવિણકુમાર લવજીભાઈ પારધી (વિરમગામ)