મૂંઝવણ .
- મારા વૃષણની બે ગોળીમાંથી જમણી તરફની ગોળી સહેજ ઊપર અને ડાબી ગોળી નીચે છે.
હું એક મિલ કામદાર છું. પણ શરીરે સશક્ત છું, મારો પ્રશ્ન એ છે કે મારા વૃષણની બે ગોળીમાંથી જમણી તરફની ગોળી સહેજ ઊપર અને ડાબી ગોળી નીચે છે. વૃષણની થેલીના તળિયાને અડકતી. શું આ બધા પુરુષોમાં સામાન્ય નોર્મલ હોય છે?
- એક પુરુષ (અમદાવાદ)
* હા, બધામાં તે પ્રમાણે હોય છે. આવી ઉપર-નીચેની સ્થિતિને કારણે આ ગોળીઓ (ટેસ્ટિકલ્સ) દબાઈ જતી નથી. જ્યારે પુરુષના બંને પગ ભેગા થાય છે ત્યારે ગોળીઓ દબાઈ જવાનો સંભવ. તે ઉપર-નીચેના લેવલમાં હોવાથી આવો ભય રહેતો નથી. મોટા ભાગના પુરુષોમાં ડાબી ગોળી જમણી ગોળી કરતાં નીચેના લેવલમાં હોય છે. જો કે ડાબોડી પુરુષોમાં ઘણીવાર આ બાબત વિપરીત હોય છે. એટલે કે જમણી ગોળી ડાબી ગોળી કરતાં નીચેના લેવલમાં હોય છે.
મારા શિશ્નની સાઈઝ નાની છે, નોર્મલ સાઈઝ કેટલી હોવી જોઈએ? મારે પેનિસની સાઈઝ લાંબી કરવી છે. તે માટેના ઉપાયો બતાવશો.
એક યુવક
* હિપ્નોટિઝમ, કસરતો, ગોળીઓ, માલિશ માટેના ક્રીમ્સ, પંપ્સ, વિટામીન્સ, ઈન્જેક્શન્સ અથવા બીજી અનેક દવાઓ કે ઉપચારો જેની જાહેરાતો આવતી હોય છે તે - કોઈ પુખ્ત વયના પુરુષના પેનિસ (લિંગ-શિશ્ન)ની સાઈઝ વધારી શકે નહિ. વળી આમાંના કેટલાક ઉપાયો નુકસાનકારક નીવડે તે વધારામાં. દા.ત. પંપ દ્વારા પેનિસની સાઈઝ-લંબાઈ વધારવાના ઉપાયોથી ઉત્થાનમાં કારણભૂત ઈરેક્ટાઈલ ટિશ્યુને નુકસાન પહોેંચે છે. આ ટિશ્યુ ભંગુર (ભાંગી જાય તેવા, ફ્રેજાઈલ) હોય છે.
ઉત્થાન પામેલા પેનિસની એવરેજ સાઈઝ ૫ થી ૭ ઈંચની હોય છે, જે કામક્રિયા મૈથુનક્રિયા માટે જરૂર કરતાં પણ લાંબી કહેવાય. કામક્રિયામાં અને પ્રજોત્પત્તિમાં ખરેખર, ભાગ્યે જ, મુશ્કેલી ઊભી થાય છે. જો ઉત્થાન અવસ્થામાં લિંગની લંબાઈ બે ઈંચ કરતાં ઓછી હોય તો જ આવી મુશ્કેલીનો સંભવ છે. સુષુપ્ત અવસ્થામાં લિંગની સાઈઝ ઓછી હોય તે જરા પણ ચિંતાનો વિષય નથી. કિન્સે ઈન્સ્ટિયુટના આ ૧૯૯૦માં પ્રકાશિત થયેલાં ગ્રંથમાં અધિકૃત વિદ્વાને લખ્યું છે તે પ્રમાણે તો સુષુપ્ત અવસ્થામાં જે લિંગની સાઈઝ ઘણી નાની હોય તે સુષુપ્ત અવસ્થામાં મોટી સાઈઝ હોય તેવા લિંગની તુલનામાં ઉત્થાન પામે ત્યારે વધારે લંબાઈ ધારણ કરતાં હોય છે. માટે સુષુપ્ત અવસ્થામાં લિંગની નાની સાઈઝથી પુરુષ વાચકમિત્રો ચિંતા કરશો નહિ. અને ખાસ તો આ વિશે પ્રશ્નો પૂછ્યા કરશો નહીં.
સ્ત્રીઓની પસંદગી વધારે લાંબા પેનિસની હોય છે તે વાત સાચી?
- એક યુવક
* એક સર્વેક્ષણમાં ..... પુરુષોને પૂછવામાં આવ્યું કે તેમનો સ્ત્રીઓ વિશેનો શો અભિપ્રાય છે. અર્થાત્ સ્ત્રીઓને મન પુરુષો sexually attractive કયા કારણે હોય છે. પુુરુષોએ (હા, પુરુષોએ) જે જવાબ આપ્યો તેમાં તેમણે પ્રમુખ કારણ આપ્યું. લિંગની સાઈઝનું. પણ મિત્રો, આ તો લઘુતાની લાગણીથી પીડાતા પુરુષોએ કલ્પી લીધેલું કારણ હતું. પણ ઉક્ત સ્ટડીમાં સ્ત્રીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાં સ્ત્રીઓએ જે જવાબ આપ્યો તેમાં તેમને મન આકર્ષણના કારણો કયાં છે?
(૧) શરીરની દ્રઢ માંસલતા, (૨) સારી માવજત પામેલા વાળ, (૩) ચોખ્ખો ચહેરો, (૩) શુભ્ર દંતાવલી. આ ઉપરાંત બિનશારીરિક કારણો સ્ત્રીઓએ બતાવ્યાં, પુરુષ પ્રત્યેના આકર્ષણના, તેય જાણી લો. (૧) લાગણી અને વિચારોમાં સહભાગી બનવાની પુરુષની તત્પરતા, (૨) હાસ્ય માટેની સારી સેન્સ (૩) અને જીવનનો આધાર પામી શકાય તેવી પુરુષની ક્ષમતા.
ગ્રંથમાં આપેલા ઉત્તરમાં કહેવાયું છે કે કોઈ એવા વૈજ્ઞાાનિક સંશોધન દ્વારા સમર્થન મળ્યું નથી કે સ્ત્રીઓ, સામાન્ય રીતે, મૈથુન વખતે લાંબા શિશ્નને પસંદ કરે છે. બલકે એવું એક સંશોધન દ્વારા સૂચવાયું છે કે શયનસાથીના પેનિસની સાઈઝ બાબતમાં સ્ત્રીઓ કોઈ પરવા રાખતી નથી. યોનિમાં આરંભના બે ઈંચ જેટલા ભાગમાં જ કામોત્તેજક સંવેદના હોય છે. જે લિંગ આટલી લંબાઈ સુધી પહોંચી શકે તે વેજાઈનલ સ્ટિમ્યુલેશન (યોનિની કામોત્તેજના) માટે પર્યાપ્ત છે.
લાંબામાં લાંબી સાઈઝના પેનિસનો રેકોેર્ડ કેટલો નોંધાયો છે?
- એક પુરુષ (અમદાવાદ)
* વ્હેલ મત્સ્ય ( The blue Whale) સહુથી લાંબો પેનિસ ધરાવે છે તેવો રિપોર્ટ છે. તેની લંબાઈ લગભગ દસ ફૂટની નોંધાઈ છે. કોઈ મનુષ્યના લાંબામાં લાંબા પેનિસનો રેકોર્ડ ૧૩ ઈંચનો નોેંધાયો છે. વીસમી સદીના આરંભમાં સેક્સ વિશેના સંશોેધનમાં રસ ધરાવતા ડૉ.રોબર્ટ ડિકિન્સન નામના તબીબે આવી દસ્તાવેજી નોંધ લખી છે.
ઉત્ત્થાન વખતે પેનિસ નીચેની તરફ નમેલો રહે છે. તેને કારણે યોનિપ્રવેશ થઈ શકતો નથી અને મૈથુનક્રિયા થઈ શકતી નથી.
- એક ભાઈ (અમલસાડ)
* મોટાભાગના સ્વસ્થ પુરુષોમાં જરાક લિંગનો વળાંક ઉપર તરફ, નીચેની તરફ, કે ડાબી અથવા જમણી તરફ ઉત્થાનની અવસ્થામાં હોય છે. અર્થાત્ તે ઉપર તરફ વળેલી કે નીચે તરફ નમેલી સ્થિતિમાં હોય અથવા ડાબી કે જમણી બાજુ વળેલી સ્થિતિમાં હોય તેમાં કોઈ ખામી નથી. આવી સ્થિતિને કારણે મૈથુનક્રિયામાં અને તેનાથી પ્રાપ્ત થતા કામસુખમાં સ્ત્રી કે પુરુષને કોઈ બાધા આવતી નથી. પણ બહુ જ વિરલ કિસ્સામાં એવું હોઈ શકે કે શિશ્ન, ઉત્થાન અવસ્થામાં, નીચેની તરફ વળી ગયો હોય. આવી વિકૃતિને અંગ્રેજીમાં ચોર-ડી કહે છે. આવા વિકારનું કારણ આ પ્રમાણે હોય છે. મુત્રાશયમાંથી બહાર મૂત્રને લઈ આવતા મૂત્રમાર્ગને / મુૂત્રનલિકાને અંગ્રેજીમાં યુરેથા કહે છે. પેનિસની સાઈઝ કરતાં આ મૂત્રનલિકાની સાઈઝ ટૂંકી હોય ત્યારે આ ચોર-ડી સમસ્યા ઊભી થાય છે. પેનિસની ઉત્થાન અવસ્થામાં, મૂત્રનલિકાની લંબાઈ ઓછી હોવાથી, પેનિસ નીચે તરફ ઝૂકી જાય છે. જો મૂત્રનલિકાની લંબાઈ ઘણી નાની હોય તો બાલ્યાવસ્થાથી જ આ શારીરીક ખામી તરફ ધ્યાન જાય છે. નાની ઉંમર વટાવ્યા પછી પુખ્ત વયમાં પ્રવેશ થતાં પેનિસની સાઈઝ વધે છે. આ વખતે મૂત્રનલિકા ટૂંકી હોય તો તરત ધ્યાન ખેંચે છે.
આવી શારીરિક ખામી હોય તેમાં યુરોલોજિસ્ટ ડોક્ટરને પ્રત્યક્ષ મળીને તપાસ કરાવવી. આવી સમસ્યામાં સાચું નિદાન કરીને જરૂર લાગે તો શસ્ત્રક્રિયા દ્વારા યુરોલોજિસ્ટ સમસ્યાનું નિવારણ કરી શકે.