- હું રોજ ઓફિસ જતી વખતે ફાઉન્ડેશન લગાડું છું તે જાણશો. મારા ચહેરાની ત્વચા પર પેચ પડી ગયા હોય તેવું લાગે છે.
હું ૨૫ વરસની યુવતી છું, મારા હાથની ત્વચા કરચલી પડેલી વૃદ્ધ સ્ત્રી જેવી થઈ ગઈ છે. પરિણમે હું અકાળે વૃદ્ધ દેખાવ છું. કોઈની સાથે હાથ મેળવતો પણ સંકોચ અનુભવું છું. મારી આ સમસ્યાના નિવારણ કરતાં ઉપચાર જણાવશો.
- એક યુવતી (મુંબઈ)
* તમે તમારા હાથની કાળજી રાખો છો તે સારું છે. 'સહિયર'ને વધુ પડતા પત્રો ચહેરા તથા વાળની સમસ્યાના જ આવતા હોય છે. મસાજ ત્વચા માટે ઉત્તમ છે. તે જ રીતે હાથને મસાજ કરવાથી ફાયદો થશે. ચંદનની પેસ્ટમાં તલનું તેલ ભેળવી હાથ પર મસાજ કરવું. ત્યારબાદ ચંદનની પેસ્ટમાં એક ઈંડાની સફેદી તથા માટી ભેળવી લગાડવું. સુકાઇ જાય બાદ બરફના ઠંડા પાણીથી ધોઈ નાખવું. ધીરજ રાખશો. અઠવાડિયે એક વખત કરવાથી મહિનામાં ફરક જણાશે.
મારી આઈબ્રો વધારે પડતી જાડી હોવાથી હું નાનપણથી જ પ્લકરથી વાળ કાઢું છું. મારી બહેનપણીઓ મને આટલી નાની વયે વાળ કાઢવાની ના પાડે છે. મારી આઈ-બ્રોના જથ્થાને ઓછો કરવાના ઉપચાર જણાવશો.
- એક યુવતી (સુરત)
* વાળનું ઊગવું એ કુદરતી છે. તેને ઊગતા રોકી શકાય નહીં. તમારા વાળનો ગ્રોથ જાડો છે. તે તમારે સ્વીકારવું રહ્યું. આઈ-બ્રો પરથી વધારાના વાળ દૂર કરી તેને યોગ્ય આકાર આપવામાં કોઈ હાનિ નથી. તમે થ્રેડિંગથી વાળ દૂર કરાવો.
હું ૨૬ વરસની યુવતી છું, મારા પગ પર સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા છે તેને દૂર કરવાના ઉપાચાર જણાવશો.
- એક યુવતી (રાજકોટ)
* નિયમીત મસાજ કરવો એ ત્વચા માટે ઉત્તમ ઈલાજ છે. વિશેષ કરીને સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા શુદ્ધ કોપરેલ અથવા ઓઈલથી મસાજ કરવાથી ફાયદો થશે.
હું ૨૫ વરસની યુવતી છું, મારા વાળ અકાળે ધોળા થવા લાગ્યા છે. મને હેરડાઈથી વાળ કાળા કરવા નથી. મારી આ સમસ્યાના ઉપચાર જણાવશો.
- એક યુવતી (વડોદરા)
* અકાળે વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વારસાગત, માનસિક તાણ વાળને ધોળા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વાળમાં મહેંદી લગાડો. એક કપ આમળાના ટુકડાને લોખંડના વાસણમાં બાળો. કાળી રાખ થઈ જાય બાદ તેને ચાળી વાળમાં નાખવાના તેલ સાથે ભેળવી દો. આ તેલથી અઠવાડિયામાં બે વખત વાળના મૂળને પહોંચે તે રીતે મસાજ કરી ગરમ પાણીમાં ભીંજવેલા ટુવાલને નીચોવી વાળને બાંધી શેક આપો. નિયમિત કરવાથી ફરક પડશે.
હું ૨૭ વરસની નોકરિયાત યુવતી છું. રોજ ઓફિસ જતી વખતે ફાઉન્ડેશન લગાડું છું તે જાણશો. મારા ચહેરાની ત્વચા પર પેચ પડી ગયા હોય તેવું લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ રાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)
* ફાઉન્ડેશનના વધુ પડતો ઉપયોગથી ત્વચા પર ધાબા પડી જવાની શક્યતા રહે છે. ફાઉન્ડેશન ત્વચાને સૂકી કરી નાખે છે. તેથી મોઇશ્ચરાઇઝર વગરના ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. ત્યાર બાદ હળવો લૂઝ પાવડર લગાડવો જેથી મેકઅપનો બેસ થઇ જશે. આંગળીની મદદથી ફાઉન્ડેશનને એકસાર કરવું અને ત્યાર બાદ સ્પંજથી ફેલાવવું.
હું ૨૧ વરસની યુવતી છું. વાળને ચમકીલા કરવા માટે મારી બહેનપણીએ મને વાપરેલી ચા ની ભૂક્કીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તો ચા ની ભૂક્કીનો ઉપયોગ કઇ રીતે કરવો તેનું માર્ગદર્શન આપશો.
એક યુવતી (અમદાવાદ)
* ઉપયોગમાં લેવાયેલી ચા ની ભૂક્કીને ચાર કપ પાણીમાં ઉકાળવી અને ચૂલા પરથી નીચે ઉતારી ગાળી લેવી. અને તેમાં લીંબુનો રસ ભેળવી દેવો. શેમ્પૂથી વાળ ધોયા પછી અંતિમ વખતે વાળ ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરવો.
- જયવિકા આશર


