- મારા નખ પર નેઇલ પોલિશ વધુ ટકતું નથી. બીજે જ દિવસે નીકળવા લાગે છે. આમ શા કારણે થાય છે તે સમજાતું નથી.
હું ૨૭ વરસની યુવતી છું. વાળ માટે કંડિશનર તથા હેર સિરમનો ઉપયોગ કરું છું છતાં પણ મારા વાળ રૂક્ષ થઇ જાય છે. અઠવાડિયે એક વખત હું વાળમાં તેલ નાખું છું તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)
ડ્રાય હેર થવાના કારણો ઘણા છે, જેમ કે હોર્મોન્સનું પ્રમાણ, હેરડ્રાયરનો વધુ પડતો ઉપયોગ, હિટેડ રોલર્સનો વધુ વપરાશ, હેર કલર્સ અથવા પર્મિંગ.
દિવસ દરમિયાન આઠ-નવ ગ્લાસ પાણી પીવું જેથી શરીરમાંના ઝેરીલા તત્વો બહાર નીકળેશે જેથી વાળ મુલાયમ તથા ચમકીલા થશે. એલોવીરા જેલથી વાળની રૂક્ષતા દૂર થાય છે. તમે તેને વાળમાં લગાડી પણ શકો છો અથવા તો એલોવીરાનો એક ગ્લાસ રસ રોજ સવારે પીવાથી વાળ અને શરીર બન્ને મજબૂત થાય છે.
બે પાકા કેળાને છૂંદી તેમાં અડધો કપ વલોવેલું દહીં ભેળવી પેસ્ટ બનાવી વાળમાં ૧૫ મિનિટ સુધી લગાડી રાખવી એ પછી શેમ્પુ કરો. ફાયદો થશે.
હું ૨૧ વરસની યુવતી છું. શિયાળામાં ત્વચાની સંભાળની ટિપ્સ આપશો.
એક યુવતી (અમદાવાદ)
બે ચમચા ઠંડા દૂધમાં ઓલિવ તેલ અથવા સનફ્લાવર જેવું કોઇ પણ એક તેલ ભેળવવું. કોટનનો ટુકડો તેમાં ભીંજવી ત્વચા પર ફેરવવો.આ ઉપાય રૂક્ષ ત્વચા માટે ફાયદાકારક નીવડે છે.
મુલાયમ ત્વચા માટે મધને એક ચમચા સંતરાના રસમાં ભેળવી ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. મધ દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે.
તૈલીય તેમજ ખીલયુક્ત ત્વચા માટે એક ચમચી મધમાં એક ચમચી દહીં તથા હળદર ભેળવી ૨૦ મિનિટ માટે ચહેરા પર લગાડવું.
હું ૧૯ વરસની યુવતી છું. મારા ચહેરા પરની રૃંવાટી ઘરગથ્થુ રીતથી કઇ રીતે દૂર કરવી તે જણાવશો.
એક યુવતી (સુરત)
આ સમસ્યાનું નિવારણ ઘણા વખત પહેલા કરવાની જરૂર હતી. ચણાનો લોટ, હળદર, લીંબુનો રસ, દૂધ અને ચંદન પાવડર ભેળવી સ્નાન પૂર્વે ચહેરા પર લગાડવું સુકાઇ જાય બાદ ગોળાકારે હળવે હળવે ઘસીને કાઢતાં જવું. ચહેરા પરથી સંપૂર્ણ પેસ્ટ દૂર થાય ત્યાં સુધી આમ કરવું. આ જાદુઇ ઉપચાર નથી કે રાતોરાત ફાયદો થાય તમારે ધીરજ રાખવી પડશે.
હું ૪૪ વરસની ગૃહિણી છું. હજી સુધી બ્યુટિ પાર્લરમાં ગઇ નથી. મારો વાન ગોરો છે ત્વચા મુલાયમ છે પરંતુ હવે વયની અસર દેખાવા લાગી છે તેવુ ંલાગે છે. મારો વાન સહેજ આછો પડતો જાય છે. મને મારી બહેનપણી ફેશિયલ અથવા બ્લિચ કરવાની સલાહ આપે છે. મારે શું કરવું તે જણાવશો.
એક મહિલા (વલસાડ)
વય વધતાં ત્વચાની કાળજી લેવી જરૂરી છે. તમારે ફેશિયલ ન જ કરાવવું હોય તો તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે તમે ઘરગથ્થુ ફેસપેક લગાડી શકો છો. વરાળનો શેક લેવો.
હું ૧૭ વરસની યુવતી છું. મારા નખ પર નેઇલ પોલિશ વધુ ટકતું નથી. બીજે જ દિવસે નીકળવા લાગે છે. આમ શા કારણે થાય છે તે સમજાતું નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (પાલઘર)
નેલિ પોલીશ નખ પર વધુ ન ટકવાનું કારણ હલકી ગુણવત્તાની નેઇલ પોલીશનો ઉપયોગ તેમજ તેને યોગ્ય રીતે લગાડાતી ન હોય એ છે. તમે એક વખત બ્યુટિ નિષ્ણાંત પાસે નેઈલ પોલિશ લગાડી જુઓ જેથી તમને સમજાઇ જશે.
- જયવિકા આશર


