- મને કોઇએ એવી સલાહ આપી છે કે દિવસમાં ઓછામાં 100 વાર વાળમાં દાંતિયો ફેરવવો જોઇએ જેથી વાળ સ્વસ્થ રહે.
હું ૨૨ વરસની યુવતી છું. મેં હાલમાં જ ફાઉન્ડેશન લગાડવાનું શરૂ કર્યું છે. અને મને ખીલ થવા લાગ્યા છે. તો શું ફાઉન્ડેશન લગાડવાથી ખીલ થતા હશે ? મારી આ શંકાનું નિવારણ કરશો.
એક યુવતી (સુરત)
ના. આ તમારો ભ્રમ છે. ફાઉન્ડેશનથી કદી ખીલ થતા નથી.ખીલ બેકટેરિયાને કારણે થાય છે નહીં કે મેક્અપથી. રાતના ત્વચાને ક્લીનઅપ કરોય જેથી રોમછિદ્રો ખુલી જાય. રાતના સૂતા પહેલા ચહેરો ધોવો જરૂરી છે. એકને-પ્રોન સ્કિન ફાઉન્ડેશનનો ઉપયોગ કરશો તેમાં સેલિસાયલિક એસિડ હોય છે જે ત્વચા પરના બેકટેરિયાને દૂર કરવામાં ઉપયોગી છે.
હું ૨૦ વરસની યુવતી છું. મને કોઇએ એવી સલાહ આપી છે કે દિવસમાં ઓછામાં ૧૦૦ વાર વાળમાં દાંતિયો ફેરવવો જોઇએ જેથી વાળ સ્વસ્થ રહે.મારી આ મૂંઝવણનું નિવારણ કરશો.
એક યુવતી (અમદાવાદ)
વાળમાં ૧૦૦ વાર દાંતિયો ફેરવવાની સલાહ તમને ખોટી આપી છે. આ એક ભ્રમ માત્ર છે. આમ કરવાથી વાળના મૂળને નુકસાન પહોંચે છે અને વાળ તૂટવા લાગે છે, વાળમાં બે-ત્રણ વાર દાંતિયો ઓળવો પ્રયાપ્ત છે. વાળને વચ્ચેથી પકડી મૂળ સુધી દાંતિયો ફેરવવો.વાળમાંની ગાંઠને હળવેથી કાઢવી. જેથી વાળ દ્વિમુખી થતા બચાવી શકાય.
હું ૨૪ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે.મારા ચહેરા પર નાના-નાના તલ જેવું ફૂટી ગયું છે. હું કોઇ નવું ક્રિમ લગાડું તો મને તરત જ ખીલ થઇ જાય છે. મારી ત્વચા ક્લિન તથા ફ્રેશ લાગે માટે મારે શું કરવું તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)
રૂક્ષ ત્વચાને દિવસમાં બે વખત મોઇષ્ચરાઇઝ કરવી જરૂરી છે.ઘરમાંથી બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન લગાડવું. રોજિંદા આહારમાં વિટામિન બી ૧૨ (ટ્વેલ)ના સ્ત્રોત જેવા કે પપૈયું, કિશમિશ શામેલ કરવા તેનાથી બ્રાઉન પિગ્મેટેશન દૂર થશે. એક લીંબુના રસમાં ચપટી હળદર ભેળવી એક શીશીમાં ભરી રાખવું. આ મિશ્રણ પાંચ મિનિટ સુધી રોજ ચહેરા પર લગાડી મસાજ કરવો. ત્યાર બાદ રૂના પૂમડાને કાચા દૂધમાં ડુબાડી ચહેરો સાફ કરવો. અઠવાડિયામાં બે વાર કરવાથી ફાયદો થશે.
હું ૩૨ વરસની મહિલા છું.મ ારા નાક પર બ્લેકહેડ્સ થાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)
સામાન્ય રીતે તૈલીય ત્વચા હોય તો બ્લેકહેડ્સની સમસ્યા થતી હોય છે.
બે ચમચા ચોખાનો લોટ, બે ચમચી લાલ મસૂર દાળનો પાવડર અને બે ચમચી ચણાનો લોટ તેમજ ઇંડાની સફેદી ભેળવી સ્ક્રબ બનાવવું. આ સ્ક્રબને નાક પર લગાડવું સુકાઇ જાય એટલે પાણીથી સહેજ થપથપાવી રોટેટિંગ મેનરમાં ઘસવું. નિયમિત કરવાથી ફાયદો થશે.
હું ૨૭ વરસની યુવતી છું. મારી ગરદન પાસે કાળી રેખા અંકિત થઇ ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (વાપી)
દૂધમાં ગ્લિસરિન અને લીંબુનો રસ તેમ ઇંડાની સફેદી ભેળવી મિશ્રણ બનાવવું. કાળા પડી ગયેલા ભાગ પર લગાડવું સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. અઠવાડિયે એક વાર કરવાથી એક-દોઢ મહિનામાં જ ફરક જણાશે.
મારા નાક ઉપર તેમજ નાકની બંને બાજુએ સફેદ દાણા જેવું થઈ જાય છે. જેને લીધે નાક સફેદ ખીલ અથવા તલને કારણે કદરૂપું દેખાય છે. આમ થવાનું કારણ શું?
એક યુવતી (મુંબઈ)
* તમારી સમસ્યાને જોતાં લાગે છે કે તમને બ્લેકહેડ્સ જેવા જ વ્હાઈટહેડ્સ થાય છે. આથી ચહેરા પર કોઈ ક્રીમનું હળવે હાથે માલિશ કર્યા બાદ વરાળ લો અને બ્લેકહેડ્સ રીમૂવરની મદદથી વ્હાઈટહેડ્સ કાઢી નાખો.
- જયવિકા આશર


