કોફી પાવડરની શીશીમાં ચોખાના ૧૦-૧૨ દાણા રાખી મૂકવાથી કોફીના ગઠ્ઠા થશે
ઘરે બનાવેલ ગુલાબજાંબુ કડક થઇ ગયા હોય તો તેને પ્રેશરકુકરમાં સીટી મૂક્યા વગર ધીમા તાપે ગરમ કરવાથી ગુલાબજાંબુ નરમ થઇ જશે.
- મેંદામાં થોડો રવો ભેળવવાથી ફરસી પૂરી સ્વાદિષ્ટ તેમજ કરકરી થાય છે.
- કામ કરતાં નાનો અમથો જખમ થાય તો તરત જ હળદર અથવા તો કોલનવોટર (યૂડીકોલન) લગાડી દેવું.
- મચ્છરના ડંખ પર યૂડીકોલન લગાડવાથી રાહત થાય છે.
- ત્વચા રૂક્ષ થતાં શરીરે ખંજવાળ આવતી હોય તો મોઈશ્ચરાઈઝર અથવા તો કોપરેલ લગાડવું. સ્નાન બાદ શરીર સહેજ ભીનું હોય ત્યારે જ લગાડવાથી લાંબી અસર રહે છે.
- કાચના વાસણને ચમકીલા કરવા પાણીમાં એક કપ વિનેગાર ભેળવી ધોવા.
- ભરેલા શાક બનાવતી વખતે ચણાના લોટના મિશ્રણમાં શીંગનો થોડો ભૂક્કો નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે.
- એલ્યુમિનિયમના પ્રેશરકુકરને સાફ કરવા તેમાં રાતના એક અખબાર મુકી બે ગ્લાસ પાણી નાખી પલાળી રાખવું. સવારે સાબુના પાણીથી ધોઇ નાખવું.
- અખબારથી કાચ લુછવાથી કાચ ચકચકિત થાય છે.
- ગરોળીને હાંકી કાઢવા રૂમમાં ઇંડાનું ફોતરું મૂકવું.
- કાશ્મીરી મરચાં વાનગીમાં ઉમેરવાથી રંગ લાલચટક થાય છે પરંતુ વધુ પડતું તીખું હોતું નથી. કાશ્મીરી મરચું ન હોય અને વાનગી માટે જોઇતું જ હોય તો તેના વિકલ્પ તરીકે કોઇ પણ લાલ સુકા મરચામાંથી બિયાં કાઢીંને ૧૫ મિનિટ પાણીમાં પલાળી વાપરવું.
- મીનાક્ષી તિવારી


