- મારા ગાલ,ચહેરા,કપાળ પર ડાઘા પડી ગયા છે. જે ફેલાતા જ જાય છે. મેં ઘણા ઉપચાર કર્યાં પરંતુ કોઇ ફાયદો થતો નથી.
હું ૨૦ વરસની યુવતી છું. મારા હાથ પર કરચલી પડી ગઇ છે જેથી મારા હાથ વૃધ્ધાના હાથ જેવા દેખાય છે. તેમજ ત્વચા પણ રૂક્ષ થઇ ગઇ છે. મારા હાથની ત્વચા મુલાયમ થાય તેવા ઉપચાર જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર: મેનિક્યોર કરાવાથી ચોક્કસ ફાયદો થશે. બે ચમચી મધમાં ઇંડાની સફેદી ભેળવી હાથ પર લગાડો સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું ત્યાર બાદ બદામની પેસ્ટમાં થોડું દૂધ ભેળવી રોટેટિંગ મેનરમાં હળળે હળવે ઘસવું. દસ દિવસ સુધી એકાંતરે આ ઉપચાર કરવાથી હાથ કોમળ મુલાયમ થઇ જશે.
હું ૨૯ વરસની મહિલા છું. મારી ગરદન પર રેખા અંકિત થઇ ગઇ છે. પરિણામે હું વાળ ટૂંકા રાખી શકતી નથી તેમજ અંબોડો પણ વાળી શકતી નથી.મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
એક મહિલા (વડોદરા)
ઉત્તર : ગરદન પર આ રેખા ક્યારથી અંકિત થઇ છે અને કઇ રીતે થઇ છે તે તમે જણાવ્યું નથી.કોપરેલથી દરરોજ મસાજ કરો તેમજ ઇંડાની સફેદી લગાડવાથી પણ ફાયદો થશે. ઇંડાની સફેદી લગાડી બરાબર સુકાવા દેવી. સુકાઇ જાય બાદ બરફના ઠંડા પાણીથી ધોઇ નાખવાથી ધીરે ધીરે રેખા આછી થતી જશે.નિયમિત કરવાથી થોડા દિવસોમાં જ ફાયદો જણાવા લાગશે.
મારી અઢી માસની પુત્રીના હાથ તેમજ કાન પર રૃંવાટી બહુ છે. તેને દુર કરવા હું રોજ ઓલિવ ઓઇલ લગાડું છું. મારા ડાકટરે ઓલિવ ઓઇલ લગાડવાની ના પાડી છે અને કહ્યું છે કે રૃંવાટી તેની મેળે જ દુર થઇ જશે. મને એક જ ચિંતા છે કે દીકરી મોટી થતી જાય છે અને રૃંવાટી દુર નહીં થાય તો હાથ અને કાન પર વાળ ખરાબ દેખાશે. મારી આ સમસ્યાનં નિવારણ કરતા ઉપચાર જણાવશો.
એક મહિલા (જામનગર)
ઉત્તર: તમારા ડાકટરે તમને સાચી સલાહ આપી છે તમે તેમનામાં વિશ્વાસ રાખો. ઓલિવ ઓઇલ લગાડવાનું બંધ કરી દો. જોઇએ તો ચણાના લોટમાં હળદર અને મલાઇ નાખી પેસ્ટ બનાવી તેના હાથ અને કાન પર લગાડો સુકાઇ જાય બાદ હળવેથી ઘસીને દુર કરો. ખૂબ જ હળવે થી રગડીને કાઢવું ધ્યાન રાખજો અઢી માસના બાળકની ત્વચા ખૂબ જ કુમળી હોય છે. તેથી ધ્યાન રાખીને કરશો.
હું ૨૯ વરસની નોકરિયાત મહિલા છું. મારા ગાલ,ચહેરા,કપાળ પર ડાઘા પડી ગયા છે. જે ફેલાતા જ જાય છે. મેં ઘણા ઉપચાર કર્યાં પરંતુ કોઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.
એક મહિલા (બારડોલી)
ઉત્તર : તમે જેને ડાઘા કહો છો તેપિગમેન્ટેશન છે. આ સમસ્યા સૂર્યના કિરણો અથવા મેલેનિન રસાયણ શરીરમાં અધિક સક્રિય હોવાથી થાય છે.અડધો કપ લીંબુની છાલનો પાવડર અને અડધો કપ દૂધનો પાવડર લીંબુનો રસ અને તાજા દૂધમાં ભેળવી જ્યાં જ્યાં ડાઘા થયા હોય ત્યાં લગાડવું અને ધીરે ધીરે રગડવું. અને પાણીથી ધોઇ નાખવું. કાયમ માટે આ ડાઘાથી છુટકારો પામવો મુશ્કેલ છે. પરંતુ ધીરજ રાખવાથી હળવા ચોક્કસ થઇ જશે.
હું ૨૯ વરસની યુવતી છું. મારા વાળ અત્યારથી જ ધોળા થવા લાગ્યા છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક મહિલા (વલસાડ)
ઉત્તર: અઠવાડિયામાં બે વખત ભૃંગરાજ તેલથી વાળને માલિશ કરશો. અને એક આમળો નિયમિત ખાશો. કોઇ પણ પ્રકારની ચિંતાથી દૂર રહેશો.મહિનામાં બે વખત વાળમાં મહેદી લગાડશો. સમતોલ આહાર લેશો.
- જયવિકા આશર


