મુસાફર
સફરના ડગરમાં જ્યારે આવે,
આંધી કે તૂફાન,
ધૈર્યના પથ પર ચાલ મુસાફર
ભ્રમના ભવરમાં જ્યારે આવે
નાવ કે વમળ,
ધૈર્યના પથ પર ચાલ મુસાફર
સાગરના પેટાળમાં જ્યારે આવે,
ભરતી કે ઓટ,
ધૈર્યના પથ પર ચાલ મુસાફર
જિંદગીના પથમાં જ્યારે આવે,
હાર કે જીત
ધૈર્યના પથ પર ચાલ મુસાફર
સમયનો પડકાર જ્યારે આવે
કસોટી કે મંઝિલ,
ધૈર્યના પથ પર ચાલ મુસાફર
નિરાશાના વાદળો જ્યારે આવે,
સત્ય કે તર્ક
ધૈર્યના પથ પર ચાલ મુસાફર
ચૌધરી નારસિંગ (માંડવી-સુરત)
મા
નિર્દોષ બાળકનું સ્મિત જોઈ
ઝુમી ઉઠયું મન માતાનું,
આવ્યા આનંદના આંસૂ આંખોમાં,
માન્યો આભાર વિધાતાનો
ઈશ્વરને પણ થયો સંતોષ કરી મા,
અને સંસારનું દર્પણ
બાળકના કિલ્લોરમાં સંગીત હતું
પક્ષીઓના કલરવનું,
એના ગાલોની લાલિમા
મા ખીલ્યું હતું એક પુષ્પ ઉદ્યાનનું
એની ચાલની ગતિમાં રફતાર
હતી સાગરના ઘૂઘવટા મોજાઓની,
એની આંખોમાં ચમક હતી
પ્રકાશિત થતી વિજળીની
માતા લગાવતી હતી
બાળકની આંખોમાં કાજળ,
ન લાગે એને દુનિયાની બુરી નજર
ઠોકર ખાઈ પડી જતા બાળકને
જોઈ દ્રવી ઉઠતું હતું, માતાનું દિલ,
કરતી હતી માતા એના
દીર્ધાયુની ચિંતા અહર્નિશ.
જન્મો-જન્મના ફેરે પણ ન
ચૂકવી શકશે માનવી માતાનું ઋણ,
કરશે જે માતાનો અનાદર,
ન કરશે માફ ઈશ્વર તેની આ ભૂલ.
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
મુફલિસ, દિલના અમર નીકળે!
(ગઝલ)
એવું તો લ્યો ક્યાંથી મારું તકદીર નીકળે,
એના સેંથામાં મારા નામનું સિંદૂર નીકળે.
એ મારી મહોબ્બતનો ઈનકાર
ભલે કર્યા કરે
હાથની મહેંદી મારા નામની
તસવીર નીકળે.
નાવ હંકારી મેં મઝધારમાં
એના ભરોસે,
એમાંય પાછો સામ વિપરીત
સમીર નીકળે.
સંબંધો તો બધાય સ્વાર્થના
જ હોય છે દોસ્તો,
સોનું સમજીને સાચવો એ
જ કથીર નીકળે!
આઝાદ થયાનો ભ્રમ રહ્યા
કરે છે હર ઘડી
રોજ કોઈ નિતનવાં ફતવાની
જંજીર નીકળે.
નાત જાતનો ભેટ મટી જાય
છે મર્યા બાદ,
કફન ઉઘાડી જુઓ તો
મૃત શરીર નીકળે.
મુફલિસ સમજી ઠુકરાવો ના
'અજનબી' ને,
કદાચ, એ જ માણસ દિલનો
અમીર નીકળે,
પ્રવીણકુમાર લવજીભાઈ પારધી 'અજનબી' (વિરમગામ)
કનૈયાનું નામ લેવું ને...
કનૈયાનું નામ લેવું ને
કોઈને કાંટા ના કહેવું
આપણું જીવન છે ભાઈ
ઝાંઝવાના જળ જેવું
હાલો તમને મથુરા લઈ જાવું
હાલો હાલો તમને ગોકુળ લઈ જાવું
મોહ માયામાં ફસાયા પછી
હવે નથી કાચી માટીના
ખોળિયામાં રહેવું
હાલો તમને બરસાના લઈ જાવું
હાલો હાલો તમને વૃંદાવન લઈ જાવું
કનૈયાની બંસરીમાં
ખોવાય જઈને
આ સંસારમાં પાછું નથી ફરવું
હાલો તમને જતિપુરા લઈ જાવું
હાલો હાલો તમને નંદગાંવ લઈ જાવું
ભક્તિનો જામ પી પી ને
વૈભવી સંપત્તિના દરિયામાં
મારે હવે નથી તણાવું
હાલો તમને માધવપુર લઈ જાવું
હાલો હાલો તમને દ્વારકા લઈ જાવું
અંતર આત્માને અંધારામાં રાખીને
પ્રપંચી દુનિયામાં
હવે મારે નથી છેતરાવું
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
પ્લાસ્ટિકના ફૂલ
પ્લાસ્ટિકના ફૂલ દઈ છોરી બોલી
કેહવે સુંદર ફુલછાબડી બનાવ,
છોરો વિચારે આજ મોકો મળ્યો છે
તો દૂર કરું હૈયાની રાવ
પ્લાસ્ટિકિયાં ફૂલ વચ્ચે સાચાં
ગુલાબ મૂકી લઈ લીધો
મધમીઠો દાવ!
આવી કસોટી તો રોજેરોજ થાય
અને છોરોય માણે એની મોજ,
હૈયુ છો હારી ગ્યું,
કૂચ કરે આંખોમાં
રોજરોજ સમણાંની ફોજ
સોળ સોળ ચોમાસાં કોરાં ગયાં ને
હવે સત્તર મેં પૂરના પડાવ!
છોરાની દાઢીએ રૂવાં ભાળીને
છોરી રોમરોમ રણઝણ થાય!
સાથ સાથ રમતાં'તા, ઝૂંટવીને
ખાતા' તા આજ નવી ધકધક શું થાય?
મોઘમ ઈશારા છે કુદરતના
એનાથી અળંગાય કેમ કરી થાવ?
પ્લાસ્ટિકિયાં ફૂલ વચ્ચે સાચાં
ગુલાબ મૂકી લઈ લીધો મધમીઠો દાવ!
નેહા પુરોહિત(ભાવનગર)
મારો મુકામ
મારા નાનકડાં ઘરમાં,
મારો મુકામ છે
જીવતરના લેખાં જોખાંનો
સામાન છે....
વર્ષો વહિ ગયાં અહિયાં ઊભું છે
મારું ઘર
એમાં જ મારા જીવનનો,
સાચો મુકામ છે...
ખૂબ ઊંચે ઉડતો, દૂર પેલો વ્યોમમાં
સાંજ પડે ને, આ માળામાં
મારો મુકામ છે...
બાપ-દાદાઓનું જીવન તો
પૂરું થયું અહીં
મારી બાકી જિંદગીનો,
અહિં વિરામ છે...
શિયાળો, ઉનાળો કે,
ચોમાસાની હેલી
આવે તોફાનો પણ,
મારે તો આરામ છે....
ઘર વિના શાંતિ નથી,
સૌના જીવનમાં
મારા ઘરમાં સુખભર્યો,
મારો મુકામ છે.....
ભગુભાઈ ભીમડા (હલદર-ભરુચ)
ધ્યાન ધરું તો તુજ દેખાશે
વિચાર્યું હતું મેં
ચાલ બધું બતાવીશ તને
દુ:ખ દર્દ બધા કહીશ તને
પણ.....
તેં તો એ પણ ના પૂછ્યું
ચૂપ કેમ છે તું?
કોને કહું આ બધું હવે
લોકો ખોવાઈ નથી જતા
બદલાઈ જાય છે
કોઈની શોધમાં
નથી નીકળવું હવે
થાય છે હવે સંન્યાસી થઈ જાઉં
પણ એય વિચાર આવે છે
હું સંન્યાસી પણ બનું ને
ધ્યાન ધરું તો તુજ દેખાય
'મીત' (સુરત)
એકરૂપ બની જઈએ....
પ્રીતના પંથે વિચારીને આગળ વધીએ.
મૌન ધારણ કરીને ચહેરાને વાંચી લઈએ
ભૂલ સ્વીકારીને
બસ માફી માગી લઈએ.
મનની સાચી વાત દિલ ખોલીને કરીએ.
ગમતું મળે ત્યાં મોજથી મસ્તીકરીએ.
ગુલાબી ગાલ પર
ગુલાલ લગાવી દઈએ.
કેસૂડાનાં રંગે તારા કેશને રંગી દઈએ.
આલિંગન આપતા તારા
હોઠને સ્પર્શી લઈએ.
હાથ પકડીને સામે કિનારે
પહોંચી જઈએ.
પ્રીતની વર્ષામાં તનથી પૂરાં ભીંજાઈએ
બહુ મજા આવી હો!
આકાશ મોજથી માણીએ
ભાર ન લાગે તારો એકરૂપ બની જઈએ.
કિરણભાઈ પંચાલ 'આકાશ'
(અટલાદરા, વડોદરા)


