સૌંદર્ય સમસ્યા .
- બજારમાં મળતા ચાંદલાના સ્ટિકરમાંના ચાંદલા લગાડવાથી કપાળો ખંજવાળ બહુ આવે છે.
હું ૧૯ વરસની યુવતી છું, મારી હાથ અને ગરદનની ત્વચા કાળાશ પડતી થઈ ગઈ છે. હું દર બીજા-ત્રીજા દિવસે સ્ક્રબ પણ કરું છું છતાં ત્વચાની કાળાશ દૂર થતી નથી. ત્વચા રૂક્ષ તથા સખત થઈ ગઈ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
- એક યુવતી (અમદાવાદ)
- પાકું એક કેળું લઈ તેનો છૂંદો કરી તેમાં એક ચમચો મિલ્ક પાઉડર, એક ચમચો કાચું દૂધ અને અડધો ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવવી. આ મિશ્રણને ત્વચા પર ૨૦ મિનિટ સુધી લગાડી રાખવું. ત્યારબાદ હળવે હળવે રગડી કાઢી નાખવું. અઠવાડિયામાં બે વખત કરવાથી અવશ્ય ફાયદો થશે.
હું ૪૦ વરસની નોકરિયાત મહિલા છું, મારી આંખ નીચે કાળા ઘેરા કુંડાળા થઈ ગયા છે. તેને દૂર કરવાના ઉપચાર જણાવશો.
- એક મહિલા (મુંબઈ)
- આંખની આસપાસ કાળા કુંડાળાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તમારા પત્રમાં તમે એ નથી જણાવ્યું કે તમે એનિમિકથી પીડાવ છો કે નહીં? સામાન્ય રીતે રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કાળા કુંડાળા થાય છે જે સરળતાથી દૂર થતા નથી. આ ઉપરાંત માનસિક તાણ, અપૂરતી નિંદ્રાથી પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. યોગ્ય કારણ જાણ્યા સિવાય આ તકલીફ કાયમી દૂર થઈ શકે નહીં. આ દરમિયાન તમે ખીરાનો રસ આંખ પર લગાડો અથવા તો બરફના ખાનામાં રાખેલ ખીરાનાં પૈંતા અથવા ટી બૅગ આંખ પર રાખવી. છૂંદેલું બટાકુ પણ ૧૫-૨૦ મિનિટ આંખ પર રાખવું. ઊચ્ચ ગુણવત્તાયુક્ત આઈ જેલ પણ લગાડી શકાય.
હું ૨૨ વરસની યુવતી છું, મારે એ જાણવું છે કે ટ્રાન્સપેરન્ટ મસ્કરા શું છે? અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે?
- એક યુવતી (રાજકોટ)
- ટ્રાન્સપરન્ટ મસ્કરા વૉટર બેઝ્ડ હોય છોે. તે સામાન્ય મસ્કરા જેવું જ હોય છે. પરંતુ પાંપણ પર લગાડવાથી દેખાતું નથી અને પાંપણ ઘાટ્ટી દેખાય છે. દિવસના મેક-અપ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે એને લગાડવાની રીત સામાન્ય મસ્કરા જેવી જ છે.
હું ૧૮ વરસની યુવતી છું, મારો વાન ગોરો છે પરંતુ ચહેરાના રંગની સરખામણીમાં મારા હોઠનો રંગ કાળો છે. હોઠને ગુલાબી કરવાનો ઉપચાર જણાવશો.
- એક યુવતી (વડોદરા)
- ખરા ગુલાબની પાંદડી મલાઈમાં મસળી હોઠ પર નિયમિત લગાડવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત બિટનોરસ રૂની મદદથી લગાડવો. અને અડધો ક્લાક પછી હોઠને ઠંડા પાણીથી સાફ કરવા.
હું ૪૧ વરસની મહિલા છું, મારા પુત્રનું ૨૦ દિવસ બાદ લગ્ન છે. કામની વ્યસ્તતાને કારમે હું મારા પ્રત્યે ધ્યાન આપી શકતી નથી. મને એ જાણવું છે કે મારે કેટલા દિવસ પૂર્વે ફેસિયલ કરાવવુ ંજોઈએ? મારા વાળ પણ થોડા થોડા સફેદ થવા લાગ્યા છે. વાળ માટે મારે શું કરવું અને મારે કેવી હેરસ્ટાઈલ કરવી જોઈએ? મારી સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
- એક મહિલા (વલસાડ)
- લગ્નના બે દિવસ પૂર્વે ફેસિયલ કરાવવું જોઈએ. તમે વાળને ડાઈ કરાવી શકો છો. જો વાળ લાંબા હોય તો તમે એ દિવસે વાળને બ્લો ડ્રાઈ કરાવી શકો છો અથવા બન્ને સાઈડથી થોડા થોડા વાળ લઈ પિનઅપ કરી શકો છો. તમારા ચહેરા પર સાદો અંબોડો વાળવો અને તેને બજારમાં મળતા ડેકોરેશન જેવા કે ફૂલની વેણી, બ્રોશ, ગજરા વગેરેથી શણગારી શકાય.
હું ૨૪ વરસની યુવતી છું, બજારમાં મળતા ચાંદલાના સ્ટિકરમાંના ચાંદલા લગાડવાથી કપાળોે ખંજવાળ બહુ આવે છે. ઘરે બનાવેલ એવો કોઈ ગુંદર છે જેનાથી હું ચાંદલો ચોંટાડી શકું અને મને એલર્જી ન થાય.
- એક યુવતી (ગોધરા)
- બજારમાં મળતી હલકી ગુણવત્તા ધરાવતા ગુંદરથી એલર્જી થવાની શક્યતા રહે છે. ઘરે બનાવેલ એવો કોઈ ગુંદર હું તમને જણાવી શકું તેમ નથી,. તમે આઈલાઈનરથી ચાંદલાની ડિઝાઈન કરી શકો અથવા તો બજારમાં મળતા પ્રવાહી કંકુનો ઉપયોગ પણ કરી શકો. આ ઉપરાંત કોરા કંકુનો ચાંદલો પણ કરી શકો છો એ માટે તમે ક્રિમ અથવા લિપસ્ટિકનો ઉપયોગ કરો.
- જયવિકા આશર