- હું આટફિશિયલ જ્વેલરી પહેરું છું ત્યારે મારા શરીર પર ફોલ્લીઓ થઈ જાય છે. શું આ કોઈ આંતરિક રોગનું લક્ષણ તો નથી ને?
મારા પતિની ઉંમર ૫૨ વર્ષ છે. તેમના પરિવારમાં તેમના પિતા અને બહેન બંનેના મૃત્યુ બ્રેઈન સ્ટ્રોકના કારણે થયા હતા. પિતા ૬૬ વર્ષની ઉંમરમાં અને બહેન ૬૨ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. મને આ કારણસર તેમના સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા રહે છે. શું બ્રેઈન સ્ટ્રોકની બીમારી આનુવંશિક બીમારી છે? તેનાથી બચવા માટે તેમણે કયા ઉપાય કરવા જોઈએ?
-એક યુવતી (વેડછા)
વર્તમાન વૈજ્ઞાાનિક જાણકારી અનુસાર બ્રેઈન સ્ટ્રોક અથવા મગજનો એટેક એવા જ જોખમી તત્ત્વોથી આવતો હોય છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ રહેતું હોય છે. આ જોખમમાં વિશેષ તો લિપિડ પ્રોફાઈલ અને પરિવારમાં રોગના જીન્સ.
તેથી સુરક્ષિત રહેવા માટે સારું એ છે કે તમારા બ્લડપ્રેશર પર નજર રાખતા રહો અને તેને ૧૩૦/૮૦ સુધી રાખવાનો પ્રયત્ન કરો. બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખો અને ફાસ્ટિંગ બ્લડ શુગર ૧૧૦ મિલી ગ્રામ અને લાકોસિલેટેડ હીમોગ્લોબિન ૬.૫ ની અંદર રાખો, સંતુલિત આહાર લો, સ્થૂળતાથી દૂર રહો, નિયમિત એક્સર્સાઈઝ કરો અને ટેન્શન તથા તાણથી દૂર રહો. ડોક્ટરની સલાહ લો તેમજ બેબી એસ્પિરિન લેવી પણ લાભદાયી સાબિત થઈ શકે છે. બેબી એસ્પિરિન લેવાથી ધમનીમાં લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે અને ધમનીમાં લોહીના ક્લોટ ન બનવામાં મદદ મળે છે. તેમ છતાં પણ ક્યારેક અચાનક તેમને કોઈ પણ પ્રકારના શારીરિક હુમલાના ક્ષણિક લક્ષણ પણ જોવા મળે, તો તરત કોઈ હોસ્પિટલમાં તેમની ઈમર્જન્સીમાં તપાસ કરાવવી યોગ્ય રહેશે. બ્રેઈન સ્ટ્રોકના મોટાભાગના કેસમાં સમયસર યોગ્ય સારવાર મળવાથી સ્થિતિ સંભાળી શકાય છે અને પેરાલિસિસ તેમજ અન્ય કોમ્પ્લિકેશન્સથી પણ બચી શકાય છે.
હું ૧૮ વર્ષનો બી.એ. પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છું. છેલ્લા થોડાક દિવસથી દર અઠવાડિયે રાત્રે મને ૧-૨ વાર સ્વપ્નદોષ થઈ જાય છે. મારા મિત્રનું કહેવું છે કે મારે જેમ બને તેમ જલદી કોઈ ડોક્ટરને મળવું જોઈએ, નહીં તો મારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. શું આ સમસ્યા ખરેખર આટલી ગંભીર છે? તેના માટે મારે કયા ડોક્ટર પાસે જવું જોઈએ? મેં કેટલાક વૈદ્ય-હકીમની જાહેરાત પણ જોઈ છે જેમાં સ્વપ્નદોષની સારવારનો દાવો કરવામાં આવે છે. મારું મન ખૂબ જ વિચલિત થઈ ગયું છે. સલાહ આપો કે મારે શું કરવું જોઈએ?
-એક યુવક (સુરત)
તમે ચિંતા ન કરો. કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં પ્રવેશતા જ્યારે આપણું શરીર પરિપક્વ થઈ જાય છે ત્યારે શરીરમાં સેક્સ હોર્મોનનો સંચાર થવા લાગે છે. અંડગ્રંથિમાં શુક્રાણુ બનવા લાગે છે, પ્રજનન પ્રણાલીમાં વીર્ય બનવા લાગે છે અને પૌરુષત્વના બીજા શારીરિક ગુણ દેખાવા લાગે છે. આ અવસ્થામાં કેટલાક કિશોર અને યુવાનોમાં ઊંઘતી વખતે યૌન ઉત્તેજના જાગૃત થતા આપમેળે સ્ખલન થવું બિલકુલ સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. સામાન્ય બોલચાલની ભાષામાં લોકો તેને સ્વપ્નદોષ કહે છે.
સત્ય તો એ છે કે આ કોઈ વિકાર નથી અને તેને સામાન્ય શારીરિક ક્રિયાના રૂપે જોવી જોઈએ. તરૂણાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આ શારીરિક ઘટના દરેક ઉંમરના પુરુષમાં જોવા મળે છે. વાસ્તવમાં તો તેને સ્વપ્નમૈથુન કહેવું વધારે યોગ્ય રહેશે, કારણ કે તેનું જોડાણ કામુક સપનાં સાથે છે, જે ઊંઘમાંથી ઊઠતા યાદ નથી રહેતા. મનોવૈજ્ઞાાનિક તેને કામેચ્છાના નિકાલનો કુદરતી માર્ગ પણ માને છે.
યાદ રાખો કે ભૂલથી પણ વૈદ્યહકીમના ચક્કરમાં ન પડો. કેટલાક વૈદ્યહકીમ પોતાનો સ્વાર્થ સાધવાના ચક્કરમાં બિનજરૂરી ભ્રામક વાતોમાં ફસાયેલા યુવાનનું જાતીય જીવન બરબાદ કરી નાખે છે.
હું ૨૮ વર્ષની મહિલા છું. જ્યારે પણ આટફિશિયલ જ્વેલરી પહેરું છું ત્યારે મારા શરીર પર ફોલ્લીઓ થઈ જાય છે. શું આ કોઈ આંતરિક રોગનું લક્ષણ તો નથી ને? આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મારે શું કરવું જોઈએ?
-એક યુવતી (મુંબઈ)
આ સમસ્યા સ્કિન એલર્જીનું ચિહ્ન છે, કેટલાક લોકોની સ્કિન કોઈ ધાતુને સહન નથી કરતી શકતી જે ઢોળવાળા હોય છે. ખરેખર દોષ આ પ્રકારના ઘરેણાંમાં જોવા મળતી નિકલ ધાતુનો છે, પરંતુ કેટલાક લોકોના શરીર ચાંદી, સોનું અને રત્નજડિત આભૂષણ પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે અને તેને સહન નથી કરી શકતા. પરિણામે, સ્કિન પર એગ્ઝિમા થાય છે અથવા ફોલ્લી અને ચકામા ઊભરી આવે છે. સૌથી સારો અને સરળ ઉપાય તો એ છે કે તમે ઘરેણાં પહેરવાથી જ દૂર રહો, પરંતુ જો ઘરેણાં પહેરવાનું મન હોય કે પ્લેટિનમ જ્વેલરી પહેરીને જુઓ. શક્ય છે કે આમ કરવાથી તમારી પરેશાની દૂર થઈ જાય.
- અનિતા


