Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય.

હું ૨૭ વરસની યુવતી છું. મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય.

એક યુવતી (નાસિક)

અઠવાડિયામાં એક વાર રાતના સૂતા પહેલાં કોપરેલ તેલમાં એરડિંયુ ભેળવી વાળમાં લગાડવું અને હળવો મસાજ કરવો. અને ત્યાર બાદ જાડા  ટુવાલને ગરમ પાણીમાં બોળી નિચોવી વાળને ફરતી વીંટાળી પાંચ-દસ મિનિટ શેક આપવો. સવારે શેમ્પૂ કરવું. શેમ્પૂ રોજ કરતા હો તો કંડિશનરનો ઉપયોગ કરવો. કંડિશનર વાળની રૂક્ષતા દૂર કરીને મુલાયમ કરે છે.

હું ૨૧ વરસની યુવતી છું મારી બગલની ત્વચાનો રંગ કાળો જ થતો જાય છે. હું નિયમિત વેક્સિંગ કરું છું છતાં પણ આ સમસ્યા ઉદ્ભવી છે. મેં કદી પણ હેર રિમુવર ક્રિમનો ઉપયોગ કર્યો નથી તે જાણશો. મારી આ સમસ્યામાંથી છુટકારો અપાવવાનો ઉપચાર જણાવશો.

એક યુવતી (સુરત)

*હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય તો પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. તેથી તમે તબીબની સલાહને અનુસરી હોર્મોન્સ ટેસ્ટ કરાવી લેશો. આ દરમિયાન અહીં જણાવેલ પેસ્ટનો ઉપયોગ કરશો.

બે ચમચી લીંબુની સૂકી છાલનો પાવડર, બે ચમચી સુખડ પાવડર તથા પેસ્ટ બનાવવા જોઈતા પ્રમાણમાં દૂધ આ બગલમાં હળવે હાથે ગોળાકાર દિશામાં આ મિશ્રણ રગડો. સ્નાન કરતા પૂર્વે નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે. 

મિશ્રણમાં એક લીંબુનો રસ તથા ઠંડા દૂધનો ઉપયોગ કરશો તો ત્વચાનો વાન અવશ્ય આછો થશે.

 હું ૨૧ વરસની યુવતી છું. વાળને ચમકીલા કરવા માટે મારી બહેનપણીએ મને વાપરેલી ચા ની ભૂક્કીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.  તો ચા ની ભૂક્કીનો ઉપયોગ કઇ રીતે કરવો તેનું માર્ગદર્શન આપશો.

એક યુવતી (અમદાવાદ)

* ઉપયોગમાં લેવાયેલી ચા ની ભૂક્કીને ચાર કપ પાણીમાં ઉકાળવી અને ચૂલા પરથી નીચે ઉતારી ગાળી લેવી. અને તેમાં લીંબુનો રસ ભેળવી દેવો. શેમ્પૂથી વાળ ધોયા પછી અંતિમ વખતે વાળ ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરવો.

હું ૩૫ વરસની ગૃહિણી છું. મારા વાળ બિલકુલ સફેદ હજી થયા નથી છતાં હું વાળમાં મેંદીનો પેક લગાડી શકું કે નહીં તે જણાવશો.

એક મહિલા (ભરૂચ)

* સફેદ વાળને રંગીન કરવા માટે જ મેંદી લગાડવી જરૂરી નથી. સામાન્ય વાળ માટે તો મેંદી ઉત્તમ હેર પ્રોડકટ ગણાય છે. જે કેશનો કુદરતી રંગ જાળવી રાખે છે. મેંદીમાં આંબળા,શિકાકાઇ,અને અરીઠા ભેળવી લગાડવાથી વાળ મજબૂત થાય છે.

હું ૨૦ વરસની યુવતી છું. હાથ-પગની સરખામણીમાં ચહેરાનો વાન ડાર્ક છે.ચહેરાનો વાન હાથ-પગના રંગ જેવો થાય તે માટેનો ઉપચાર જણાશો.

એક યુવતી (બારડોલી)

* બદામને  પાણીમાં પલાળી દેશો.  તેની છાલ ઉતારી તેને દૂધ સાથે બરાબાર વાટી લઇ તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી.પેસ્ટ રોજ રાતના ચહેરા પર લગાડવી અને સવારે ચહેરો ધોવાથી ફાયદો થશે.

- જયવિકા આશર

Tags :