મૂંઝવણ .
- મારી આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા છે. આ કુંડાળા દૂર કરવા કોઈ ઉપાય બતાવવા વિનંતી.
* મારી ઊંમર ૫૨ વર્ષની છે. ત્રણ વર્ષ પહેલાં મારું માસિક બંધ થઈ ગયું છે. પરંતુ હમણાં પાછો રક્તસ્ત્રાવ શરૂ થયો છે. આનું કારણ શું હશે?
મંદા દાણી (નડીયાદ)
* માસિક બંધ થયા પછી રક્તસ્ત્રાવ થાય તેને પોસ્ટ મેનેપોઝ બ્લિડીંગ કહે છે. આના અનેક કારણો હોય છે. ગર્ભાશયના કેન્સરને કારણે પણ આમ થઈ શકે છે. આથી તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જરૂર છે. રોગનું નિદાન થતાં સારવાર આપવામાં સરળતા પડશે.
* છેલ્લા ૧૫ વર્ષથી મને રોજ ૧૫-૨૦ સિગારેટ પીવાની આદત છે. આ ઉપરાંત રોજ ત્રણ-ચાર પેગ વ્હિસ્કી પણ લઉ છું. છેલ્લાં કેટલાંક વર્ષથી મારા માથામાં દુ:ખાવો રહે છે. મેં ઘણી સારવાર કરી પરંતુ કોઈ ફાયદો થતો નથી.
રાજેન મિસ્ત્રી (વડોદરા)
* વધુ માત્રામાં સિગારેટ અને શરાબનું સેવન જ તમારી સમસ્યાનું કારણ છે. દર્દ નિવારક ગોળીઓ ગળવા કરતાં સિગારેટ અને શરાબ બંધ કરી દો. આરામ મળે તો આ બંને જ કારણભૂત છે એમ સમજવું. આ ઉપરાંત કોઈ નિષ્ણાતની સલાહ લઈ સી.ટી.સ્કેન કરાવો. માથાના દુ:ખાવાનું અન્ય કારણ હાઈ બ્લડપ્રેશર પણ હોઈ શકે છે.
* મારી વય ૬૫ વર્ષની છે. હું શુધ્ધ શાકાહારી છું. મને માત્ર સિગારેટ પીવાની જ આદત છે. છેલ્લાં બે મહિનાથી મને અનિદ્રાની સમસ્યા સતાવે છે. શરૂઆતમાં કામ્પોઝ (૫ મિ.ગ્રા) લેવાથી ઊંઘ આવતી હતી. પરંતુ હવે આ ગોળી લેવાથી પણ ઊંઘ આવતી નથી. આનો ઉપાય બતાવવા વિનંતી.
માધવ મહેતા (જામનગર)
* વધુ પડતી ઊંઘની ગોળીઓ આરોગ્ય માટે જોખમી છે. આથી ઊંઘની ગોળીઓ પર આધાર રાખવાનું બંધ કરી કુદરતી રીતે ઊંઘ આવે એવો પ્રયત્ન કરો. અનિદ્રાનું કારણ હાઈબ્લડપ્રેશર પણ હોઈ શકે છે. આથી વખતોવખત તમારું બ્લડપ્રેશર ચેક કરવાનું રાખો.
* મારી ઊંમર ૧૬ વર્ષની છે. મારી આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા છે. આ કુંડાળા દૂર કરવા કોઈ ઉપાય બતાવવા વિનંતી.
પ્રિયા પટેલ (નડીયાદ)
* માનસિક તણાવને કારણે આંખો નીચે કાળા કુંડાળા પડી શકે છે. આ ઉપરાંત અનિદ્રા તેમજ પોષ્ટિક ખોરાક ન લેવાને કારણે પણ આ તકલીફ થઈ શકે છે. તમે નિયમિત વ્યાયામ કરવાનું રાખો. આહારમાં દૂધ, દહીં, તાજાં લીલાં શાકભાજીનો સમાવેશ કરો. ઓછામાં ઓછાં આઠ કલાકની ઊંઘ જરૂરી છે. આનાથી ફરક ન પડે તો મેલાલાઈટ અને લૂસી ક્રીમને મિક્સ કરી આંખોની ચામડી નીચે લગાડો. પરંતુ આ ક્રીમ વાપરતાં પહેલાં ત્વચાના ડૉક્ટરની સલાહ લો.
* મારી ઊંમર ૨૬ વર્ષની છે. મને પાંચ મહિનાનો બાબો છે. મારે પાંચ વર્ષ સુધી બીજું બાળક જોઈતું નથી. આ કારણસર અમે કૉન્ડોમ વાપરીએ છીએ. પરંતુ અમને અસુવિધાનો સામનો કરવો પડે છે. આથી બીજી કોઈ ગર્ભનિરોધક પધ્ધતિ સૂચવવા વિનંતી.
વર્ષા પાઠક (મહેમદાબાદ)
* તમારે માટે શ્રેષ્ઠ વિકલ્પ કોપર ટી છે. આ સાધન મુકાવવાથી સંભોગ વખતે કૉન્ડોમ કે ગોળી વાપરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી રહેશે. આ ઉપરાંત માસિક ધર્મ પહેલાના પછીના આઠ દિવસો દરમિયાન સંભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી. પરંતુ આ પધ્ધતિ પણ ૧૦૦ ટકા સલામત નથી. આવી તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ તમને અનુકૂળ પડે તેવી પધ્ધતિ પસંદ કરો.
* મારી ઊંમર ૨૮ વર્ષની છે. મારા લગ્ન હાલમાં જ થયા છે. પરંતુ મને શિઘ્રપતનની સમસ્યા છે. આ કારણથી મને ઘણી ચિંતા રહે છે. મારી ચિંતા દૂર કરવાનો ઉપાય બતાવવા વિનંતી.
વિનોદ શાહ (અમદાવાદ)
* શિઘ્રપતનનું કારણ માનસિક નબળાઈ હોઈ શકે છે. આ વિષયમાં જેટલી વધુ ચિંતા કરશો. એટલી વધુ સમસ્યા અનુભવવી પડશે. કેટલીકવાર વધુ ઉત્તેજનાને કારણે પણ આમ થઈ શકે છે. દૂધ અને પોષ્ટિક આહાર લેવાનું રાખો. હળવો વ્યાયામ કરવાનું શરૂ કરો. દવાના રૂપમાં ચંદ્ર પળાવટી (શિલાજીતયુક્ત)ની બે-બે ગોળી દિવસમાં ત્રણવાર ૨-૩ મહિના સુધી દૂધ સાથે લેવાનું રાખો.
- અનિતા