- ભવિષ્યમાં ગર્ભાધાનથી બચવા માટે અમારે શું કરવું જોઈએ? મારા પતિ ઘણીવાર મને ગર્ભનિરોધક ગોળીઓ શરૂ કરવાની સલાહ આપે છે. શું આવી ગોળીઓ લેવી મારા માટે ઉચિત રહેશે?
પ્રશ્ન : હું ૨૨ વર્ષની યુવતી છું. થોડાં જ સમયમાં મારાં લગ્ન થવાનાં છે. હું ઘણી પાતળી છું અને વજન માત્ર ૪૩ કિ.ગ્રા. છે. મારા સ્તનનો આકાર પણ ઘણો નાનો છે.
હું ૧૨ વર્ષની ઉંમરથી આત્મસંતોષ માટે હસ્તમૈથુનનો સહારો લેતી આવી છું. ક્યાંક મારી સમસ્યા તેની સાથે તો સંકળાયેલી નથી ને? મારા લગ્નજીવનમાં આના કારણે કોઈ મુશ્કેલી તો ઊભી નહીં થાય ને? શું કોઈ વ્યાયામ કે ઘરગથ્થુ ઉપચાર દ્વારા સ્તનનું કદ વધારી શકાય?
એક યુવતી (મુંબઈ)
ઉત્તર : યુવાવસ્થામાં જાતીય તાણથી છુટકારો મેળવવા માટે હસ્તમૈથુન એક સરળ અને સ્વાભાવિક ઉપાય છે. સમસ્યા એ છે કે કેટલાક ઊંટવૈદ્યોએ તેને રોગ ગણાવી તેના વિશે ગેરમાર્ગે દોરનારી વાતો સમાજમાં ફેલાવી છે. તેનાથી મન ઘણીવાર આત્મગ્લાનિથી ભરાઈ જાય છે અને સામાન્ય જાતીય જીવન કોઈ કારણ વિના નકામું બની જાય છે. તમે આ નિરાધાર ચિંતા અને ગેરસમજથી તમારી જાતને દૂર રાખો.
જ્યાં સુધી શરીરનું કદ અને સ્તનના આકારનો પ્રશ્ન છે, તે દરેકમાં સ્વભાવગત હોય છે. જેમ જેમ તમારી ઉંમર વધશે તેમ તેમ તમારું વજન પણ વધે તેની શક્યતા રહેલી છે. લગ્ન બાદ માતા બન્યા પછી સ્તનના આકારમાં પણ કુદરતી રીતે વધારો થશે.
હજુ સુધી એવા કોઈ ક્રીમ, દવા કે વ્યાયામની શોધ નથી થઈ જે સ્તનના આકારને વધારી શકે, તેનો અર્થ એ નથી કે તમારે વ્યાયામ ન કરવો.
નિયમિત વ્યાયામ કરવાથી તમે તમારા વ્યક્તિત્વ અને આકર્ષણમાં વધારો કરી શકો છો. ફેફસાંના સ્નાયુઓને મજબૂત કરનાર વ્યાયામ કરવાથી સ્તનના ઉભારમાં પણ થોડોઘણો વધારો કરી શકાય છે.
જોકે, અખબાર અને મેગેઝિનમાં એવી ઘણી દવાઓ અને ક્રીમની જાહેરાત છપાય છે. જે આ વાતનો દાવો કરે છે કે તેમની દવાના ઉપયોગથી સ્તનના આકારમાં વધારો કરી શકાય છે, પરંતુ તેમાં કોઈ સચ્ચાઈ હોતી નથી.
પ્રશ્ન : હું ૨૯ વર્ષનો પરિણીતા છું. મારે પાંચ વર્ષનો પુત્ર અને આઠ મહિનાની પુત્રી છે. બંને બાળકો સિઝેરિયનથી થયાં છે. હવે અમને બીજું બાળક નથી જોઈતું. પુત્રીજન્મ પછી થોડા અઠવાડિયા સુધી મને સામાન્ય રક્તસ્ત્રાવ થયો હતો ત્યારપછી ફરીથી માસિકધર્મ ચાલુ થયો નથી.
દરમિયાન અમે પતિપત્નીએ કોઈ ગર્ભનિરોધક પદ્ધતિ પણ અપવાની નહીં. ડર લાગે છે કે ક્યાંક ફરીથી ગર્ભધારણ તો નથી થયો ને? શું મારે પ્રેગનન્સી ટેસ્ટ કરાવવો જોઈએ? ભવિષ્યમાં ગર્ભાધાનથી બચવા માટે અમારે શું કરવું જોઈએ? મારા પતિ ઘણીવાર મને ગર્ભનિરોધક ગોળીઓ શરૂ કરવાની સલાહ આપે છે. શું આવી ગોળીઓ લેવી મારા માટે ઉચિત રહેશે?
એક પત્ની (ગોધરા)
ઉત્તર : સંતાનપ્રાપ્તિ પછી જ્યાંસુધી માતા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યાં સુધી મોટાભાગે માસિકધર્મ શરૂ થતો નથી. આ બાબત શરૂઆતના છ-આઠ મહિના સુધી ખાસ લાગુ પડે છે. તેમ છતાં જ્યારે તમારા મનમાં એવી શંકા જાગી છે કે ક્યાંક ફરીથી ગર્ભધાન નથી થયું ને તો ઉચિત એ જ રહેશે કે તમે એકવાર તમારો પ્રેગનન્સી ટેસ્ટ કરાવી લો.
સાથોસાથ ભવિષ્યમાં ગર્ભાધાનથી બચવા માટે ગર્ભનિરોધક પદ્ધતિ અપનાવો. જ્યાં સુધી તમારી પુત્રીને તમે સ્તનપાન કરાવી રહ્યા છો ત્યાં સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવી ઉચિત નથી. દરમિયાન તમારા પતિ ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે. જ્યારે તમે બાળકને સ્તનપાન કરાવવાનું બંધ કરો ત્યારે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું વિચારી શકો છો, પરંતુ તે વખતે પણ ડોક્ટરની સલાહ જરૂર લેવી.
ગર્ભનિરોધક ગોળીઓ દરેકને માફક આવતી નથી. ઘણીવાર તેની આડઅસર પણ થાય છે. તેથી કોઈપણ સ્ત્રીએ મેડિકલ ચેકઅપ કરાવ્યાં વિના એ ન લેવી જોઈએ.
હું ૫૪ વર્ષની મહિલા છું. મારા જમણા કાન પાસે બાળપણથી એક બ્લૂ કાળો તલ છે. છેલ્લા થોડા દિવસથી મને લાગી રહ્યું છે કે આ તલ સાઈઝમાં થોડો મોટો થઈ ગયો છે. શું આ કોઈ જોખમનું લક્ષણ તો નથી ને? મારી એક સાહેલીનું કહેવું છે કે ક્યારેક-ક્યારેક તલમાં કેન્સર પણ થઈ શકે છે. શું આ વાત સાચી છે? મારે શું કરવું જોઈએ?
--એક યુવતી (ભાવનગર)
આ વાત સાચી છે કે તલ જો ૧ સેન્ટિમીટરથી મોટો હોય અને તેના રંગમાં બદલાવ દેખાવા લાગે, તેમાં ખંજવાળ આવવા લાગે, સોજો આવી જાય અથવા તેમાંથી લોહી વહેવા લાગે, તો તેની કોઈ સારા સર્જન પાસે તપાસ અચૂક કરાવી લેવી જોઈએ.
લાંબા અભ્યાસના પરિણામ પરથી એ તારણ કાઢવામાં આવ્યું છે કે જે લોકોને તલ હોય છે, તેમાં ૩૦૦૦ લોકોમાંથી ૧ પુરુષમાં અને ૧૦,૮૦૦ લોકોમાંથી ૧ મહિલા કે જેને તલ હોય તેના તલમાં મેલેનોમા નામના કેન્સરની શક્યતા રહે છે.
જો તે શરૂઆતમાં જ ઓપરેશન કરાવીને તલને મૂળમાંથી દૂર કરાવી દે તો આ સમસ્યાથી બચી શકાય છે. જ્યારે મોડું કરતા અને મેલેનોમા શરીરમાં ફેલાવાથી આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
- અનિતા


