Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jul 25th, 2022

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                         . 1 - image


મારા જ ક્લાસમાં ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. એક દિવસ તેણે મારી સમક્ષ શારીરિક સંબંધ બાંધવા માટે ઘણું દબાણ કર્યું હતું. લગ્ન પૂર્વે હું સેક્સનો અનુભવ લેવા માગતી નથી. શું કરવું એ મને સમજાતું નથી.

હું ૨૧ વરસની છું. મે મહિનામાં મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. શું લગ્નના પ્રથમ દિવસથી જ ગર્ભનિરોધક સાધન વાપરવું પડે છે? કયું સાધન યોગ્ય રહેશે?

એક યુવતી (મુંબઇ)

* ગર્ભનિરોધક સાધન વાપરતા પૂર્વે દરેક નારીએ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. કારણ કે અમુક બીમારીમાં ગર્ભનિરોધક સાધન વાપરવાનું યોગ્ય નથી. તમારા પતિ નિરોધનો ઉપયોગ કરી શકે છે. ડૉક્ટરની સલાહ લઇ યોગ્ય ગર્ભનિરોધક પધ્ધતિનો વપરાશ કરો.

મારી સાત વર્ષની પુત્રી રાત્રે પથારી બગાડે છે. આનો કોઇ ઇલાજ છે ખરો? શું આ સંપૂર્ણ રીતે ઠીક થઇ શકે છે?

એક બહેન (મુંબઇ)

* પાંચ વર્ષ સુધી ૧૦ થી ૧૫ ટકા બાળકો રાત્રે પથારી બગાડે છે. દસ વર્ષની ઉંમર સુધી આ આંકડો લગભગ પાંચ ટકા છે. સૌ પ્રથમ તમારે તેને કોઇ ઇન્ફેક્શન કે બીજી બીમારી નથી. એનું ચેકઅપ કરાવવાની જરૂર છે. અમુક બીમારી ઠીક થઇ જતા આ સમસ્યા આપોઆપ દૂર થઇ જાય છે. કેટલાક બાળકોમાં સમય સાથે આ સમસ્યા ઠીક થઇ જાય છે. તમારે ધીરજ રાખવાની જરૂર છે. રાત્રે સૂતા પહેલા તેને બાથરૂમમાં લઇ જવાની આદત રાખો. તેમજ સૂવાના અડધો-એક કલાક પહેલા પ્રવાહી ચીજ આપો નહીં. આમ છતાં તમારા સમાધાન માટે તમે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લઇ શકો છો. તેને ધમકાવવા કરતા પ્રેમથી સમજાવો.

હું ૧૯ વરસની છું. હું કોલેજમાં ભણું છું. મારા જ ક્લાસમાં ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. આ છોકરાને ક્લાસની તેમજ બહારની છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની આદત છે. એક દિવસ તેણે મારી સમક્ષ શારીરિક સંબંધ બાંધવા માટે ઘણું દબાણ કર્યું હતું. તેણે મને સમજાવ્યું હતું કે એક મનોચિકિત્સકે તેને સપ્તાહમાં એકવાર શારીરિક સંબંધ બાંધવાની સલાહ આપી છે. લગ્ન પૂર્વે હું સેક્સનો અનુભવ લેવા માગતી નથી. શું કરવું એ મને સમજાતું નથી.

એક યુવતી (વડોદરા)

* તમે ઘણા નાદાન છો. દુનિયાદારીનું તમને ભાન નથી. તમારા આત્માના અવાજને અનુસરો. આ છોકરો તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે. તેની વાત સાંભળો નહીં. તમારા સિધ્ધાંતોને વળગી રહો. એ છોકરાથી દૂર રહો અને તેની વાતોમાં આવો નહીં. હમણા માત્ર ભણવામાં ધ્યાન આપીને સારું ભવિષ્ય બનાવવાનું લક્ષ્ય સામે રાખી આગળ વધો.

હું ૧૭ વરસનો છું. મને મારા પોતાના ચારિત્ર પર શંકા આવે છે. કારણ કે, મને છોકરીઓ પ્રત્યે ઘણું આકર્ષણ થાય છે અને મનમાં સેક્સના જ વિચારો ચાલ્યા કરે છે. આ કારણે હું ડિપ્રેશન અનુભવું છું અને કેટલીક વાર આત્મહત્યા કરવાનો વિચાર પણ આવે છે. હું મારા વિચારો કેમ બદલી શકતો નથી? હું મારા માતા-પિતાનો આદર્શ પુત્ર નથી એમ સમજી મને ઘણું દુ:ખ થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક (ગુજરાત)

* તમે એક ખોટા અને બિન જરૂરી કારણ માટે અપરાધ બોજ અનુભવો છો. વિજાતિય આકર્ષણ પ્રાકૃત્તિક છે. અને આ ઉંમરમાં આ સામાન્ય છે. માનવજીવનમાં ટીનએજ દરમિયાન થતો આ એક બદલાવ છે જેમાંથી સૌ કોઇ પસાર થાય છે. આથી તમારા મનમાંથી અપરાધ ભાવ દૂર કરો. આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળો. આ વિચારો પરથી ધ્યાન હટાવવું હોય તો બીજા શોખ કેળવો. તેમજ બીજી વાતોમાં મન પરોવો. યોગ અને મેડિટેશનનો સહારો લો. શક્ય હોય તો કોઇ મનોચિકિત્સકની સલાહ લો.

હું ૧૮ વરસની છું. ૨૦ વર્ષના એક યુવક સાથે મને પ્રેમ છે. અમારી વચ્ચે લાંબા સમયથી મૈત્રી છે. હવે એકાએક જ તે મને કહે છે કે આપણી વચ્ચે બ્રેકગાઉન્ડનો ફરક હોવાથી આપણો મેળ જામે તેમ નથી. હું તેને ઘણો પ્રેમ કરું છું. તેને છોડી શકતી નથી. તે મને તક આપે તો એને એડજસ્ટ થવાની પણ મારી તૈયારી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (સુરત)

* ભ્રમ છોડી હકીકતનો સ્વીકાર કરો. આ છોકરો તમારે લાયક નથી. સૌ પ્રથમ તો તેણે તમને પ્રેમ કરવાનો ડોળ કર્યો અને હવે એકાએક તે તમારાથી પીછો છોડાવવા માગે છે. શક્ય છે તેને કોઇ બીજી છોકરીમાં રસ જાગ્યો હશે. 

તમારે તેને ભૂલવાની જરૂર છે. શરૂઆતમાં આ જરા અઘરું લાગશે પરંતુ ધીરે ધીરે તમે તેને ભૂલી જશો. આજુબાજુ નજર ફેરવો. તમને એના કરતા પણ વધુ લાયક પુરુષ મિત્રો મળી જશે.

- નયના

Tags :