દાવત
- ચિત્રકૂટ
સામગ્રી : સામગ્રી : ૧૫૦ ગ્રામ ઘેર બનાવેલ તાજું પનીર, ૨૫૦ ગ્રામ માવો, ૭૫ ગ્રામ મેંદો, ચપટી ખાવાના સોડા, ૫૦૦ ગ્રામ ખાંડ, ૧/૨ લીટર પાણી, એક નાની ચમચી ગુલાબજળ, એક ચમચી શક્કરટેટીનાં બી, તળવા માટે ઘી.
રીત : રીત : પહેલાં મેંદામાં ખાવાનો સોડા ભેળવી તેને ત્રણ ચાર વખત ચાળી લો. એક થાળીમાં પહેલાં પનીર અને પછી માવાને જુદા-જુદા મસળો. ત્યાર બાદ બંનેને પરસ્પર મિક્સ કરી નરમ થાય ત્યાં સુધી મસળો. હવે તેમાં થોડો-થોડો મેંદો નાખતા જાવ. જો બંધુ મિશ્રણ ભેગું થતાં ફૂલવા લાગે તો ચિત્રકૂટ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એમ સમજવું. જો મિશ્રણ હાથમાં ચોટતું હોય તો સહેજ ઘીવાળો હાથ કરવો. હવે આ મિશ્રણના બેત્રણ લૂઆ બનાવો. ત્યાર બાદ પ્લાસ્ટિકની બે સ્વચ્છ કોથળીઓ લો. એક લૂઆને પ્લાસ્ટિકની કોથળીઓ વચ્ચે મૂકી, વેલણથી હળવા હાથે લગભગ પોણો ઈંચ જાડો રોટલો વણો. હવે ઉપરની પ્લાસ્ટિકની કોથળી દૂર કરી ચીકમા ચપ્પુથી તેના એકથી દોઢ ઈંચના ચોરસ ટુકડા કરો. જે ટુકડા આખા હોય તેમને એક જુદી થાળીમાં મૂકતા જાવ. વધેલા લોટને માવાના લૂઆ સાથે ભેળવી ઉપર મુજબ જ વણીને ચોરસ કકડા કરો. આ રીતે સમગ્ર મિશ્રણના ટુકડા કરો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં મધ્યમ આંચે ચિત્રફળના ટુકડા લાલ રંગના થાય ત્યાં સુધી તળો. તળતી વખતે ટુકડા તૂટી ન જાય તેનું ધ્યાન રાખો. આદરમિયાન તપેલીમાં ખાંડ અને પાણી ઉકાળીને એકતારી ચાસણી બનાવો. ચિત્રકૂટના તળેલા ટુકડાને સહેજ ગરમ ચાસણીમાં બોળી રાખો. બે-ત્રણ કલાક પછી ચાસણીમાં ગુલાબજળ નાખી તેમને બરોબર ભેળવી દો. તેમાંથી ચિત્રકૂટ એક ડિશમાં કાઢી શક્કરટેટીનાં બીથી સજાવટ કરો. જો ઇચ્છા હોય તો દરેક ચિત્રકૂટની મધ્યમાં એક ટૂથપિક (નાની રાળી) ખોસી દો, જેથી ખાવામાં સરળતા રહે.
માવાનું ફૂલકું
સામગ્રી: એક કિલો માવો, ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ, એક નાની ચમચી એલચીનો ભૂકો, ૨૫ ગ્રામ બદામ, ૨૫ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ પિસ્તા, ૨૫ ગ્રામ ચારોળી, થોડોક લાલ, પીળો, લીલો ખાવાનો રંગ કેટલાક કાગળના કપ.
રીત : સૌ પ્રથમ બધા મેવાને જુદા-જુદા આછા બદામી રંગના થાય ત્યાં સુધી શેકો, તેમના પ્રમાણસર નાના ટુકડા કરો અને પરસ્પર મિક્સ કરો.
માવાને સહેજ શેક્યા બાદ તે ઠંડો થાય એટલા તેમાં દળેલી ખાંડ ભેળવી તેના એકસરખા ત્રણ ભાગ કરો. હવે એક ભાગમાં લીલો, બીજા ભાગમાં પીળો અને ત્રીજા ભાગમાં લાલ રંગ ભેળવો. દરેક રંગના માવાના જુદા-જુદા ભાગમાંથી લીંબુ જેવડા ગોળા બનાવો અને તેમને વાડકી જેવો (ચિહ્નમાં દર્શાવ્યા મુજબ) આકાર આપો. દરેક વાડકીમાં અંગૂઠાથી નાનો ખાડો કરો. આ રીતે ત્રણે રંગના માવાની વાડકીઓ બનાવી દરેકમાં થોડો-થોડો સૂકો મેવો ભરતા જાવ. સવિંગ ડિશમાં ત્રણે રંગની વાડકીઓ સુંદર રીતે સજાવી મહેમાનનં સ્વાગત કરો.
મિલ્ક શેક
સામગ્રી : ૫૦૦ મિ.લી. દૂધ, ૫૦ ગ્રા ખાંડ, બે મોટા ચમચા આઇસક્રીમ, એસન્સ અને રંગ.
રીત : દૂધ અને ખાંડ મિક્સરમાં નાખી એકરસ કરો. પછી તેમાં થોડાં ટીપાં એસેન્સ અને રંગ ભેળવો. ગ્લાસમાં ભરીને એમાં બે ચમચા આઇસક્રીમ ભેળવો. તમારા માટે ઘટ્ટ મિલ્કશેક તૈયાર છે.

- બુંદીના લાડુ
સામગ્રી : ૧૧૫ ગ્રામ ચણાનો લોટ, ચપટી ખાવાના સોડા, ૧૧૫ ગ્રામ ખાંડ, ૬૦ મિ.લી. પાણી, ૨૦ ગ્રામ પિસ્તાની કતરણ, કેસર, એલચીનું એસન્સ અને કેસરી રંગ. તળવા માટે ઘી અથવા તેલ.
રીત : ચણાના લોટમાં પાણી અને સોડા મેળવીને પાતળું ખીરું તૈયાર કરો. એમાં થોડો કેસરી રંગ ભેળવો. હવે કડાઈમાં ઘી ગરમ કરો. હવે બુંદી પાડવાના ઝારાને કડાઈથી સહેજ ઊંચે પકડી રાખીને એના પર થોડું ખીરું રેડો. પછી હળવા હાથે ધીમે-ધીમે બુંદી પાડવી શરૂ કરો. બુંદીને એકાદ-બે મિનિટ સુધી તળો. આ રીતે બધી બુંદી તળી લો.
પછી છ ચમચા પાણીમાં ખાંડ નાખીને એની બે-તારી ચાસણી બનાવો. હવે તળેલી બુંદીને ચાસણીમાં નાખો. એમાં કેસર, એલચીનું એસન્સ અને પિસ્તાં નાખો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ એના લાડુ બનાવી લો. જો તમારી ઇચ્છા હોય તો તમે ચાંદીનાં વરખ પમ લગાવી શકો.

- લવિંગ બુંદી
સામગ્રી : ૪૦૦ ગ્રામ બુંદી, ૩૦૦ ગ્રામ દળેલી ખાંડ, ૫૦ ગ્રામ નારિયેળનું છીણ, ૭-૮ લવિંગનો ભૂકો, ૧ નાની ચમચી એલચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો, બે નાની ચમચી ઘી.
રીત : પહેલાં નારિયેળનું છીણ તથા એલચીના ભૂકાને પરસ્પર ભેળવી દો. ઘી ગરમ કરી તેમાં લવિંગનો બૂકો સાંતળી બુંદી નાખો. બુંદી બરોબર ગરમ થઈ જાય ત્યાં સુધી તેને સાંતળી તેમાં જાયફળ નાખો અને છેલ્લે દળેલી ખાંડ મિક્સ કરી ભેળવી દો.
નોંધ : ઘરે પણ ચણાના લોટમાંથી બુંદી બનાવીને દળેલી ખાંડમાં ભેળવી શકો છે.
મલાઈની બદામ
સામગ્રી : ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ સોજી, ૨૫૦ ગ્રામ ખાંડ, ૨૦૦ ગ્રામ ક્રીમ અથવા મલાઈ, ૨-૩ મોટી એલચી, ચપટી કેસર, તળવા માટે ઘી.
રીત : ખાંડમાં એક નાનો કપ પાણી નાખી અને તેને ઉકાળી બેતારી ચાસણી બનાવો. થોડા પાણીમાં કેસર ઓગાળી તેને ચાસણીમાં સારી રીતે ભેળવી દો. કેસર ન નાખવા ઇચ્છતાં હો તો ખાવાનો પીળો રંગ પણ વાપરી શકાય. એક થાળીમાં મેંદો, સોજી, મલાઈ અને ચાર મોટી ચમચી ઓગળેલું ઘી નાખી પાણીથી આ મિશ્રણનો કઠણ લોટ બાંધો. ત્યાર બાદ આ લોટના નાના-નાના લૂઆ કરી હાથથી એને બદામનો આકાર આપો. આ બદામને ગરમ ઘીમાં તળી ચાસણીમાં નાખો બે-ત્રણ કલાકમાં બદામ ચાસણી શોષી લેશે. ત્યાર બાદ મહેમાનોને પીરસો.
ત્રિવેણી સંદેશ
સામગ્રી : ૭૫૦ ગ્રામ ઘેર બનાવેલું પનીર, ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ, બે મોટી ચમચી બદામની બારીક કતરણ, મોટી ચમચી પિસ્તાની કતરણ, બે મોટી ચમચી કિશમિશ અથવા ચારોળી, થોડોક ખાવાનો પીળો અને લાલ રંગ, ૧ નાની ચમચી એલચીનો ભૂકો.
રીત : પનીરમાં થોડી-થોડી ખાંડ નાખતા જઈ એ ચીકાશ પકડે ત્યાં સુધી મસળો, જ્યારે પનીરમાં બધી ખાંડ ઓગળી જાય અને પનીર ચીકણું થાય ત્યારે તેના એક સરખા ત્રણ ભાગ કરો.એક ભાગમાં પીળો બીજા ભાગમાંલાલ રંગ ભેળવો. ત્રીજો ભાગ સફેદ જ રહેવા દો. એક ટ્રેમાં સહેજ ચીકણો હાથ કરી સૌથી નીચે લાલ પનીરનો થર કરો.
થર વધારે પડતો પાતળો ન થવો જોઈએ. એના ઉપર બદામની કતરણ ફરી તેના પર પિસ્તાંની કતરણ અને એલચીનો ભૂકો ભભરાવો. ત્યાર બાદ સફેદ પનીરનો ઘર કરી કિશમિશ અથવા ચારોળીથી સજાવો અને પનીરના ત્રણે થરને હળવા હાથે દબાવી ફ્રીજમાં મૂકી દો.જેથી એ બરોબર જામી જાય. પીરસતા પહેલાં કટરથી મનગમતો આકાર આપો.
વરિયાણી મુઠિયા
સામગ્રી : ૨૫૦ ગ્રામ લોટ, ૧૫૦ ગ્રામ ગોળ, ૧/૨ નાની ચમચી જાડી વરિયાળી, મોણ નાખવા તથા તળવા માટે તેલ, પાણી.
રીત : ગોળના નાના-નાના ટુકડા કરી પાણીમાં પલાળો. પાણી ગોળ ઓગળે એટલું જ નાખવું.
ગોળ ઓગળી ગયા પછી તેને ગાળી લો. હવે લોટમાં બે મોટી ચમચી તેલ અને વરિયાળી નાખો. પછી ગોળના મિશ્રણથી કઠણ લોટ બાંધો ઘી વાળો હાથ કરી લોટમાંથી નાના-નાના લૂઆ બનાવો. આ લૂઆને હળવા હાથે દબાવીને નાના-નાના મુઠિયાં જેવા વાળી રાખી દો.
એથી લૂઆ ઉપર સુંદર ડિઝાઇન જેવું બની જશે. હવે તેલ ગરમ કરી આ મુઠિયાં બદામી રંગના તળી લો. આ ખજૂર લાંબા સમય સુધી રાખી શકાય છે.
-હિમાની


