Get The App

વાચકની કલમ .

Updated: Jun 27th, 2022

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                        . 1 - image


આ પ્રીત નહીં તો બીજું શું?

તડપતા રહીએ  છીએ કાયમ,

એકબીજાને માટે 

તારી માટે હું ને મારી માટે તું

આ પ્રીત નહીં તો બીજું શું?

જમતાં નથી  એકબીજાને છોડીને

તને છોડીને હું, ને મને છોડીને તું,

આ  પ્રીત નહીં તો  બીજું શું?

ગમતું નથી બીજું કંઇ આપણને 

તને ગમું હું  ને મને ગમે તું

આ પ્રીત નહીં તો બીજું શું?

યાદ કરતા રહીએ છીએ એકબીજાને 

મને  યાદ કરે તું, ને તને  યાદ કરું 

આ  પ્રીત  નહીં તો બીજું શું?

- શારદા અરવિંદ કોટક 

( મુલુન્ડ  કોલોની) 

જીવન નૈયા  

(રાગ- હોઠોસે છૂ લો તુમ)

મારી જીવનનૈયાને , 

પ્રભુ સામે કિનારો મળે

ભવ સાગર  તરવામાં, 

મને તારો સહારો મળે

હું  બાળક છું નાનો છતાં

 સાગર તરવાનો

મારી નાવ છે નાની,

 સામે દરિયો તોફાની

પ્રભુ તમે સુકાની બનો....

 મને સામે કિનારો મળે

જગનું બંધન કાચું,

 તવ શરણું છે સાચું

જગ લાગે છે પ્યારુ, 

તેમાં મનડું  મૂંઝાયું

મારા હૈયે હામ ભરો.... 

મને સામે કિનારો મળે...

જીવનનું  માથું ભર્યું, 

તવ ચરણે લાવી ધર્યું.

નથી બચવાનો આરો,

 તમે પકડો હાથ મારો

તમે દયાની ષ્ટિ  કરો...

 મને  સામે કિનારો મળે....

ભલે  સુખ મળે જગનું, 

મારે કંઈ નથી ખપનું

ગુણ ગાવું ગોવિંદના 

સૌ દુ:ખો ટળે ભવના

જીવનમાં ભક્તિ ભરો... 

મને સામે  કિનારો મળે....

-  ભગુભાઈ ભીમડા (હલદર- ભરુચ)

હૈયાવરાળ

દિલ જલે છે કાષ્ટ  નહીં

લાગતી એટલે તો ઝાળ નથી

વહેતા અશ્રુ રોકું  પણ કેમ

આંખો આગળ કોઈ પાળ નથી

નસીબ જોગે તૂટયું  છે દિલ

તમારા  ઉપર કોઈ આળ નથી

કરવા વાંકો  કોઈ આવે તો શું?

હોેેય તો કરે  માથે  એકે વાળ નથી

દિલ સાગરમાં  પણ ડૂબકી મારી

એમાંય પ્રેમની  કોઈ  ભાળ નથી

વીતી  એની  આ  વીતક કથા છે

સાચું કહું છું આ હૈયાવરાળ નથી.

-  મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)

તુ આવે ને ત્યાર..

મળુ ત્યાર

આંખમાં હરખ લાગે

તુ દૂર છે તેથી

હવે તો રોજ

આંખમાં ઝાંકળ લાગે છે

છે ને..... તો.....

હવે

કોઈ સુંદર સાંજે

તુ આવે ને

તો.....

મને પ્રેમવિશે જતો

કંઈ પૂછીશ નહીં

કારણ કે.....

મારા જવાબમાં

પૂર્ણ વિરામ  હશે નહીં

ને.....

અલ્પવિરામ હું મૂંકતો નથી

કમસેકમ તારી બાબતમાં

તુ આવે ને ત્યાર....

હવે આટલી કાળજી રાખજે

'મીત' (સુરત)

જીવી લઈએ.....

ચાલને  જિંદગી જીવી પણ લઈએ,

મોંઘી હતી તે સસ્તી કરી લઈએ.

ચાલ ને  જિંદગી જીવી પણ લઈએ.

શરાફત  છોડી ને, 

મસ્તી પણ કરી લઈએ.

ચાલ ને  જિંદગી જીવી પણ લઈએ.

જૂની -પુરાણી ગાંઠો છોડીને, નવી પણ

બનાવી લઈએ,

ચાલ ને જિંદગી જીવી પણ લઈએ.

નફરત  છોડીને આનંદ પણ  કરી લઈએ

ચાલ ને  જિંદગી પણ જીવી લઈએ.

દુ:ખોને છોડીને , 

આનંદ પણ કરી લઈએ.

સમૂહ  છોડીને, 

એકલા પણ જીવી લઈએ,

ચાલ ને  જિંદગી પણ જીવી લઈએ.

બંધનો તોડી ને, 

મુક્તિ પણ  મેળવી લઈએ

ચાલ ને  જિંદગી પણ જીવી લઈએ.

- વિરલ બી. પટેલ (વલવાડા-સુરત)

જાણે-અજાણે

સાગરનાં  ઘૂઘવાટા પછી,

એક નિરવ શાંતિ પથરાય છે....

અને જાણે-અજાણે મારા રોમે રોમમાં

અંગે-અંગમાં, કોષે કોષમાં  એનું 

નામ કોતરાઈ છે!

અને અચાનક સાગરના ઘસમસતા

પ્રવાહમાં  એનું નામ વિલિન થતાં

''બેઝૂબાં'' હું જોતો રહી જાઉં છું!

- રાકેશ પટેલ (કતારગામ- સુરત)

ઉત્સવે .... ઉત્સવ.....

કાવ્યના  શમિયાણે  શબ્દોનો મહોત્સવ

ઉર ઊંડાણે તો સ્પંદનોનો  મહોત્સવ...

શબ્દે શબ્દે તો ઉગે  રે ! શરદ-પૂર્ણિમા

જાણે-મારી ઉજવો તે રસનો રાસોત્સવ

રસ-કસ છે ચોરવાના આ જિંદગીમાં

જાણી માણી ઉજવો 

તો રસનો રસોત્સવ....

પ્રભુએ અર્પી છે  

જિંદગી કંઈ કરી છૂટવા

માણસ મટીને  

મનાવો તે ''માળવોત્સવ''

સંબંધોના  પરીઘે આખરે

 જિંદગીમાં રહેતાં...

પ્રભુને ચરણે 

મન-મંદિરનો  ભાવોત્સવ...

- જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

કુદરત

કુદરત  તારા નજારાને  

હું મન ભરીને માણતી  હતી

એ  ઝાકળના બિન્દુ અલ્પાયુ  હોવા છતાં

મોતી વેરતા હસતા હતા,

ધુમ્મસભર્યાં આકાશે, જાણે 

કુદરતનો ખજાનો લૂંટયો હતો

વાહ રે! કુદરત 

 તારી અપાર  અમી ષ્ટિ

આજે અમ પર વિશેષ હતી.

કુદરત તારે ખોળે રમવાની 

મારી આશ છે

પરોઢની  ઝાકળ કેરી જાળમાં 

 ફસાવવાની  અલગ મજા છે

ઓશના એ બિંદુઓમાં  

ભીંજાવાની અલગ અદા છે

એ, ભીના થયેલાં  નયનોમાં 

''શીવા'' તને,

નીરખવાની તારી કૃપા છે.

- શર્મિષ્ઠા  જી. પટેલ (મહેસાણા)

વેદના 

સંવેદનહીન લોકોને

સમજાતી નથી વેદના

જે સમજે છે તમારી વેદના

તેની વેદના જ કોઈ સમજતું નથી!

સંવેદહીન સમાજ

કયાં જઈ અટકશે?

અનુમાન લગાવવા  જતાં

થાય  છે  વેદના જ વેદના

હવે  તો માત્ર સહન જ કરવી રહી

સહન જ કરવી રહી વેદના!

પ્રેમી પંખીડાના થતાં આપઘાત

સંવેદનહીન સમાજની  ઓળખ છે!

- મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

Tags :