મૂંઝવણ .
- સવારમાં ઉઠતાં જ નાનાં સાંધાઓમાં કળતર અને સ્ટીફનેસ જણાય છે. સાંધાઓનું આકુંચન, પ્રસરણમાં મુશ્કેલી તથા સોજો જણાય છે.
સવાલ :- રાત્રે નિંદ્રાધીન થયા પછી વારંવાર પેશાબ કરવા જવું પડે છે. કોઈક કોઈક વાર મૂત્રાવરોધ અચાનક થઈ જાય છે. જેથી મૂત્રમાર્ગમાં ભયંકર વેદના થાય છે. ક્યારેક મૂત્રત્યાગ માટે કરાંજવું પડે છે. આનો આયુર્વેદિક ઉપચાર બતાવવા વિનંતી.
એક ભાઈ, રાજકોટ
ચિકિત્સક આ રોગને ઉંમરનો વ્યાધિ કહે છે. જેમાં પેશાબ ટીપે ટીપે આવે છે. અને એકવાર પેશાબ થઈ ગયા પછી વારંવાર પેશાબ જવાની ઇચ્છા રહ્યા કરે. પૌરુષગ્રંથિ મૂત્રાશયના મોઢાની પાસે આવેલી છે. અને મૂત્ર માર્ગના પ્રારંભમાં એટલે કે પેઢુના ભાગમાં ઘણે ઊંડે પેશાબની કોથળીના નાકા ઉપર મૂત્રનળીના શરૂઆતના ભાગને વીંટળાયેલી હોય છે. આ નાનકડી સોપારી જેટલી ગાંઠને 'પૌરુષગ્રંથિ''ના નામે પણ ઓળખવામાં આવે છે. મળાશય અને આ ગ્રંથિ વચ્ચે થોડું અંતર છે. અને તે મૃદુ ત્વચાથી જુદાં પડેલાં છે. આ ગ્રંથિ જ્ઞાાનેન્દ્રિય સાથે સીધો સંપર્ક ધરાવે છે. જેથી આ ગ્રંથિ વધવાથી તેનાં લક્ષણોની અસરો મગજ ઉપર તરત જ પહોંચે છે. પરિણામે આ રોગી જાગતો હોય ત્યાં સુધી વારંવાર પેશાબ કરવાની હાજતથી અકળાઈ ઊઠે છે. ખૂબ જોર કરે છે, કરાંજે છે અને તેનાથી ખૂબ માનસિક ક્ષોભ અને ત્રાસ અનુભવે છે.
આ રોગનાં ઉપચારમાં રોગીએ ટબબાથ લેવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. જાતીય સંબંધમાં નિયમન કરવું. કબજિયાત થવા ન દેવી. ગેસ, અપચો ન થાય તેવો હલકો ખોરાક લેવો. જવનો ખોરાક લેવો. જવની ભાખરી, રોટલી નિયમિત લેવી. કળથીનું પાણી નિયમિત પીવું. બેઠાડું જીવન છોડી શ્રમ કરવું. હરવું-ફરવું. પરાણે પેશાબ ન રોકવો. દારૂ, સિગરેટનું વ્યસન બંધ કરવું. અષ્ઠિલાગ્રંથિ હરીવટી બે ગોળી ત્રણ વાર હૂંફાળા પાણી સાથે લેવી. જીવિત પ્રદીવટી સાથે સુ વસંતકુસુમાકર રસનું સેવન લાભપ્રદ છે. સાટોડી અને ગોખરૂનો ઉકાળો લેવાથી પેશાબ ખૂબ છૂટથી આવે છે. અને અષ્ઠિલા પ્રોસ્ટ્રેટમાં લાભ બતાવે છે. આ રોગમાં અતિશય બળતરા હોય અને લોહી આવતું હોય તો ચંદવનનો ઘસારો લઈ શકાય. રસાયણ ચૂર્ણનું સેવન લાભપ્રદ છે. આ રોગીએ એક જ સ્થાન ઉપર બેસી ન રહેવું. ઊંટ, ઘોડા, સાયકલ કે ઉબડખાબડ વાળા રસ્તા ઉપર સ્કૂટરની સવારી ન કરવી. પાચનમાં ભારે ખોરાક ને લેવો. વધુ વજન ઊંચકીને દાદર ચઢવા નહીં.
સવાલ:- સવારમાં ઉઠતા જ નાનાં સાંધાઓમાં કળતર અને સ્ટીફનેસ જણાય છે. સાંધાઓનું આકુંચન, પ્રસારણમાં મુશ્કેલ તથા સોજો જણાય છે. આંગળીઓની મુઠ્ઠીવાળી શકાતી નથી. કપડાં પહેરવામાં સાડીનો છેડો ખોંસવામાં ભારે પીડા થાય છે.
એક બહેન, મુંબઈ
આ રોગની શરૂઆત ખૂબ ધીમી જોવા મળે છે. સવારે ઊઠતાં જ હાથપગનાં આંગળાં અક્કડ થઈ જાય છે, અને હલનચલન પછી તકલીફ ઓછી થાય છતાં કળતર રહે છે. કેટલીક વ્યક્તિઓને ઘૂંટણ, ઘૂંટી અને પગના સાંધા, કાંડાના સાંધા, કોણી, કમર અને સાથળના સાંધામાં, એમ વારાફરતી, જાણે કે ફરતો વા ન હોય તેમ, રોગનો જોરદાર હુમલો આવે છે. કેટલાક રોગીઓ એવા પણ જોયા છે કે જેમના ગરદનના મણકામાં અક્કડતા આવી ગઈ હોય છે. તેમ કમરના મણકામાં પણ બને છે અને ત્યારે ખૂબ દુખાવો થાય છે. આ રોગની વિચિત્રતા એવી જોવા મળે છે કે તેનાથી જડબાના સાંધા પણ જકડાઈ જાય છે, ખોરાક ચાવી શકાતો નથી અને ચાવવામાં અતિશય પીડા થાય છે. આ રોગની કાળજી ન લેવામાં આવે અને બેદરકારી રાખવામાં આવે તો રોગ વધતો જાય છે. અને નાનામોટા બધા સાંધાઓમાં વિકૃતિ આવે, દુખાવો થાય, તેના કારણે પણ વાંકા પડે, પગ ઢીંચણથી વાળી ન શકાય. હાથનાં કાંડાથી હાથ સીધા ન કરી શકાય તેવું પરિણામ આવે છે.
આમવાતારિવટી :- ઘટક:- શુદ્ધ ગુગળ ૨૦૦ ગ્રામ, હીરાબોળ ૨૫ ગ્રામ, શુધ્ધ કુચલા ૨૫ ગ્રામ, ત્રિબંગ ભસ્મ ૨૫ ગ્રામ, લસણ ૨૫ ગ્રામ, સુવર્ણ ભસ્મ ૧/૪ ગ્રામ- પ્રત્યેક દ્રવ્યને સારી રીતે ઘૂંટી સવારે ૧/૪ ગ્રામની ગોળીઓ બનાવવી. રોજની એક ગોળી લેવી.
અશ્વગંધા મિશ્રણ :- ચોપચીન્યાદિ ચૂર્ણ, સૂંઠી પૂટ પાઠ અને અશ્વગંધા ચૂર્ણ ૧/૪ ગ્રામ, પુનર્નવા ગુગળ ૩ ગોળી, ગોક્ષુરાદિ ગુગળ ૩ ગોળી, મહાયોગ રાજ ગુગળ ૩ ગોળી, કારસ્કર યોગ ૧૨૦ મિલિગ્રામ મેળવી, ત્રણ પડીકાં કરવાં.
અનુપાન :- ગરમ પાણી સાથે ગોક્ષરાદિ ગુગળ, મહાયોગરાજ ગુગળનું સેવન કરી શકાય. કુચલા ૧૦૦ ગ્રામ. કલ્પતરૂ ૪૦૦ ગ્રામ, પ્રવાલ પંચામૃત ૪૦૦ ગ્રામ, સુતશેખર રસ ૪૦૦ ગ્રામ, લાલ ચોખાનું ચૂર્ણ ૪૦૦ ગ્રામ લઈ બારિક ચૂર્ણ કરવું. ૧૨૦થી ૨૪૦ મિ. ગ્રામ મધ સાથે લેવું.
- અનિતા