સ્ત્રીરોગની સચોટ સારવાર : 'ઉત્તર બસ્તિ'
- આરોગ્ય સંજીવની
આજના લેખમાં સ્ત્રી વાચકમિત્રોની સમસ્યાને લઈને તે અંગે હું વાત કરવા જઈ રહી છું. સ્ત્રીઓમાં પ્રાયઃ યોનિરોગોની સમસ્યા અવાર-નવાર થતી જોવા મળતી હોય છે. એક સર્વે મુજબ સમાજમાં ૭૦% જેટલી સ્ત્રીઓ યોનિરોગોની સમસ્યાથી પિડિત હોય છે. પરંતુ આ સ્ત્રીઓ સંકોચવશ પોતાની સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ પણ કરતી નથી. પરિણામે નાની સમસ્યાઓ ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે.
સ્ત્રીઓને યૌન સંબંધી થતી મુખ્ય સમસ્યાઓમાં સફેદ પાણી પડવું (શ્વેત પ્રદર), યોનિકૂંડ (યોનિમાં ખૂબ જ ખંજવાળ આવવી) યૌનદાહ (યોનિમાં બળતરા થવી) યોનિમાંથી ઘી જેવો ઘટ્ટ ચીકણો સ્ત્રાવ નીકળવો, વગેરે વગેરે સમસ્યાઓ મુખ્ય હોય છે. આ ઉપરાંત ઘણીવાર મેનોપોઝ ન આવ્યો હોય છતાં ખૂબ જ અલ્પ માસિકનું આવવું કે માસિક અનિયમિત આવવું, માસિકમાં ગઠ્ઠા પડવા, માસિક લાલવર્ણનાં સ્થાને બ્રાઉન વર્ણનું આવવું વગેરે જેવી ઘણી સમસ્યાઓ મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે.
ઘણીવાર તો એવું પણ બને છે કે, જ્યાં સુધી સારવાર ચાલુ હોય ત્યાં સુધી શ્વેતપ્રદર યોનિકંઠ તથા આર્તવ સંબંધી સમસ્યાઓમાં ફાયદો પણ જણાતો હોય પરંતુ જેવી દવા બંધ કરવામાં આવે કે મૂળ સમસ્યા હતી ત્યાં ને ત્યાં જેવી સ્થિતિ સર્જાતી હોય છે. તો શું આયુર્વેદમાં એવી કોઈ સારવાર પદ્ધતિ છે કે જેથી આ સમસ્યામાંથી કાયમી અને ખૂબ જ ઝડપથી છૂટકારો મેળવી શકાય. તો આનો જવાબ છે 'હા' ચોક્કસ આયુર્વેદમાં આ માટે ખૂબ જ ઝડપી અને સચોટ સારવાર પદ્ધતિ આયુર્વેદનાં આચાર્યોએ બતાવેલી છે.
સમાજમાં એવી ખૂબ જ ખોટી ગેરમાન્યતા આયુર્વેદ માટે ફેલાયેલી છે કે આયુર્વેદની સારવાર તો ખૂબ જ લાંબી ચાલે અને ઉકાળા, કડવી દવાઓ વગેરે વગેરે લેવું પડે. ખૂબ બધી પરેજી પાળવી પડે ત્યારે કંઇક અસર થાય, પણ તેવું જરાય નથી. આયુર્વેદમાં આચાર્યોએ ઘણી એવી સારવાર બતાવેલી છે જે તત્કાલ ચિકિત્સા જેટલું ઝડપી અને અચૂક પરિણામ આપે છે. એક સામાન્ય દાખલો આપું કે, એક સ્ત્રી દર્દી લગભગ ૪ વર્ષથી શ્વેતપ્રદરની સમસ્યાથી પિડિત હતી. બધી જ સારવાર કરાવેલી. વેજાઇનલ ટેબલેટ, પેપટેસ્ટ વગેરે વગેરે બધું જ ૪ વર્ષ સુધી સફેદ પાણીની સારવાર ચાલી. પરંતુ પરિણામ શૂન્ય. વળી આ infectionના કારણે તેને માસિક પણ ખૂબ જ આવતું હતું. જેથી પેઢુનો ભાગ પણ રહી ગયો હતો. લાંબી બિમારીનાં કારણે રોગ પણ કષ્ટપ્રદ બની ગયો હતો. અને જ્યારે આયુર્વેદીક સારવાર માટે સફેદ પ્રવાહીનાં સ્થાને ઘટ્ટ ઘી જેવો ઘનસ્ત્રાવ પડવો શરૂ થઈ ગયો હતો. જેથી સારવાર પણ મુશ્કેલ બનેલ હતી. છતાં આયુર્વેદમાં બતાવેલી Prompt treatment 'ઉત્તર બસ્તિ'ની સારવાર આ દર્દીને આપવાની શરૂ કરતાં ધાર્યા બહારનું પરિણામ મેળવેલ છે. સામાન્ય રીતે રોગની (શ્વેતપ્રદર)ની શરૂઆત થતાં સફેદ પ્રવાહી પડતું હોય છે. એ આ રોગ જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ આ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપ પકડી લે છે. આ મહિલા દર્દીમાં રોગ ઘણો જ જૂનો થઈ ગયેલ હોવા છતાં ઉત્તર બસ્તિ ની સારવારની રોગને જડમૂળથી મટાડી શકાયો છે. અને તે પણ માત્ર ૧ મહિનાની સારવારમાં જે ઉદાહરણ સમાજમાં આયુર્વેદની સર્વોપરિતા સાબિત કરવા પૂરતું છે.
'ઉત્તર બસ્તિ' એ સ્ત્રીઓ માટેની શ્રેષ્ઠ સારવાર છે. તમામ સ્ત્રીરોગમાં જે તે ઔષધ દ્રવ્યની ઉત્તર બસ્તિ ધાર્યા પરિણામો આપી શકે છે. સફેદ પાણી પડવું, યોનિકૂંડ, બીજ નબળા બનવા, સમયે છૂટા ન પડવા, માસિક અનિયમિત આવવું કે અલ્પ આવવું. વંધ્યત્વની સમસ્યા હોવી. યોનિ શુષ્કતા હોવી વગેરે જેવી સમસ્યાઓ માટે ઉત્તર બસ્તિ એ સચોટ સારવાર છે.
ઉત્તર બસ્તિની સારવાર સ્ત્રીનો માસિક ધર્મ પૂરો થાય પછી તુરંત શરૂ કરવામાં આવતી હોય છે અને જેતે રોગની જીર્ણતા મુજબ આ સારવાર ચાલે છે. પરંતુ નિઃસંદેહ સંતોષજનક પરિણામ તેમાં મળેલા છે. ઉત્તર બસ્તિ શરૂ કરતાં પહેલાં પંચ વલ્કલ કવાથ અને ત્રિફળા કવાથથી યોનિધાવન કરવામાં આવે છે. જેથી તમામ બગાડ નીકળી જાય છે. ત્યારબાદ હરિદ્રા, દાહહરિદ્રા વગેરે ઔષધોનો ઉત્તરધૂપ આપવામાં આવે છે અને ત્યારબાદ ઉત્તર બસ્તિની સારવાર શરૂ થાય છે.
સાંપ્રત સમયમાં રબર કેથેટરને સિરિંજ સાથે જોડી દઈ સિરિંજમાં જે તે ઔષધદ્રવ્ય લઈ સ્ત્રીઓમાં આ ઉત્તર બસ્તિની સારવાર અપાય છે. ઉત્તર બસ્તિ માટે જે તે ઔષધો દ્રવ્યો દર્દીના રોગ અને પ્રકૃતિ મુજબ નક્કી કરવા પડે છે. જેમ કે વાત જ પ્રકૃતિમાં કરંજાદિધૂત, કલ્યાણાક ધૂત વગેરેની ઉત્તર બસ્તિ આપી શકાય છે. તેવી જ રીતે પિત્ત જ પ્રકૃતિમાં ફલધૃત, શતાવરી ધૃત, જીવનીય ધૃત તેજ કફ જ પ્રકૃતિમાં ઉદુમ્બરાદિ તેલ, અપામાર્ગદ્વાર તેલ વગેરેની ઉત્તર બસ્તિ આપી શકાય છે.
પંચકર્મની આ શ્રેષ્ઠ સારવાર ઉત્તર બસ્તિ અનેક સ્ત્રીરોગોને જડમૂળથી નાબૂદ કરવા માટેની આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પૂરવાર થયેલ છે જેમાં બે મતને સ્થાન નથી.
- જહાનવીબેન ભટ્ટ