મૂંઝવણ .
- મારી સમસ્યા એ છે કે જ્યારે જ્યારે હું મારા ભાવી પતિને મળું છું અને એ પ્રેમાલાપ કરે છે, ત્યારે...
* મારી ઉંમર ૨૧ વર્ષ છે અને હું બી.એ.માં અભ્યાસ કરું છું. મારાં લગ્ન માટે એક યુવક સાથે વાત ચાલતી હતી. અમે બંનેએ એકબીજાને પસંદ કરી લીધાં હતાં, પરંતુ જન્માક્ષર ન મળવાથી સંબંધ બંધાયો નહીં. આથી એને તથા મને ખૂબ નિરાશા સાંપડી શું કરવું?
એક બહેન (વાપી)
* જન્માક્ષર વગેરે અંધશ્રધ્ધાળુ લોકોની તથા પંડિતોની પોકળ વાતો છે. આની સચ્ચાઈ સંદિગ્ધ હોવા છતાં આપણે ત્યાં જન્માક્ષર મેળવવાનો રિવાજ છે, કેમ કે આજના વૈજ્ઞાાનિક યુગમાં પણ લોકો આવી નિરર્થક વાતોને માને છે. જેની સાથે તમારાં લગ્નની વાત થઈ હતી, એ યુવકમાં અને તમારામાં કુટુંબીજનોનો વિરોધ કરવાની તથા જાતે નિર્ણય લેવાની હિંમત હોય, તો તમારાં કુટુંબીજનોને દ્રઢતાથી જણાવી દો કે, તમે બંને આ બાબતમાં માનતાં નથી અને લગ્ન કરવા ઈચ્છો છો.
* હું ૪૭ વર્ષની વિધવા છું. ૧૨ વર્ષ પહેલાં મારા પતિ એક અકસ્માતમાં અવસાન પામ્યા. મારી બે પરિણીતા પુત્રીઓ છે. છેલ્લા કેટલાક સમયથી એક વિચિત્ર સમસ્યા ઉત્પન્ન થઈ છે. હું સેક્સ પ્રત્યે વધારે પડતી ખેંચાતી જાઉ છું. મારી દીકરીઓ મને પુર્નલગ્ન કરી લેવાનું કહે છે. શું આમ કરવું ઉચિત ગણાશે?
એક સ્ત્રી (મુંબઈ)
* કેટલીક સ્ત્રીઓને રજોનિવૃત્તિ (મેનોપોઝ) નો સમય નિકટ આવે ત્યારે આવી ઈચ્છા જાગ્રત થતી હોય છે, જોકે થોડા સમય પછી આ ઈચ્છા આપોઆપ શાંત થઈ જાય છે. આથી માત્ર યૌનેચ્છા શાંત કરવા માટે પુનર્લગ્ન કરવાનું ઉચિત નથી. હા, દીકરીઓનાં લગ્ન બાદ તમે એકલાં પડી ગયાં હો અને તમને કોઈ સાથીની જરૂરિયાત જણાતી હોય, તો પુનર્લગ્ન કરવામાં કંઈ ખોટું નથી.
* મારા દીકરાનાં લગ્નને પાંચ વર્ષ થયાં છે અને તેને એક દીકરી પણ છે. એ ખૂબ દારૂ પીતો હોવાથી બે મહિના પહેલાં મારી પુત્રવધૂ એના પિયર જતી રહી હતી. હવે મારા દીકરાએ દારૂ છોડી દીધો હોવા છતાં એની પત્ની પિયરથી પાછી આવતી નથી. આથી એ ખૂબ પરેશાન રહે છે. મને ભય છે કે ક્યાંક ફરી દારૂ પીવાનો શરૂ ન કરી દે. શું કરવું?
એક માતા (ભરુચ)
* પતિને વારંવાર સમજાવ્યા પછી પણ એણે દારૂ પીવાનો છોડયો ન હોવાથી વ્યથિત તથા નારાજ થઈને જ એની પત્ની પિયર ચાલી ગઈ હોય, એવું બની શકે. એ પોતે જ ઘર છોડીને ગઈ હોવાથી જાતે પાછા આવવામાં નાનપ પણ અનુભવતી હોય, જ્યારે પતિ પણ કદાચ એમ વિચારીને એને લેવા નહીં ગયો હોય કે એ જાતે ગઈ છે, તો જાતે જ પાછી ફરશે. આમ બંને પોેતપોતાના અહમને મહત્ત્વ આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં વડીલોની જવાબદારી છે કે તેઓ મધ્યસ્થી બની, પુત્રવધૂને હવે એનો પતિ દારૂ નહીં પીે તેની ખાતરી આપીને પાછી લઈ આવે.
* મારા લગ્નને ૧૦ વર્ષ થઈ ગયા છે. મારે બે બાળક છે. હું એ જાણવા ઈચ્છું છુંકે નસબંધીને કારણે કામેચ્છા અને પુરુષાતન પર અસર થાય ખરી?
એક યુવક (મુંબઈ)
* ના. વૃષણકોથળીમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. એક પ્રકારના કોષમાંથી ટેસ્ટોસ્ટેરોન પેદા થાય છે, જે સીધું રક્તપ્રવાહીમાં ભળી જાય છે. કામેચ્છા અને પુરુષાતન માટે આ જ પ્રક્રિયા જવાબદાર છે. અન્ય પ્રકારના કોેષ વીર્ય પેદા કરે છે, જેનું વેસ નામે ઓળખાતી નલિકામાંથી વહન થાય છે. આથી જ આ વહન અટકાવી દેવાથી એની કામેચ્છા કે પુરુષાતન પર અસર થતી નથી. નસબંધી પછી સેક્સલાઈફ યથાવત્ રહે છે. શિશ્નોત્થાન, વીર્યસ્ત્રાવ અને આનંદ-આ બધા પર નસબંધીની કોઈ અસર થતી નથી.
વળી, ગર્ભરહી જવાનો ડર, ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ વગેરેને કારણે ઘણીવાર કામક્રીડાની તીવ્રતા ઘટી જતી હોય છે. નસબંધી કરાવ્યા બાદ આ પ્રકારનો ડર અને અવરોધ દૂર દૂર થઈ જતાં પુરુષનો સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ સુધરી શકે છે.
- અનિતા