- હું 25 વરસની યુવતી છું. મને પપૈયાના સ્ક્રબ વિશે માહિતી આપશો.
હું ૧૯ વરસની યુવતી છું. મારા વાળ કુદરતી જ મુલાયમ રેશમ જેવા છે.મારા વાળ હંમેશા મુલાયમ રહે તે માટે ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (મુંબઇ)
શુદ્ધ કોપરેલ, તલનું તેલ અથવા તો ઓલિવ ઓઇલને હુંફાળું કરી વાળના મૂળ સુધી મસાજ કરવો. જાડા ટુવાલને ગરમ પાણીમાં બોળી , નીચોવી માથાને ફરતે પાઘડીની માપક વીંટાળવો. પાંચ મિનિટ બાદ ફરી આ જ ક્રિયા કરવી જેનાથી વાળ તથા માથાની ત્વચામાંથી વધારાનું તેલ શોષાઇ જશે.
એક કપ મધ, અડધ ોકપ ઓલિવ ઓઇલ અથવા તલના તેલમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી મિશ્રણ આખી રાત રહેવા દેવું. સવારે આ મિશ્રણથી વાળમા મસાજ કરવો અને ગરમ પાણીમાં બોળેલા ટુવાલને માથે વીંટાળવો. એક કલાક બાદ શેમ્પૂ કરવું.
રૂક્ષ વાળ થઇ જાય તો તેને મુલાયમ કરવા એક ચમચી એરંડિયુ અને બે ચમચા શુદ્ધ ઓલિવ ઓઇલ અથવા કોપરેલ ભેળવી મસાજ કરવો. ગરમ પાણીમાં બોળેલો ટુવાલ વીંટાળવો.
વાળ પર મેયોનીઝ લગાડવાથી વાળ મુલાયમ થાય છે તેમજ વાળને પોષણ મળે છે. વાળ ધોવાના અડધા કલાક પહેલા મેયોનીઝ લગાડવું.
હું ૨૨ વરસની યુવતી છું. તડકામાં મારા હોઠ બળે છે તથા ડાર્ક અને ટેન્ડ થઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
મારી બીજી સમસ્યા એ છે કે મારા નખ જરાક વધે કે બટકી જાય છે. તેનો ઉપાય પણ જણાવશો.
એક યુવતી (ભુજ)
હોઠ જ શરીરનો એક એવો ભાગ છે જેના પર છિદ્રો નથી. હોઠ પર બામ, મધ, તાજી મલાઇ અથવા તો કોપરેલ દર બે-ત્રણ કલાકે લગાડતા રહેવું. તડકામાં બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન લગાડવું. રોજિંદા ડાયેટમાં કેલ્શિયમનું પ્રમાણ વધારો. એક ચમચી જીલેટિનને અડધા ગ્લાસ પાણીમાં ભેળવી બે અઠવાડિયા સુધી પીવાથી નખ મજબૂત થશે.
હું ૨૧ વરસની યુવતી છું મારી ત્વચા તૈલીય છે તથા મારી મમ્મીની ત્વચા શુષ્ક તથા સંવેદનશીલ છે. તો આ બન્ને ત્વચાના પ્રકારના યોગ્ય ફેસ માસ્ક જણાવશો.
એક યુવતી (નવી મુંબઇ )
તૈલીય ત્વચા માટે એક ચમચી મુલતાની માટેને દહીં સાથે ભેળવી પેસ્ટ બનાવવી. તેમાં એક ટેબલસ્પૂન ગાજર અથવા કાકડીનો ગર અને બે ટીપાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવું. આ માસ્ક ક્લિનઝિંગનું પણ કામ કરે છે.ઉત્તમ પરિણામ માટે અઠવાડિયામાં બે વાર લગાડવું.
શુષ્ક તથા સંવેદનશીલ ત્વચા માટે એક ટેબલસ્પૂન મિલ્ક પાવડર, અડધુ કેળુ, અડધી ચમચી મધ, ચપટી ચંદન પાવડર અને દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર પંદર મિનિટ લગાડી રાખીને ધોઇ નાખવું. અઠવાડિયામાં એક વાર લગાડવાથી ફાયદો થાય છે.
હું ૨૫ વરસની યુવતી છું. મને પપૈયાના સ્ક્રબ વિશે માહિતી આપશો.
એક યુવતી (ભાવનગર)
ત્વચાને ચમકીલી બનાવવા પપૈયું ઘરગથ્થું શ્રેષ્ઠ ઉપાય છે. ફક્ત ૨૦ મિનિટ લગાડીને મનપસંદ નિખાર પામી શકાય છે. પપૈયાના સ્ક્રબને ઘરે જ બનાવી શકાય છે. આ સ્ક્રબ ત્વચાની અંદર સુધી જઈને ત્વચાને ક્લીન કરે છે.પંદર દિવસમાં એક વાર લગાડવું જરૂરી છે. વેક્સિંગ કે અન્ય પદ્ધતિથી વાળ કાઢ્યાના બે દિવસ સુધી આ સ્ક્રબનો ઉપયોગ કરવો નહી.
છૂંદેલું પપૈયું, ઘઉંનું થૂલુ,ચોખાનો લોટ, દરિયાઇ મીઠું, મધ ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા પર પાંચ મિનિટ સુધી સ્ટીમ લેવી અને ત્યાર બાદ આ પેસ્ટ ચહેરા પર લગાડવી. અને ચહેરા પર પ્લાસ્ટિક ઢાંકવું. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો અને દૂધ અથવા દહીંથી શરીરના દરેક ભાગ પર રગડીને ધોઇ નાખવું. આ સ્ક્રબ ત્વચાને મુલાયમ કરવાની સાથે સાથે ચમકીલી પણ બનાવે છે.
- જયવિકા આશર


