- હું 24 વરસની યુવતી છું, મને ઘરગથ્થુ વિવિધ પ્રકારના ઉબટન વિશે જણાવશો.
* હું ૩૮ વરસની ગૃહિણી છું, બે-ત્રણ વરસથી પગની એડી રૂક્ષ તથા ખરબચડી થઈ ગઈ છે જે દિવસે દિવસે વધતી જાય છે. મારા પગ ગોરા અને સુંદર છે પરંતુ એડીને કારણે ખરાબ લાગે છે. હું પ્રસંગ સિવાય બ્યુટી પાર્લરમાં જતી નથી તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક મહિલા (મુંબઈ)
* પગની યોગ્ય કાળજી ન લેવાતી હોય તો પગની એડીની ત્વચા રૂક્ષ-ખરબચડી થાય છે. હુંફાળા પાણીમાં બે-ત્રણ શેમ્પૂના ટીપાં ભેળવી પગ ડૂબાડો. ૧૦-૧૫ મિનિટ રાખો. પગ પલાળતાં જં મૃતત્વચા મેલ વગેરે ભીના થઈ પગની એડી પરથી નીકળશે તેને હાથેથી ઘસી કાઢતાં જાઓ. પ્યુમિક સ્ટોનથી ઘસવાથી પણ સારી રીતે મૃત ત્વચા નીકળે છે. બજારમાં દાંતાવાળા બ્રશ મળે છે તેનાથી પણ એડી ઘસી શકાય. પગને પાણીમાંથી કાઢી ટુવાલથી કોરા કરી ક્રીમ લગાડવું. નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.
* હું ૨૦ વરસની યુવતી છું, મારા વાળ ખરે છે તેને મજબૂત કરવાના ઉપાય જણાવશો.
મારી મમ્મીના હાથની આંગળીઓ પર કાળા ધાબા છે. તેની આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
* વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેનું મુખ્ય કારણ વાળની કાળજી પ્રત્યે બેદરકારી છે. વાળને ફક્ત ધોઈ કોરા રાખવાથી વાળની દેખરેખ થઈ જતી નથી. વાળમાં અઠવાડિયામાં ત્રણ વખત તેલ નાખવું જરૂરી છે તેમ જ ટર્બન થેરપી આપવી જોઈએ. ટર્બન થેરપીમાં જાડા ટુવાલને હુંફાળા પાણીમાં બોેળી વાળને બાંધવો આ રીતે બે-ત્રણ વખત કરવું. અને વાળના પ્રકાર પ્રમાણેના શેમ્પૂથી વાળ ધોવા. વાળ ધોયા બાદ કંડિશનર કરવું જરૂરી છે. તમારી મમ્મીના હાથ ત્રણ-ચાર વખત ગ્લિસરીન યુક્ત સાબુથી ધોવા તેમ જ હેન્ડક્રીમ લગાડવું. પાણી સાબુ સાથે વધારે વખત કામ કરવું પડતું હોય તો હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો.
* હું ૨૪ વરસની યુવતી છું, મને ઘરગથ્થુ વિવિધ પ્રકારના ઉબટન વિશે જણાવશો.
એક યુવતી (પાલઘર)
* ચણાના લોટનું ઉબટન
એક મોટો ચમચો ચણાના લોટમાં મલાઈ ભેળવી બરાબર ફીણી લેવું તેમાં થોડા ટીપાં લીંબુના નીચોવવા. ચપટી હળદર પણ ભેળવવી. આ પેસ્ટને ચહેરા પર લગાડી સુકાઈ જાય બાદ રગડી લેવું. જેથી ત્વચા સાફ થઈ જાય. અને ચહેરો ધોઈ નાખવો.
પાઉંનું ઉબટન
પાઉંને કાચા દૂધમાં ભીંજવવું જેથી પાઉં ફૂલી જશે પછી તેને હાથેથી મસળી પેસ્ટ બનાવવી. ચહેરો સાફ કરીને લગાડવી. અડધો કલાક બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાખવો જેથી ત્વચા સાફ થશે ઉપરાંત ડાઘરહિત થશે
ઈંડાની સફેદી
ઈંડાની સફેદીમાં મધના પાંચ-સાત ટીપા તથા લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. ત્વચામાં કસાવ આવશે તેમ જ ચમકીલી થશે.
- જયવિકા આશર


