Get The App

મૂંઝવણ .

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- છેલ્લા એકાદ વર્ષથી મારાં બંને સ્તનમાંથી સતત દૂધ નીકળે છે. મેં કોઇ કુકર્મ કર્યું નથી. ઘરમાં ગેરસમજ ઊભી ન થાય એ માટે કોઇને વાત પણ કરી શકતી નથી. 

 પ્રશ્ન: હું ૩૬ વર્ષની અવિવાહિતા છું. ભવિષ્યમાં પણ લગ્ન કરવાની ઇચ્છા નથી. મારી એકલતા દૂર કરવા માટે હું એક બાળક દત્તક લેવા ઇચ્છું છું. શું હું કાયદેસર આમ કરી શકું? બાળકને સ્કૂલમાં દાખલ કરતી વખતે કંઇ મુશ્કેલી તો નહીં પડે ને? મને યોગ્ય સલાહ આપશો?

એક યુવતી  (મુંબઇ)

જવાબ: એકલી સ્ત્રી માટે બાળકનું ભરણપોષણ કરવું મુશ્કેલ છે અને એટલા માટે એવી સંસ્થાઓ પણ તમને બાળક દત્તક આપવા નહીં ઇચ્છે. બીજું તમને તેના સ્કૂલમાં પ્રવેશ મેળવવામાં પણ મુશ્કેલી પડશે. માટે તમે બાળકને દત્તક લેવાનો વિચાર માંડી વાળો અને સમાજસેવાનું બીજું કોઇ કાર્ય શરૂ કરો. જેથી તમારી એકલતા દૂર થશે અને તમારે કોઇ પણ જાતની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે.

પ્રશ્ન: હું પુખ્તવયની, પરિણીત, સંતાનો ધરાવતી યુવતી છું. હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે જ મારાં લગ્ન થઇ ગયા હતા. શરૂઆતમાં તો ઠીક હતું. ગમે તેમ પણ હું તે વખતે નાદાન જ હતી. પછી જેમ-જેમ મને સમજ આવતી ગઇ તેમ-તેમ તે સંબંધો પ્રત્યે ઘૃણા થવા લાગી. જેમ-જેમ દિવસો વીતવા ગયા તેમ તેમ મને એ જીવન પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો. એ બધું સહન નહિ થવાથી હું  મારા મા-બાપને ઘેર આવતી રહી. હાલ અહીં હું જાતે જ કમાઇને મારા બાળકોનું  ભરણપોષણ કરું છું. મારા પિતાજી હજી પણ મને ત્યાં જ જવાનું કહે છે.

મને પણ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા થવાથી  મેં મહિલા કોલેજમાં નામ લખાવી પરીક્ષા આપી છે, હવે મારે શું કરવું?

એક બહેન (અમદાવાદ)

ઉત્તર: તમારી નાદાન વય અને કાચી સમજણના કારણે તમે અયોગ્ય લગ્ન કરી બેંઠા તેના પરિણામે આજે આ વિમાસણમાં મૂકાયા છો. પણ હવે લગ્ન થઇ જ ગયાં છે એટલે શક્ય હોય તો તેને  નિભાવવા સારા. પણ તેમ છતાં અયોગ્ય વર્તાવ અને અન્યાયપૂર્ણ ત્રાસ સહન કરવાની સલાહ તો નથી.

હજી તમારી ઉંમર નાની છે. તે જોતાં જો  તમારો પતિ તમને સારી રીતે રાખવાની ખાતરીલાયક બાંહેધરી આપે તો તેની સાથે રહો. તેથી બાળકોનું ભાવિ (અને વર્તમાન) સુધરશે. પણ તેની સાથે રહેવા જતાં પહેલાં એ બરાબર સ્પષ્ટ કરી લેજો કે તમે આગળ ભણવા માગો છો અને નોકરી પણ ચાલુ રાખવા માગો છો. જો તે બંને બાબતો સ્વીકારે તો જ ત્યાં જાવ. નોકરી છોડવા તૈયાર થશો નહિ. ઉપરાંત હવે વધારે બાળકો ન થાય તે માટે ઓપરેશન કરાવી લો.

જો તમારો પતિ તમારી શરતે તમને રાખવા તૈયાર ન થાય તો તમે તમારા મા-બાપને ત્યાં રહેવાનું ચાલુ રાખો. નોકરી ચાલુ રાખો. બાળકોને ઉછેરો અને આગળ અભ્યાસ પણ ચાલુ રાખો.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લા એકાદ  વર્ષથી મારાં બંને સ્તનમાંથી સતત દૂધ નીકળે છે. મેં કોઇ કુકર્મ કર્યું નથી. એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદ વગેરે તમામ પ્રકારની દવાઓ લઇ જોઇ, છતાં કોઇ ફેર પડયો નથી. ઘરમાં ગેરસમજ ઊભી ન થાય એ માટે કોઇને વાત પણ કરી શકતી નથી. ડૉક્ટરનું કહેવું છે કે આનું કારણ હોર્મોન્સમાં થતાં ફેરફાર હશે. જોકે મને નિયમિત માસિકસ્ત્રાવ આવે છે, તમારા મતે આમ થવાનું કારણ શું હોઇ શકે? શું આની કોઇ દવા  નથી? હું અત્યંત ચિંતિત છું. આજકાલ ઘરમાં મારા લગ્નની વાતો પણ ચાલે છે. શું કરું.

એક બહેન  (વડોદરા)

જવાબ: તમારા પત્ર પરથી એમ લાગે છે કે, તમને 'ગૈલેક્ટોરિયા' નામનો રોગ થયેલ છે. 'ગૈલેક્ટોરિયા' થવાનાં અનેક કારણો હોઇ શકે છે. એમાં 'પ્રોલેક્ટિન' નામના હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે. તમને આમ શામાટે થાય છે, એ જાણવા માટે ડૉક્ટરી તપાસની સાથોસાથ હોર્મોન્સની તપાસ પણ કરાવવી જરૂરી છે. થાઇરોડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરતી હોય, પીયૂષગ્રંથિ અંગેની કોઇ મુશ્કેલી હોય  અથવા વિશિષ્ટ પ્રકારની રસોળી વગેરે કારણો  એના માટે જવાબદાર હોઇ શકે છે. હોર્મોન્સ અંગેની તપાસ કર્યા પછી જ યોગ્ય રીતે સારવાર થઇ શકે. જોકે સામાન્ય રીતે 'બ્રામોક્રિપ્ટન' નામની દવાથી પ્રોલેક્ટિનનું પ્રમાણ નિયંત્રિત કરીને આ રોગને અમુક અંશે કાબૂમાં લઇ શકાય.

મારા મતે તમારે કોઇ કુશળ ઇંડોક્રાઇનોલોજિસ્ટની સલાહ લેવી જોઇએ.  આ માટે તમારા માતા-પિતાને વિશ્વાસમાં લઇને તેમને વાત કરો. જ્યાં સુધી આ મુશ્કેલીનો ઉકેલ ન આવે, ત્યાં સુધી લગ્ન ન કરો એ વધારે સારું રહેશે. સમસ્યાનો ઇલાજ છે, માટે નિરાશ થવાની જરૂર નથી.

- અનિતા