- મારે મારા પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો. હું મારા પતિને પણ છોડવા નથી ઇચ્છતી. મને એમના તરફથી શારીરિક અને આર્થિક રીતે સંતોષ છે, પરંતુ હું એમની સાથે ભાવનાત્મક રીતે તાદાત્મય સાધી શકતી નથી. કોઇ માર્ગ બતાવશો?
પ્રશ્ન: હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લા એકાદ વર્ષથી મારાં બંને સ્તનમાંથી સતત દૂધ નીકળે છે. મેં કોઇ કુકર્મ કર્યું નથી. એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદ વગેરે તમામ પ્રકારની દવાઓ લઇ જોઇ, છતાં કોઇ ફેર પડયો નથી. ઘરમાં ગેરસમજ ઊભી ન થાય એ માટે કોઇને વાત પણ કરી શકતી નથી. ડૉક્ટરનું કહેવું છે કે આનું કારણ હોર્મોન્સમાં થતાં ફેરફાર હશે. જોકે મને નિયમિત માસિકસ્ત્રાવ આવે છે, તમારા મતે આમ થવાનું કારણ શું હોઇ શકે? શું આની કોઇ દવા નથી? હું અત્યંત ચિંતિત છું. આજકાલ ઘરમાં મારા લગ્નની વાતો પણ ચાલે છે. શું કરું.
એક બહેન (વડોદરા)
જવાબ: તમારા પત્ર પરથી એમ લાગે છે કે, તમને 'ગૈલેક્ટોરિયા' નામનો રોગ થયેલ છે. 'ગૈલેક્ટોરિયા' થવાનાં અનેક કારણો હોઇ શકે છે. એમાં 'પ્રોલેક્ટિન' નામના હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે. તમને આમ શામાટે થાય છે, એ જાણવા માટે ડૉક્ટરી તપાસની સાથોસાથ હોર્મોન્સની તપાસ પણ કરાવવી જરૂરી છે. થાઇરોડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરતી હોય, પીયૂષગ્રંથિ અંગેની કોઇ મુશ્કેલી હોય અથવા વિશિષ્ટ પ્રકારની રસોળી વગેરે કારણો એના માટે જવાબદાર હોઇ શકે છે. હોર્મોન્સ અંગેની તપાસ કર્યા પછી જ યોગ્ય રીતે સારવાર થઇ શકે. જોકે સામાન્ય રીતે 'બ્રામોક્રિપ્ટન' નામની દવાથી પ્રોલેક્ટિનનું પ્રમાણ નિયંત્રિત કરીને આ રોગને અમુક અંશે કાબૂમાં લઇ શકાય.
મારા મતે તમારે કોઇ કુશળ ઇંડોક્રાઇનોલોજિસ્ટની સલાહ લેવી જોઇએ. આ માટે તમારા માતા-પિતાને વિશ્વાસમાં લઇને તેમને વાત કરો. જ્યાં સુધી આ મુશ્કેલીનો ઉકેલ ન આવે, ત્યાં સુધી લગ્ન ન કરો એ વધારે સારું રહેશે. સમસ્યાનો ઇલાજ છે, માટે નિરાશ થવાની જરૂર નથી.
પ્રશ્ન: હું વીસ વર્ષની પરિણીત યુવતી છું. મારાં લગ્ન થયે પાંચ મહિના જ થયા છે. છતાં મને હજી સુધી સહવાસ દરમ્યાન સુખ નથી મળ્યું. તેમજ ક્યારેય સહવાસની ઇચ્છા પણ થતી નથી. લગ્ન પહેલાં મને પ્રદર અને પ્રમેહની બીમારી હતી. મને મનોમન એ ડર પણ છે કે, ક્યાંક પતિને એનો ચેપ ન લાગી જાય. શું આ રીતે કોઇ જાતની રુચિ વિના સહવાસ કરવાથી હું ગર્ભવતી થઇ શકીશ?
એક બહેન (અમદાવાદ)
ઉત્તર: સહવાસ પ્રત્યે અરૂચિ થવા પાછળ ચોક્કસ કોઇ માનસિક કારણ હશે જ. એક કારણની જાણ તો તમારા પત્ર દ્વારા જ થઇ છે કે, તમને શંકા છે કે તમારા પતિને પ્રદરનો ચેપ તો નહીં લાગે ને? સહવાસમાં પૂર્ણ આનંદ મેળવવા માટે તમે માનસિક રીતે એમાં રુચિ દાખવો એ અત્યંત જરૂરી છે. સહવાસ દરમ્યાન મનમાંથી ચિંતા અને શંકા દૂર કરી દો અને એ દરમ્યાન કોઇ પણ પ્રકારનું વિધ્ન ઉત્પન્ન ન થાય કે તેની આશંકા પણ ન થાય, એ વાતનું ધ્યાન રાખો.
તમારા પતિને ચેપ લાગી જશે, એ શંકા તમારા મનમાંથી દૂર કરવા માટે તમારા ડૉક્ટરની તપાસ કરાવો અને જરૂર લાગે તો દવા પણ કરાવો. ત્યાર પછી નિશ્ચિત મને સહવાસનો આનંદ માણો. હવે ગર્ભ રહેવાની વાત કરીએ તો, આ પરિસ્થિતિમાં પણ ગર્ભ તો રહી શકે છે. કારણ કે આ તો માત્ર એક ભૌતિક ક્રિયા છે, જેનો મન સાથે કોઇ સંબંધ નથી. જ્યારે આનંદ એક એવી અનુભૂતિ છે, જેનો સંબંધ શરીર કરતાં મન સાથે વધુ છે.
પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીત અને એક દીકરીની માતા છું. મારા પતિ મારાથી ૧૫-૧૬ વર્ષ મોટા છે તેમજ દેખાવડા પણ નથી. મારાં લગ્ન મારી પસંદગીથી થયાં નથી, પરંતુ આ દરમ્યાન મારે મારા પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો. હું મારા પતિને પણ છોડવા નથી ઇચ્છતી. મને એમના તરફથી શારીરિક અને આર્થિક રીતે સંતોષ છે, પરંતુ હું એમની સાથે ભાવનાત્મક રીતે તાદાત્મય સાધી શકતી નથી. કોઇ માર્ગ બતાવશો?
એક બહેન ( પાલીતાણા)
જવાબ: હવે તમે પુખ્ત વયનાં છો અને સારાખોટાનો ભેદ સમજી શકો તેમ છો. તમે જે માર્ગ અપનાવ્યો છે એ તમારા હિતમાં નથી, એનો ખ્યાલ તમને હોવો જોઇએ. તમે તમારા સુખી અને સંપન્ન દામ્પત્યજીવન પ્રત્યે વધુ ધ્યાન આપો. આવા અનૈતિક સંબંધો દુ:ખદાયી જ હોય છે.
- અનિતા


