સહિયર સમીક્ષા .
- હું એક પરિણીત પુરૂષના પ્રેમમાં છું. તે મારી સાથે લગ્ન કરવા માગે છે પરંતુ તેની પત્ની અને સંતાનોને છોડવા તૈયાર નથી. મારે શું કરવું એ સમજ પડતી નથી.
હું ૪૫ વર્ષની છું. મારા સંતાનો કોલેજમાં ભણે છે અને પતિ નોકરી કરે છે. અમારી આર્થિક સ્થિતિ સારી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી મને સતત બેચેનીનો અનુભવ થાય છે. કોઇ જરા ગુસ્સામાં બોલે કે નારાજ થાય અને મારી વાત સાંભળે નહીં તો મને કલાકો સુધી રડું આવે છે. બધા મારાથી દૂર જતા રહેશે એવો ડર લાગે છે અને એ કારણે રડું આવે છે. મારી જાત પર કાબુ મેળવવા માટે શું કરવું?
એક મહિલા (જામનગર)
* તમે ડિપ્રેશનના ભોગ બન્યા છે. ૩૦ થી ૫૦ વર્ષ દરમિયાન ઘણી મહિલાઓ 'મિડલાઇફ ક્રાઇસિસ'માંથી પસાર થાય છે. તમારા આ લક્ષણો મેનોપોઝને કારણે પણ હોઇ શકે છે. ઉપચાર પછી તમે સંપૂર્ણપણે ઠીક થઇ શકો છો. તમને દવાની નહીં પરંતુ કાઉન્સિલિંગની જરૂર છે આથી કોઇ નિષ્ણાત મનોચિકિત્સનો સંપર્ક કરો.
હું એક પરિણીત પુરૂષના પ્રેમમાં છું. તે મારી સાથે લગ્ન કરવા માગે છે પરંતુ તેની પત્ની અને સંતાનોને છોડવા તૈયાર નથી. મારે શું કરવું એ સમજ પડતી નથી. એકબાજુ હું તેના વિના રહી શકતી નથી અને એક બાજુ આ સંજોગોમાં લગ્ન કરી હું મારું ભવિષ્ય દાવ પર લગાડવા તૈયાર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)
* વ્યવહારું બનીને વિચાર કરશો તો તમારે કોઇ માર્ગદર્શનની જરૂર જ પડશે નહીં. આ સંબંધમાં તમારું ભાવિ અંધકારમય છે. પત્નીને છૂટાછેડા આપ્યા વગર કરેલા લગ્નને કાયદાની મંજુરી નથી અને તે તેની પત્નીને છૂટાછેડા આપી તમારી સાથે લગ્ન કરે તો ભવિષ્યમાં તમારાથી કંટાળીને તે બીજો સાથ શોધશે નહીં એની શું ગેરેન્ટી છે. આથી શ્રેષ્ઠ વિકલ્પ તો એ જ છે કે તેને છોડીને તમે તમારા જીવનમાં આગળ વધો અને તેને પણ તેના જીવનમાં આગળ વધવા દો. તમારી પાસે હજુ આખી જિંદગી પડી છે કોઇ સારો સાથી શોધીને લગ્ન કરી લો.
મારી સાડા છ વર્ષની પુત્રીને અંગુઠો ચૂસવાની આદત છે. તેની આ આદત છોડાવવા અમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી નથી. તો આ માટે અમારે શું કરવું?
એક મહિલા (નંદરબાર)
* બે વરસ સુધી આ આદત પાછળ થાક, કંટાળો અથવા સ્ટ્રેસ જેવા માનસિક કારણો ભાગ ભજવે છે. આથી બાળક વધુ પડતું થાકી જાય નહીં એ માટે તેને જલદી સૂવડાવવાની તેમજ ભૂખ લાગે ત્યારે ખાવાનું આપવાની તેમજ તેને મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાની કાળજી રાખવાથી આ આદત છૂટી શકે છે. પરંતુ આ આદત ત્રણથી પાંચ વરસ સુધી પણ ચાલુ રહે તો એ પાછળ તેને ઇમોશનલ સુરક્ષાની જરૂર છે એમ સમજવું. તમારી પુત્રીને કઇ વાતનો ડર લાગે છે એ વાત જણાવાનો પ્રયત્ન કરો. આમા સફળતા મળે નહીં તો તેની જાણ વગર તેની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખો આમાથી તમને કોઇ ચાવી મળી શકે છે. થાક, એકલતા, ગુસ્સો, ભય જેવા કારણો આ પાછળ જવાબદાર છે કે નહીં એ જાણો. તેમજ ઘરમાં બનેલા કોઇ બનાવ કે પરિસ્થિતિ આ પાછળ જવાબદાર નથી. એ કારણ પણ શોધો. તેને વઢવા કરતા તેની સાથે પ્રેમથી કામ લો.
મારા પતિ પહેલા મને ઘણો પ્રેમ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેઓ મારી દરેક વાતનો વિરોધ કરે છે અને મારી ઉપેક્ષા કરે છે. હું તેમની પાસે પ્રેમની અપેક્ષા રાખુ તો પણ તેઓ મને ધુત્કારે છે. આ કારણે મને ઘણી ચિંતા થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક બહેન (મુંબઇ)
* સૌ પ્રથમ તો તમારે એ જાણવાની જરૂર છે કે તેમના વ્યવહારમાં આવેલા આ ઓચિંતા બદલાવનું કારણ શું છે? શું તેમનામાં લઘુતા ગ્રંથિ બંધાઇ ગઇ છે? ઑફિસમાં તેમને કોઇ ટેન્શન રહે છે? શક્ય છે કે તેમની કેટલીક અપેક્ષાઓ પૂરી થઇ ન હોય. પતિ-પત્ની ઘણીવાર એકબીજાને ટોક્યા કરે છે જેને કારણે ઘરનું વાતાવરણ બગડી જાય છે. લગ્નજીવનમાં આવો એક તબક્કો આવે છે. એની ચિંતા કરવાની જરૂર નથી. તેમનો પ્રેમ પામવા માટે પહેલા જેવું વાતાવરણ ઊભું કરો અને તેમની સાથે નિખાલસતાથી આ વાતની ચર્ચા કરો. ધીરે ધીરે બધુ ઠીક થઇ જશે.
- નયના