- હું 18 વર્ષની અપરિણીતા છું. 12 વર્ષની ઉંમરે જ માસિક આવવાનું શરૂ થઈ ગયું હતું, પણ એ અનિયમિત આવે છે.
હું ૧૮ વર્ષની અપરિણીતા છું. ૧૨ વર્ષની ઉંમરે જ માસિક આવવાનું શરૂ થઈ ગયું હતું, પણ એ અનિયમિત આવે છે. લગભગ દર મહિને એક-બે દિવસ તો વહેલુંમોડું થઈ જાય છે જ. મને ડર લાગે છે કે ભવિષ્યમાં એના લીધે કોઈ પરેશાની ન ઊભી થાય. સાથે સાથે કોઈ કોઈ વાર યોનિમાંથી સફેદ રંગનું ચીકણું પ્રવાહી પણ નીકળે છે. અંદર કો ચેપ તો નહીં લાગ્યો હોય ?
એક કન્યા (આણંદ)
* માસિકચક્રમાં બે-ત્રણ દિવસની વધ-ઘટ મામૂલી છે અને તેનાથી તબિયત પર કોઈ માઠી અસર પડતી નથી. ભવિષ્યમાં ગર્ભાધાનમા પણ કોઈ અવરોધ ઊભો થતો નથી. યોનિમાંથી નીકળતું સફેદ રંગનું પ્રવાહી ઘણી વાર સામાન્ય સંજોગોમાં પણ નીકળી શકે છે. યોનિ કુદરતી રીતે જ ભીનાશવાળી હોય છે. તેની અંદરની ચીકાશ અને ભીનાશના લીધે જ સમાગમ વખતે મુલાયમ ત્વચા છોલાઈ જતી નથી. આ કુદરતી ભીનાશને અસામાન્ય ન ગણવી જોઈએ.
કેટલીક શારીરિક અને માનસિક સ્થિતિમાં પણ આ ભીનાશ વધી જાય છે, જેમ કે માસિક શરૂ થતાં પહેલાંના થોડા દિવસ, બીજાશયમાંથી બીજ છૂટું પડવાના દિવસે, મનમાં સમાગમની ઈચ્છા જાગે ત્યારે અને કબજિયાતમાં પણ યોનિમાંથી સફેદ પ્રવાહી વહેવા લાગે છે. એને રોગ ગણવો એ તદ્દન ખોટું છે. તમારી તકલીફને સ્વાભાવિક રીતે જ લેવી જોઈએ.
હું વીસ વરસની થઈ ત્યાં સુધી મારો ચહેરો ખૂબ સુંદર અને આકર્ષક હતો, પરંતુ બે વર્ષમાં જ એવું શું થયું છે કે મારા ચહેરાની રોનક છિનવાઈ ગઈ છે. હાલ હું ટી. વાય. બી.એ. માં ભણું છું, પરંતુ એક સારી ખેલાડી હોવા છતાં શરીર નબળું પડી ગયું છે.
હું ૧૮ વરસની હતી ત્યારે એક વાર મેં રક્તદાન કર્યું હતું. શું રક્તદાન કરવાથી આવું થાય ? મારી તબિયતની ચિંતા મને સતત સતાવે છે. આમ પણ કોઈ મને કશુંક કહી જાય તો હું ભારે ચિંતામાં ડૂબી જાઉં છું. એવો કોઈક ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ થઈ જાઉં.
એક યુવતી (ગોધરા)
* સૌથી પહેલાં તો એટલું સ્પષ્ટ કરી દઉં કે રક્તદાન કરવાથી કોઈનેય નબળાઈ આવતી નથી. તદ્દન નિરોગી અને તંદુરસ્ત હોય તો જ તેનું લોહી લેવામાં આવે છે. વળી એક વખતે માત્ર ૩૦૦ મિલિલિટર લોહી જ દાતા પાસેથી લેવામાં આવે છે. એટલું લોહી તો બહુ થોડા દિવસોમાં જ નવું બની જાય છે. સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં ઓછામાં ઓછું છ થી આઠ લિટર લોહી હોય છે. એમાંથી કેવળ ૩૦૦ મિલિલિટર લોહી લઈ લેવાથી ના શરીરમાં નબળાઈ આવે છે કે ના એના ચહેરાની રોનક ઝાંખી પડે છે. આમ પણ તમારા શરીરમાં થયેલા ફેરફાર તમે રક્તદાન કર્યા પછી બે વર્ષે થયા છે એટલે તમે પોતે સમજી શકો છો કે તમારી શંકા બિલકુલ પાયા વિનાની છે. તમે એક વાર ડોક્ટરી તપાસ કરાવડાવો. શક્ય હોય કે અંદર કશીક બીમારીને લીધે જ તમારી તબિયત બગડી હોય. તમારી ઉમરે વધુ લાગણીશીલતા હોવી એ સ્વાભાવિક બાબત છે. એને તમે ખામી ન સમજશો. આ તો ઊલટાનું સારું લક્ષણ છે. માણસ ચિંતા કરવાના બદલે વિચારશીલ બને અને પોતાનામાં રહેલી ખામીઓ દૂર કરવા પ્રયત્નશીલ રહે તો તે તમામ મુશ્કેલીઓને પાર કરીને સતત સફળતાને વરે છે.
નસબંધી કરાવ્યા પછી પુરુષ ક્યારે ગર્ભનિરોધક સાધન વાપર્યા વગર સેક્સલાઈફ પુન: શરૂ કરી શકે? શું નસબંધી દૂર કરવી શક્ય છે?
એક પતિ (અમદાવાદ)
* હા, નસબંધી દૂર થઈ શકે છે, પણ રિવર્સલ ઓપરેશનની સફળતા સર્જ્યનના કૌશલ, સ્ટરિલાઈઝેશન (વંધ્યીકરણ) કરતી વખતે વાપરવામાં આવેલી ટેક્નીક, રીએનેસ્ટોમોસિસ (નલિકાનું પુન: સંધાન) હાથ ધરવામાં આવે ત્યાં સુધીમાં પસાર થયેલો સમય, રીએનસ્ટોમોસિસની ટેક્નીક વગેરે પરિબળો પર આધાર રાખે છે. અલબત્ત, શ્રેષ્ઠતમ માઈક્રોસર્જિકલ ટેક્નિક વડે સફળતાપૂર્વક રિવર્સલ ઑપરેશન થયા પછી પણ પુરુષ વડે સ્ત્રી ગર્ભવતી બને તેવા ચાન્સીસ ફિફ્ટી-ફિફ્ટી છે.
શું એચઆઈવી / એઈડ્સ વાળંદની દુકાનોમાં વપરાતા રેઝર વડે ફેલાઈ શકે? શું હોસ્પિટલમાં કે બ્લડ ડોનેશન કેમ્પમાં લોહી લેનારી વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગી શકે?
એક યુવાન (નડિયાદ)
* હા, વાળંદના રેઝર વડે એચઆઈવી / એઈડ્સ ફેલાઈ શકે છે. રેઝરથી ચામડી ચિરાઈ જવાથી થોડું ઘણું લોહી નીકળી શકે છે. જો આ લોહી એચઆઈવીવાળું હોય અને રેઝર ફરીથી બીજી વ્યક્તિના ચહેરા પર વાપરવામાં આવે તો એને એચઆઈવીનો ચેપ લાગી શકે છે.
એચઆઈવી ધરાવતા લોહીનું કે લોહીની પ્રોડક્ટ્સનું ટ્રાન્સફ્યુઝન લોહી લેનારના શરીરમાં એચઆઈવીનો ચેપ લગાડી શકે છે. આથી જ હોસ્પિટલમાં કે બ્લડ ડોનેશન કેમ્પમાં રક્ત આપનારી વ્યક્તિના શરીરમાં એચઆઈવી છે કે કેમ તે આગોતરા ચકાસી લેવું જોઈએ.
- અનિતા


