- હું 22 વરસની યુવતી છું. મારો વાન ગોરો છે. મને લાલ સ્પિટિક સારી લાગશે? કે પછી વેમ્પ જેવી લાગીશ.
હું ૪૦ વરસની ગૃહિણી છું. ત્વચાને પોષણ આપતા ઘરગથ્થુ નરિશિંગ ક્રીમની રીત જણાવશો.
એક મહિલા (નવી મુંબઈ)
૨૦ મિ.લી. પાણી, ૨૦ મિ.લી. ગુલાબજળ, અડધી ચમચી બોરેક્સ પાવડર, ૧૨ ગ્રામ લેનોલિન, ૭૦ મિ.લી. બદામનું તેલ, વિટામિન 'એ' તથા 'ઈ'ની ચાર કેપ્સ્યુલ તથા થોડાં ટીપાં બેંઝાઇન ટિંકચર.
પાણી ગરમ કરી તેમાં બોરેકસ પાવડર તથા ગુલાબજળ ભેળવવું. બીજા એક વાસણમાં પાણી ગરમ કરવું અને એક કાચના બાઉલમાં લેનોવિનને આ પાણીમાં રાખીને ગરમ કરવું. હવે આ બન્ને મિશ્રણને એક સાથે ભેળવી દઈ ઠંડા થવા દેવું અને બરાબર ભેળવવું બેંઝાઇન ટિંકચર અને વિટામિનની ગોળીઓ તોડીને ભેળવવી અને કાચની શીશીમાં રાખવું.
હું ૨૪ વરસની યુવતી છું. સેલ્સગર્લની નોકરી કરતી હોવાથી મારા વાળ જલદી ગંદા અને રૂક્ષ થઈ જાય છે. હું એકાંતરે શેમ્પુ કરું છું. તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
વાળ રૂક્ષ તથા નિસ્તેજ ન દેખાય માટે વાળ ધોયા પછી કંડિશનર લગાડવું જોઈએ. વાળ ધોયા બાદ કંડિશનર લગાડી થોડી મિનિટો રહેવા દેવું. અઠવાડિયામાં એક વખત ઓલિવ ઓઇલ અને કોપરેલના તેલમાં થોડા ટીપાં લવન્ડર ઓઇલમાં ભેળવી હળવું ગરમ કરી વાળમાં માલિશ કરવું. રાતના વાળમાં તેલ નાખી સવારે ધોઈ નાખવું. મહિનામાં એક વખત ડીપ કંડિશનિંગ ટ્રીટમેન્ટ બ્યુટી નિષ્ણાંત પાસે લેવાથી પણ ફાયદો થાય છે.
હું ૨૬ વરસની નોકરિયાત યુવતી છું. હું મોટા ભાગે સાડી જ પહેરું છું. ડીપ નેક બ્લાઉઝને કારણે ગરદન તથા કમરનો ભાગ કાળો પડી ગયો છે તેથી ખરાબ લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઈ)
બે નાની ચમચી હળદર, ૨ નાની ચમચી મિલ્ક પાવડર, એક નાનો ચમચો મધ તથા પેસ્ટ બનાવવા કાચું દૂધ ભેળવવું આ પેકને ગરદન કમર તથા પ્રભાવિત ભાગ પર એકાંતરે લગાડી ૧૫ મિનિટ સુધી રહેવા દઈ ધોઈ નાખવું. ઘરથી બહાર નીકળતા ૨૦ મિનિટ પહેલાં સન સ્ક્રીન લોશન અથવા ક્રીમનો ઉપયોગ કરવો.
હું ૧૮ વરસની કોલેજિયન યુવતી છું. અત્યાર સુધી મેં કદી પગ પરના અણવાંચ્છિત વાળ દૂર કર્યા નથી. મને કોલેજની પાર્ટીમાં ટૂંકો ડ્રેસ પહેરવાનું મન છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (સુરત)
ઘરે તમે વેક્સિંગ કરી શકો છો. પરંતુ તે માટે તમારે બહારથી વેક્સ ખરીદીને લાવવું પડશે અને તેમાં જણાવ્યા પ્રમાણે વેક્સિંગ કરવું જોઈએ. વેક્સિંગથી વાળ લાંબા સમયે ઉગે છે. આ ઉપરાંત તમે રેઝરથી વાળ દૂર કરી શકો છો. બજારમાં લેડિઝ રેઝર મળે છે. સ્નાન બાદ ત્વચા મુલાયમ થઈ જતી હોય છે તેથી સ્નાન બાદ રેઝરથી શેવિંગ કરવું. જોકે રેઝરથી વાળ બરછટ ઉગવાની શક્યતા છે. આથી બ્યુટિશિયન પાસે વેક્સ કરાવવું હિતાવહ છે.
હું ૨૨ વરસની યુવતી છું. મારો વાન ગોરો છે. મને લાલ સ્પિટિક સારી લાગશે? કે પછી વેમ્પ જેવી લાગીશ. મને લાલ રંગ ગમે છે તે જાણશો.
એક યુવતી (વાપી)
લાલ રંગ ભારતીય ત્વચા પર સારો ભાગે છે. પરંતુ સાથે સાથે ટિન્ટેડ મોઇશ્ચરાઇઝર અને મસ્કરા લગાડવું જોઈએ તો વધુ ઉઠાવ આવશે. ઐશ્વર્યા રાય બચ્ચનને લાલ હોઠ વધુ આકર્ષક લાગે છે.
- જયવિકા આશર


