- મારે 10 મહિનાનો દીકરો છે. અમે 3-4 વર્ષ પછી જ બીજું બાળક ઈચ્છીએ છીએ, આ માટે કયો ઉપાય યોગ્ય ગણાશે?
મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારે ૧૦ મહિનાનો એક દીકરો છે. હું અને મારા પતિ ૩-૪ વર્ષ પછી જ બીજું બાળક ઈચ્છીએ છીએ, આ માટે કયોે ઉપાય યોગ્ય ગણાશે? એકવાર દૂરદર્શન પરના કાર્યક્રમમાં એક ડોક્ટરે જણાવ્યું હતું કે કોપર-ટી મુકાવવાથી કેન્સરની શક્યતા વધી જાય છે. આ વાત સાચી છે? યોગ્ય સલાહ આપશો.
એક યુવતી(વલસાડ)
* કોપર-ટી મુકાવવાથી શરીરના કોઈ અંગમાં કેન્સર થઈ શકે છે, એ શંકા તદ્ન પાયા વિનાની છે. હા, કોઈ કેસમાં એનાથી બીજી તકલીફો ઊભી થતી હોય છે, તેવું જણાયું છે. જેમ કે કોઈને વધારે માસિક આવવું, કોઈને પેટની નીચેના ભાગમાં દુખાવો રહેવો વગેરે.... પરંતુ મોટા ભાગના કેસોમાં આ તકલીફો લાંબુ ટકતી નથી. થોડા દિવસોમાં જ તે દૂર થઈ જાય છે. જો તમે પૂરેપૂરા તંદુરસ્ત હો, ગર્ભાશયમાં કોઈ જાતનો ચેપ, સોજો કે ગાંઠ ન હોય, તો મારા મતે કોપર-ટી તમારા માટે ગર્ભનિરોધનો સૌથી સારો ઉપાય સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, અગાઉ તમારું સીઝેરિયન ઓપરેશન ન થયું હોવું જોઈએ અને ગર્ભાશયને બદલે ગર્ભ સ્થિર થવાના (એક્ટોપિક પ્રેગનન્સી) સંકટમાંથી તમે પસાર થયાં ન હોવા જોઈએ.
બે બાળક વચ્ચે અંતર રાખવાનું અત્યાર સુધીનું સૌથી સરળ સાધન કોપર-ટી છે. એની ઘણી વિશેષતાઓ છે. પહેલી એ કે સમાગમ સુખમાં કોઈ પણ રીતે અડચણરૂપ નથી. બીજું એ કે તે ૯૫ થી ૯૭ ટકા વિશ્વસનીય છે. ત્રીજું એ કે કોપર-ટી કાઢી નાખ્યા પછી પ્રજનન ક્ષમતા બહુ જલદી સામાન્ય થઈ જાય છે. લગભગ ૯૦ ટકા મહિલાઓ કોપર-ટી કઢાવી નાખ્યા પછી એક વર્ષમાં જ સગર્ભા થઈ શકે છે. ચોથી ખાસ વિશેષતા એ છે કે એકવાર તેને મુકાવ્યા પછી વારે ઘડીએ ડોક્ટર પાસે દોડવું નથી પડતું. શરૂમાં એક મહિના બાદ અને પછી બે વર્ષ સુધી વર્ષમાં એક વાર તપાસ કરાવવાની હોય છે.
હું ૧૫ વર્ષની કિશોરી છું. મને દર મહિને ૬ દિવસ માટે પેશાબની સાથે લોહી આવે છે. આ સમયમાં તે જગ્યાએ બહુ દુખાવો થાય છે. પરંતુ છ દિવસ પછી બધુ બરાબર થઈ જાય છે. છેલ્લાં બે વર્ષથી આવું થાય છે. મમ્મી-પપ્પાને કહી નથી શકતી. મને પોતાને જ નથી સૂઝતું કે આ કયો રોગ છે. હું બહુ પરેશાન છું. તમે જ કહો કે હું શું કરું?
એક કન્યા(વડોદરા)
* તમને કોઈ જ રોગ નથી. તમારી સમસ્યાનું મૂળ તમારું અજ્ઞાન છે. જેને તમે રોગ સમજો છો, તે હકીકતમાં તમે મોટા થયા હોવાનું લક્ષણ છે. ૧૨ થી ૧૫ વર્ષની ઉંમરથી દરેક નીરોગી છોકરીને દર મહિને ૩ થી ૫ દિવસ આવું લોહી આવે છે, જેને માસિક કહે છે. આ માસિક આવવાનું ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર સુધી દર મહિને ચાલુ રહે છે. ફક્ત સગર્ભા અવસ્થામાં અથવા કોઈ વિકાર આવી જવાથી તે અવરોધાય છે અને તે બંધ થઈ જાય છે. આ એ વાતનું લક્ષણ છે કે કન્યાના જનનઅંગ વિકસી રહ્યાં છે અને તે ગર્ભધારણ કરી શકે છે. દર મહિને ચાલતું આ ચક્ર માસિકધર્મ, માસિક સ્ત્રાવ વગેરે નામે ઓળખાય છે.
તમે પંદર વર્ષના થયા તો પણ આ વિશે કશું જાણતા નથી. એ જ દર્શાવે છે કે તમને ન તો કોઈએ કંઈ સમજાવ્યું છે કે ન તો તમે આ વિશે કંઈ વાંચ્યું છે. આ અજ્ઞાન તમારા ભાવિ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ માટે તમે સ્કૂલની લાઈબ્રેરીમાંથી આ વિષયનું સારું પુસ્તક લઈ વાંચો. સ્ત્રીના શારીરિક વિકાસ વિશે સારા સારા ડોક્ટરોએ લખેલાં પુસ્તકો પણ બજારમાં મળે છે.
હું ૧૮ વર્ષનો યુવક છું. મને છેલ્લા દોઢેક વર્ષથી સ્વપ્નદોષ થયા કરે છે. બહુ દવાઓ લીધી, પણ કંઈ જ ફાયદોે નથી. મહિનામાં ત્રણ-ચાર વાર સ્વપ્નદોષ થઈ જાય છે. અમદાવાદનાં કોઈ સારા સેક્સ સ્પેશ્યાલિસ્ટનું સરનામું આપો, જ્યાં હું મારો ઈલાજ સારી રીતે કરાવી શકું.
એક યુવક(અમદાવાદ)
* ઉંઘમાં આપોઆપ વીર્ય બહાર નીકળી જાય એ કોઈ પ્રકારનો રોગ નથી, એટલે તમે એની ચિંતા ન કરો. આ તો એ વાતની સાબિતી છે કે તમે યુવાન થઈ ગયા છો.
હકીકત તો એ છે કે આનો સંબંધ શારીરિક ઉત્તેજના જગાડતાં સપનાં સાથે હોય છે. યુવાનવયે આવાં સપનાં આવવા સામાન્ છે. દરેક સ્વસ્થ પુરુષ ઘણી વખત આનો અનુભવ કરે છે અને તેથી તબિયત પર એની કોઈ ખરાબ અસર પડતી નથી.
કેટલાક મનોવૈજ્ઞાનિકના મતે આ આપણા મનમાં ઉઠતાં યૌન વિચારોથી ઉત્પન્ન તાણ શમાવવાની કુદરતી રીત છે તમારે આને જીવનની એક સામાન્ય બાબત સમજી સ્વીકારી લેવું જોઈએ.
- અનિતા


