Get The App

મૂંઝવણ .

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- મારી સગાઈ મારી બહેનના દિયર સાથે થઈ હતી. મનમેળ વધતાં અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો. પછી મારા સાસરીવાળાંઓએ આ સંબંધ તોડી નાખ્યો.

પ્રશ્ન : હું ૧૯ વર્ષની યુવતી છું. ૨ વર્ષ પહેલાં મારી સગાઈ મારી બહેનના દિયર સાથે થઈ હતી. મનમેળ વધતાં અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો. પછી મારા સાસરીવાળાંઓએ આ સંબંધ તોડી નાખ્યો.

હવે મારાં લગ્ન બીજે નક્કી થયાં છે, પણ મને એ વાતનો ડર છે કે મારા ભાવિ પતિને મારાં લગ્ન પહેલાંનાં સંબંધોની જાણ થઈ જશે તો શું થશે?

એક યુવતી (વડોદરા)

ઉત્તર : લગ્ન પહેલાંના શારીરિક સંબંધ ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. તમારા પતિ તમારાં લગ્ન પહેલાનાં સંબંધો વિશે જાણી શકશે કે નહીં તે અત્યારે કેવી રીતે કહી શકાય? તમે આ બાબતે તેમને કંઈ ન કહો તે જ તમારા માટે વધુ સારું છે.

પ્રશ્ન : હું ૨૮ વર્ષનો બે બાળકોનો પિતા છું. લગ્નને ૫ વર્ષ થઈ ગયા હોવા છતાં પત્નીનું મન નથી જીતી શક્યો. હું એક સફળ વેપારી છું. પત્નીને તમામ સુખ આપું છું. તો પણ તે મારી કદર નથી કરતી. હંમેશાં તેના પિયરના જ ગુણગાન ગાયા કરે છે. તેના પિયરિયાં તો મારી આગળ કંઈ જ વિસાતમાં નથી. પત્નીના આવા વર્તનને લીધે ઘણી વાર થાય છે કે તેને છોડી દઉં, પણ બે નાનાં બાળકોનો વિચાર કરીને એને છોડી પણ નથી શકતો. શું મારી પત્ની કદી સુધરશે ખરી?

એક ભાઈ (વાપી)

ઉત્તર : તમારી પત્નીનાં આવા સ્વભાવ પાછળનું મુખ્ય કારણ તેની લઘુતાગ્રંથિ જ છે. વખત જતાં તેમનો સ્વભાવ બદલાય તેવું પણ બની શકે. પણ જ્યારે તમને ખબર છે કે તેમને ખોટી બડાશો હાંકવાની કુટેવ છે. તો પછી તમે તેનું માઠું શા માટે લગાડો છો? ધીરે ધીરે તમે આ બધાંથી ટેવાઈ જશો. માની લઈએ કે ને એક સારી પત્ની નથી બની શકી. પણ તે તમારાં બાળકોની માતા તો છે જ તે ન ભૂલી જાવ. માટે તેમને છોડવાનો વિચાર પણ છોડી દો.

પ્રશ્ન : હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ત્રણ વર્ષ થયાં છે અને એક બાળક પણ છે. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે. મારી દરેક ઈચ્છા પૂરી કરે છે, પણ છેલ્લા થોડા દિવસથી હું બહુ પરેશાન રહું છું. મને ક્યાંકથી ખબર પડી છે કે લગ્ન પહેલાં મારા પતિ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા. મને લાગે છે કે તેઓ હજુ પણ તે છોકરીને મળે છે. મેં પૂછ્યું તો તેમણે ના પાડી, પણ મારી શંકા દૂર થતી નથી. હું કેમ કરીને વિશ્વાસ કરું કે મારા પતિ ફક્ત મારા જ છે?

એક યુવતી (રાજકોટ)

ઉત્તર : માન્યું કે લગ્ન પહેલાં તમારા પતિને કોઈ છોકરી સાથે પ્રેમસંબંધ હતો. પણ તેથી તમે કેમ આટલા બધા ગભરાવ છો? હવે તો એ તમને પરણી ચૂક્યા છે અને તમે પોતે જ કહો છો કે એ તમને ખૂબ જ ચાહે છે તો પછી તમે તેમની પાસેથી કેવી ગેરંટી ઈચ્છો છો? લગ્નજીવનનો પાયો પતિપત્નીનાં એકબીજા પરના વિશ્વાસ પર જ ટકેલો હોય છે. જો તમારા પતિ એમ કહેતા હોય કે હવે પેલી છોકરી સાથે તેમનો કોઈ સંબંધ નથી. તો તમારે તેમનો વિશ્વાસ કરવો જ જોઈએ.

થોડીવાર માટે એમ માની લઈએ કે તમારા પતિ તેમની પ્રેમિકાને છાનામાના મળે છે. છતાં આ સંબંધ વધારે દિવસ સુધી નહીં ટકે. કેમકે એક પરણેલા પુરુષને સ્ત્રીઓ લાંબા સમય સુધી સહન નથી કરી શકતી.

એટલે તમે તમારા પતિને શંકાથી જોવાને બદલે તેમને ભરપૂર પ્રેમ આપો, જેથી તે તમારા સાથે બંધાઈને જ રહે અને તેમનો પગ લપસવાની ચિંતા જ નહીં રહે.

પ્રશ્ન : હું ૧૪ વર્ષની છોકરી છું. ઘણા મોટા એક યુવકને મેં ધરમનો ભાઈ બનાવ્યો છે. હું તેને સગા ભાઈ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. તેના ઘરના લોકો પણ મને તેમની દીકરી જ માને છે. મેં રક્ષાબંધને તેને રાખડી મોકલી તો મારા પપ્પા ગુસ્સે થઈ ગયા. હું એ યુવક સાથે કોઈ સંબંધ રાખું તે તેમને જરાય પસંદ નથી. મારા પિતાના આવા સંકુચિત વિચારોને લીધે હું બહુ જ પરેશાન છું. શું લોહીના સંબંધો જ સાચા હોય છે?

એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે હજુ નાના છો એટલે સમાજને બરાબર ઓળખતાં નથી. આપણે જે સમાજમાં રહીએ છીએ, ત્યાં છોકરીનાં મા-બાપે બહુ સાવચેત રહેવું પડે છે, જેથી કોઈ તેમની દીકરીના ચારિત્ર્ય તરફ આંગળી ન ચીંધે. આ રીતે જોડવામાં આવતા સંબંધ ગમે તેટલા પવિત્ર હોય તો પણ તેમને સ્વીકારવામાં આવતા નથી, એટલે જો તમારા પિતાને તમારા ધરમના ભાઈ સાથેનો તમારો સંબંધ પસંદ ન હોય, તો તમારે તેનાથી દુ:ખી થવાની જરૂર નથી.

પ્રશ્ન : હું લગ્ન પહેલાં જેને ચાહતી હતી, તેની સાથે લગ્ન ન કરી શકી. ઘરનાંએ જેની સાથે મારાં લગ્ન કરાવ્યાં છે તે મને જરાય પસંદ નથી. હું હંમેશાં પરેશાન રહું છું. હું મારા મનને કેવી રીતે શાંત કરું? મને યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (મુંબઈ)

ઉત્તર : તમારી માનસિક તાણ અને અશાંતિ તમારી પોતાની ઉપજાવેલી છે. તમારાં ઘરનાંએ જે વર તમારા માટે પસંદ કર્યો છે તે તમારા માટે યોગ્ય જ હશે. તમને એ એટલા માટે પસંદ નથી કે લગ્ન પહેલાં તમે બીજા કોઈને પ્રેમ કરતાં હતાં. તમે તમારા પતિની સરખામણી તમારા પ્રેમી સાથે કરતાં હશો માટે નિરાશ થઈ જતાં હશો. પ્રેમી સાથે તમે શમણામાં રાચો છો અને પતિ સાથે જિંદગી જીવી રહ્યાં છે. તમારું વર્તમાન જીવન જ સાચું છે. તેને સ્વીકારતાં શીખો, નહીંતર તમે ક્યારેય સુધી નહીં થઈ શકો.

- અનિતા