Get The App

સહિયર સમીક્ષા .

Updated: Feb 28th, 2022

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                                 . 1 - image


- હું 22 વર્ષની અપરિણીત યુવતી છું. મારા પિતાના એક પરિણીત મિત્ર, જે પચાસ વર્ષના છે, તે અમારા ઘરે અવારનવાર આવે છે.  

* મારાં લગ્નની વાત મારી પાડોશમાં જ રહેતા અમારી જ જ્ઞાાતના યુવક સાથે ચાલી, પરંતુ જ્યારે ઘરના લોકોને ખબર પડી કે છોકરો ક્યારેક ક્યારેક દારૂ પીએ છે અને પહેલાં તેણે ૨-૩ છોકરીઓ સાથે લફરાં કરેલાં છે ત્યારે તેમણે આ સંબંધની ના પાડી દીધી. મારી મુશ્કેલી એ છે કે આ વાત નકારાઈ ગઈ હોવા છતાં હું એને પત્ર લખી સમજાવી દઉં કે એને મારા કરતાં પણ સારી જીવનસંગિની મળી રહેશે, પણ એક બાજુ ડર પણ લાગે છે કે ક્યાંક આ પત્ર ભવિષ્યમાં મારા માટે કોઈ મુશ્કેલી ન ઊભી કરી દે.

* છોકરી માટે જ્યારે લગ્નની વાત નક્કી થવા લાગે છે ત્યારે તે એ યુવક સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. તમારી બાબતમાં પણ એવું જ થયું છે. તમારા ઘરના લોકોને એ યુવક તમારે લાયક ન લાગ્યો એટલે તેમણે આ સંબંધની ના પાડી દીધી. તમે પણ એને ભૂલી જાવ. તેને પત્ર લખવાની ભૂલ કદી ન કરતાં.

* હું ૨૪ વર્ષની યુવતી છું. સગાઈ થઈ ગઈ છે. લગ્નને હવે થોડોક જ સમય બાકી છે. પહેલાં હું ચશ્મા પહેરતી હતી, પરંતુ લગ્નની વાત શરૂ થાય તે પહેલાં જ મને કોન્ટેક્ટ લેન્સ પહેરાવી દેવાયાં. હું ઇચ્છતી હતી કે આ વાત છોકરાના સંબંધીઓને જણાવી દેવી, પરંતુ મારા ઘરના લોકોએ એની ના પાડી. હવે જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો જાય છે, તેમ તેમ મારી ચિંતા વધતી જાય છે. મને થાય છે, લગ્ન પછી જો તેમને આ વાતની ખબર પડશે તો તેમનો મારા પરથી વિશ્વાસ ઊઠી જશે. મારે શું કરવું જોઈએ?

* તમે એકદમ સાચું વિચારો છો. લગ્નની વાત નક્કી થતી વખતે કોઈપણ હકીકત છુપાવવી ન જોઈએ. હવે તમે પોતે જ જ્યારે તમારા ભાવિ પતિને મળો, ત્યારે આ વાત તેને જણાવી દો  તો સારું. આથી છોકરાને પણ વાતની જાણ થઈ જશે અને તમને પણ ખબર પડી જશે કે આ વાતની છોકરા પર કેવી અસર થાય છે  જેથી ભવિષ્યમાં આ બાબતે તમારી વચ્ચે કોઈ વિવાદ થાય નહીં.

* હું ૨૪ વર્ષની વિધવા અને બે બાળકોની માતા છું. બે વરસ પહેલાં જ મારા પતિનું અકાળે અવસાન થયું હતું. તેમનો એલ.આઈ.સી.નો વીમો પણ હતો. શરૂઆતમાં મારા સાસરિયા પક્ષે મારી સાથે સારું વર્તન કર્યું અને જુદા જુદા કાગળો પર સહી કરાવી વીમાની તમામ રકમ પોતાના નામ પર કરાવી લીધી. હું ખૂબ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું. અત્યારે હું પી.ટી.સી.નો અભ્યાસ કરી રહી છું. ઘણા સમયથી મેં મારાં બાળકોને પણ નથી જોયાં. હું શું કરું?

* તમારી સમસ્યા ખરેખર ગંભીર છે. તમારા પત્ર દ્વારા એ સ્પષ્ટ નથી થતું કે તમે અત્યારે ક્યાં રહો છો. તમે અભ્યાસ પૂરો કરીને નોકરી ન મળે ત્યાં સુધી તમારાં માતા-પિતા અથવા ભાઈ-ભાભી પાસે રહો, એ જ વધુ યોગ્ય છે. બાળકોને તમારી પાસે રાખવા માટે કાનૂની કાર્યવાહી અંગે યોગ્ય વકીલની સલાહ લો.

* હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. મારા પિતાના એક પરિણીત મિત્ર, જે પચાસ વર્ષના છે, તે અમારા ઘરે અવારનવાર આવે છે. તેમને ત્રણ પુત્રીઓ છે. તેઓ પુત્રઝંખના માટે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. જો પુત્ર આપવામાં અસફળ થાઉં તો પણ તેઓ મને સાથે રાખશે જ. હું ચિંતિત છું કે મારાં કુટુંબીજનો આ લગ્ન માટે સંમતિ આપશે?

* તમારી ઉંમર આવા નિર્ણયો લેવા માટે હજી ઘણી નાની કહેવાય. તમે એ પુરુષની વાતોમાં ભોળવાઈ ગયાં હો, એવું લાગે છે. પચાસ વર્ષના પરિણીત અને ત્રણ છોકરીના પિતા સાથે માત્ર પુત્ર મેળવવા લગ્ન કરવાનો વિચાર ગેરવાજબી છે. તમે ભવિષ્યમાં એને મળવાનું બંધ કરો અને જો એ મળવા માટે જબરજસ્તી કરે તો ડર રાખ્યા વિના તમારાં માતાપિતાને તેની જાણ કરો. 

- નયના

Tags :