સહિયર સમીક્ષા .
- મારાં માતાપિતા મારાં લગ્ન એક એવા ગ્રામીણ યુવક સાથે કરવા માગે છે જે કોઈ પણ રીતે મારે લાયક નથી. હું ફક્ત ઘરસંસારમાં જ બંધાઈને રહેવા નથી માગતી. નોકરી કરવા ઇચ્છું છું,
* હું ૩૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૧૨ વર્ષ થઈ ગયાં છે. અત્યાર સુધીનું મારું લગ્નજીવન સુખી અને સંતોષપૂર્ણ હતું, પરંતુ આ બાજુ છ મહિનાથી મારા પતિનો સ્વભાવ એકાએક એકદમ ચીડિયો થઈ ગયો છે. તે વાતવાતમાં ઝઘડે છે. ઝઘડાનું એક કારણ એ પણ છે કે દારૂ પીવા લાગ્યા છે. અમારા સતત ચાલતા ઝઘડાંની અમારાં બાળકો પર પણ માઠી અસર પડે છે. શું કરું?
* તમારા પતિના સ્વભાવમાં એકાએક આવેલા પરિવર્તનનું કારણ જાણવાની કોશિશ કરો. એની પાછળ ઓફિસની કે ધંધાની કોઈ પરેશાની તો નથી ને? તેમના સ્વભાવની કર્કશતા બહુ મન પર ન લો. દારૂની થોડી ઘણી કુટેવ પડી હોય, તો તેમને મહેણાં-ટોણાં મારવાને બદલે પ્રેમથી છોડાવો. વધારે કંકાસ કરશો તો તે વટે ચડીને વધુ પીવા લાગશે.
* હું મહારાષ્ટ્રના એક ગામડાંમાં રહું છું. મારી ઉંમર ૨૧ વર્ષની છે. હું કુંવારી છું. મારો ભાઈ રાયગઢમાં મોટા હોદ્દા પર છે. નાનપણથી જ ભાઈ સાથે શહેરમાં રહીને એમ.એ. સુધીનું ભણતર પૂરું કર્યું છે. ભાઈનાં લગ્ન પછી તેમની સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું, એટલે થોડા દિવસ ભોપાળ મોટી બહેન સાથે રહી, પરંતુ આખરે ગામ પાછું આવવું પડયું.
હવે સમસ્યા એ ઊભી થઈ છે કે મારાં માતાપિતા મારાં લગ્ન એક એવા ગ્રામીણ યુવક સાથે કરવા માગે છે જે કોઈ પણ રીતે મારે લાયક નથી. હું ફક્ત ઘરસંસારમાં જ બંધાઈને રહેવા નથી માગતી. નોકરી કરવા ઇચ્છું છું, જે મળતી નથી. શું કરું? બહુ અવઢવમાં છું, તો માર્ગ બતાવશો.
એક યુવતી (સાંગલી)
* તમારા ભાઈબહેન શહેરમાં રહે છે. ભાઈએ આટલાં વર્ષ તમને પોતાની સાથે રાખીને સારું ભણતર અપાવ્યું છે, એટલે એકદમ તો તે પોતાની જવાબદારીઓ ભૂલી નહીં ગયા હોય. તમે તમારા મા કે બીજાં ભાઈબહેનોને તમારા માટે કોઈ સારો યુવક શોધવાનું કહી શકો છો. તમારા બહેન પણ તમારા માટે છોકરો શોધવામાં મદદ કરી શકે છે.
તમે પણ તમારી મોટી મોટી આકાંક્ષા પર થોડો કાબૂ રાખો. ભણી લેવાનો અર્થ એવો કદાપી નથી થતો કે તમે કુટુંબની જવાબદારી ઉપાડવામાં નાનમ અનુભવો. સ્ત્રીની પહેલી જવાબદારી તેનાં કુટુંબ અને સંતાનો પ્રત્યેની જ છે. જરૂર પડે તો નોકરી કરીને પતિને આર્થિક ટેકો આપી શકે છે, પણ ભણ્યા એટલે નોકરી કરવી જ એવું જરૂરી નથી, એટલે પતિ તરીકે કોઈ આદર્શ સ્વપ્નપુરુષનો વિચાર છોડી દો, નહીં તો સપનાંનો રાજકુમાર શોધતા શોધતા કદાચ બહુ જ મોડું થઈ જશે.
* હું સંયુક્ત કુટુંબમાં રહું છું. મારા લગ્નને ૯-૧૦ મહિના થઈ ગયા છે. મારી સમસ્યા એ છે કે મારા સાસુ મોડી રાત સુધી અમારા રૂમમાં ટી.વી. જોયા કરે છે. એ જાય ત્યાં સુધીમાં મારા પતિ કાં તો સૂઈ ગયા હોય છે અથવા તો મારું મન રાખવા થાક્યાપાક્યા કમને સહવાસ કરે છે. આથી હું ચિડાઈ જાઉં છું અને ક્યારેક રડી પડું છું. ઝઘડો થવાના ડરે અને શરમની મારી સાસુને કંઈ કહી શકતી નથી અને સહી પણ શકતી નથી. હું શું કરું?
એક પત્ની (સુરત)
* એવું જરૂરી નથી કે ટી.વી. બેડરૂમમાં જ મૂકવું. તમે તેને ડ્રોઈંગરૂમમાં પણ મૂકી શકો છો. તમારા પતિ તેમની માને કહી શકે કે સવારે સમયસર કામ પર જવાનું હોય છે અને મોડી રાત સુધી ટી.વી. જોયા કરવાથી સવારે વહેલા ઉઠાતું નથી. ક્યારેક કોઈ સારો પ્રોગ્રામ હોય તો વાત જુદી છે, પણ દરરોજ આવું ન પોષાય. આમ કરવાથી ન તો તમારે ખરાબ થવું પડશે, ન તો તમારો એકાંત ભંગ થશે.
* હું ૩૫ વર્ષનો વિધુર છું. બે મહિના પહેલાં જ હાર્ટએટેકમાં મારી પત્ની મૃત્યુ પામી છે. મારે ૧૪, ૧૨ અને ૧૦ વર્ષનાં ત્રણ બાળકો છે. તેઓ જાતે જ પોતાની અને ઘરની સંભાળ રાખી શકે છે, પણ જ્યારે જ્યારે હું પુનર્લગ્નની ઇચ્છા જાહેર કરું છું ત્યારે ત્યારે ત્રણેય તેનો વિરોધ કરે છે. ઓફિસમાં જવાબદારીવાળા પદ પર હોવાથી ત્યાં પણ અનિયમિતતા ચાલે તેમ નથી. આથી ઘર તરફ પણ ધ્યાન નથી આપી શકતો. શું કરું, કંઈ સમજ પડતી નથી.
એક પુરુષ (વલસાડ)
* બાળકો પર જવાબદારી આવતા તેઓ સ્વાવલંબી થઈ જશે અને ૨-૩ વર્ષમાં તો ત્રણેય સમજણાં પણ થઈ જશે, એટલે તમારું જીવન પણ થાળે પડી જશે, પરંતુ થોડો વખત તમારે તેમને માર્ગદર્શન તો આપવંપ જ પડશે. તમે બીજું લગ્ન કરશો તો તમને પત્ની તો મળી જશે, પણ તમારાં બાળકો નવી માનો સ્વીકાર નહીં કરે. બાળકો અબુધ નથી, એટલે ઘરમાં કકળાટ થશે. તમારી માનસિક શાંતિ હણી લેશે. તેથી ભલાઈ એમાં જ છે કે તમે પુનર્લગ્નનો વિચાર છોડીને બાળકોના ઉછેર પર ધ્યાન આપો.
- નયના