Get The App

પાણી અને આયુર્વેદ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
પાણી અને આયુર્વેદ 1 - image

- આરોગ્ય સંજીવની

પાણી એ અમૃત છે. પાણી એ જીવન છે. પાણી શ્રેષ્ઠ ઔષધ પણ છે. તો આજે હું એક ઔષધ તરીકે પાણી વિશે વાત કરવા જઈ રહી છું. 'નિસર્ગોપચાર' ચિકિત્સા વિજ્ઞાનમાં પાણી ઉપચારનું એક મહત્વનું અંગ છે.

જેમ નિસર્ગોપચાર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ જેવા કુદરતી તત્ત્વોનો ઔષધરૂપે ઉપયોગ કરીને સારવાર કરે છે, તે જ રીતે આયુર્વેદ પણ પંચમહાભૂતાત્મક પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્ત્વોનો ઔષધો રૂપે ઉપયોગ કરી દર્દીઓની ચિકિત્સા કરે છે. નિસર્ગોપચારનું ચિકિત્સાશાસ્ત્ર હજી બાલ્યાવસ્થામાં છે, જ્યારે આયુર્વેદનું આ ચિકિત્સાશાસ્ત્ર હજારો વર્ષ જૂનું પુખ્ત અને અનુભવી છે.

અહીં હું આયુર્વેદ દ્રષ્ટિએ 'પાણી'ના કેટલાક રોગોમાં વિશિષ્ટ, સરળ અને એકદમ વ્યવહારુ પ્રયોગો આપું છું, જે દરેકને ચોક્કસ ઉપયોગી થશે એવી મારી શ્રદ્ધા છે.

(૧) મૂર્ચ્છા-બેહોશી : ભારે તાપ કે નબળાઈને કારણે ઘણીવાર કોઈ બેભાન થઇ પડી જાય છે ત્યારે ઠંડા પાણીની છાલકો દર્દીના ચહેરા પર વારંવાર મારવાથી, દર્દી થોડીવારમાં ભાનમાં આવે છે.

જાગૃત દર્દીને ઠંડુ પાણી પાવાથી તે વધુ ચેતનામાં આવે છે.

(૨) અનિદ્રા : ખૂબ જ માનસિક ઉશ્કેરાટ, શરીરની અંદર વાયુ કે પિત્ત દોષમાં ખૂબ વધારો, બ્લડ પ્રેશર જેવા કારણોથી ઘણીવાર કુદરતી રીતે ઊંઘ આવતી નથી. આવા સમયે દર્દીએ માથા સહિત ઠંડા જળથી ખૂબ સારી રીતે સ્નાન કરવું. પછી ખુલ્લી હવા કે અગાસીમાં ઠંડી જગ્યામાં સૂવાનું રાખવું. રાતે ખોટા વિચારો કરવાથી કે ગરમીથી માથું-કપાળ ગરમ જણાય તો માથે ઠંડા ભીના પોતાનો ટુકડો મૂકવો જેથી શાંતિ થશે અને ઊંઘ આવશે.

(૩) પગની એડીનો દુખાવો : આજકાલ ઘણાને પગની પાછળની એડીનાં હાડકાંનો દુખાવો થાય છે. આ માટે ગરમ પાણીમાં ૧-૨ ચમચી નમક અથવા બોરિક પાવડર નાખીને તે પાણીમાં પગની એડી ૧૦-૧૫ મિનિટ સવાર- સાંજ બે વાર રાખી મૂકવી. આ રીતે ગરમ પાણીમાં પગ રાખતાં પહેલાં એડીને પંજા પર કોઈપણ તેલનું માલિશ કરવું અને પાણીમાં પગ રાખ્યા પછી ૫-૧૦ મિનિટ બંને પગનાં આગલા પંજાનાં આંગળા પર શરીરનું બધું વજન મૂકી, એડીનો ભાગ ધરતીથી ઊંચો રાખીને ચાલવાની પ્રેક્ટિસ કરવી. પગની એડીનાં દુ:ખાવા માટે આ સચોટ અને અકસીર ઉપાય છે.

(૪) ભારે તાવ : ઘણીવાર તાવ ૩-૪ ફેરેન હાઇટ ઉપર ચડે છે. આથી ઉપર તાવ થાય ત્યારે દર્દી ઉપર જોખમ પેદા થાય છે. અને તેમાં સમયસર સારવાર ન મળે તો બાળકોને તેમાંથી આંચકી થઇ જાય છે. આવા સમેય ઠંડા પાણીમાં ખાવાનું મીઠું, નવસાર અથવા કોલન વોટર નાખી, તે પાણીમાં પાતળાં વસ્ત્રોનાં ટુકડા બોળી, દર્દીના હાથ-પગનાં તળિયા તથા કપાળ ઉપર મૂકવાં. મુકેલું કપડું સુકાય કે તરત તે કપડું બીજા ચોખ્ખા પાણીમાં પલાળી, નિચોવી નાખવું અને દર્દીને કપાળે પગે બીજા ભીના ટુકડા મૂકવા. આ રીતે થોડીવાર ઠંડા જળના પોતા મૂકવાથી અથવા બરફનો ટુકડો ઘસવાથી તાવ ઘટશે અને દર્દી પરનો ભય દૂર થશે.

ભારે થાક : ડુંગરા ચડવાથી કે વધુ ચાલવાનાં કારણે ઘણીવાર હાથ-પગ જકડાઈ જાય છે અને થાક કળતર થાય છે. આવા સમયે શરીરે તલનું તેલ કે કોપરેલ ચોળવું અને પછી ગરમ પાણીથી આખા શરીરે સ્નાન કરવું. વધુ દુ:ખતાં અંગ પર ગરમ પાણીની વારંવાર ધાર કરવી.

(૫) ત્વચાના રોગો : લીમડાના પાન નાખી, પાણી ગરમ કરી, તે પાણી વડે રોજ સ્નાન કરવાથી ખસ, ખુજલી, ચળ, ચામઠાં, ગડ-ગૂમડ જેવાં ચામડીનાં દર્દોમાં લાભ થાય છે.

(૬) શીળસ : ૧ ડોલ નવશેકા પાણીમાં ૧-૨ ચમચી ખાવાનો સોડા નાખીને તે પાણીથી રોજ સ્નાન કરવાથી શીળસમાં લાભ થાય છે.

(૭) વાનાં દર્દો : નગોડનાં પાનને પાણીમાં બાફી, તે ગરમ પાણીથી રોજ સ્નાન કરવાથી વાયુદોષનાં સ્નાયુ પીડાનાં લકવા, પક્ષઘાત જેવા દર્દોમાં રાહત રહે છે.

(૮) મૂત્રબંધ : ગરમી વાયુના દોષને કારણે કોઈ વાર પેશાબ બંધ થઈ જાય તો ઠંડા પાણીમાં પાતળું કપડું બોળીને ડૂંટીની નીચેના પેઢૂનાં ભાગે મૂકી રાખવાથી પેશાબ ઉતરે છે.

(૯) મૂત્રદાહ : ઠંડા પાણીના ટબમાં કમરબૂડ બેસવાથી અથવા ઠંડા પાણીથી મૂત્રમાર્ગ વારંવાર ધોવાથી અને તેના પર ભીનું પોતું મૂકી રાખવાથી ઠંડક થાય છે.

(૧૦) હાઈ બ્લડ પ્રેશર : ક્યારેક રક્તનું દબાણ ખૂબ ઊંચુ વધી જાય ત્યારે તેને તાત્કાલિક નીચે ઉતારવંય હોય તો પથારીમાં નિશ્ચિત થઇ સૂઈ જવું. ખોટા વિચારો, ભય ને ચિંતા છોડી દેવા, મન ખૂબ શાંત રાખવું અને બરફનો ટુકડો ડુંટી ઉપર રાખવાથી થોડા સમયમાં બ્લડ પ્રેશર નોર્મલ થશે. કેવો સરળ અને સસ્તો ઉપાય.

(૧૧) કમર જકડાવી : તલનું તેલ, કોપરેલ કે અન્ય કોઈપણ તેલ જરા ગરમ કરીને દુ:ખતી જકડાયેલી કમર ઉપર માલીશ કરવું તે પછી તેને સહેવાય તેવા ગરમ પાણીથી કમર ઝારવી. આ રીતે ૨-૩ વાર કરવાથી દુ:ખતી જકડાયેલી કમર મટશે.

(૧૨) ગરમીથી ગાંડપણ : મગજની ગરમી પિત્તદોષથી થયેલા અથવા ઝેરી પદાર્થ ખાવાથી થયેલ માનસિક ગાંડપણ, વધુ ક્રોધી સ્વભાવ, સતત ઉશ્કેરાટ જેવી સ્થિતિમાં દર્દીએ રોજ દિવસમાં ૪-૫ વાર ઠંડા જળને માથે રેડીને સ્નાન કરવું. તે સાથે ખાવામાં ગરમ ખોરાક બંધ કરવો.

(૧૩) અગ્નિદગ્ધ : ઠંડા પાણીમાં ખાંડ ઓગાળીને, તે પાણી દાઝેલા અંગ પર વારંવાર લગાડવાથી લાભ થાય છે.

(૧૪) નસકોરી ફૂટવી : ઘણીવાર ગરમીનાં દોષને કારણે નાકથી નસકોરી ફૂટે છે. આ સમયે માથે માટલાનું ફ્રીઝનું કે બીજું ઠંડું પાણી લઇ દર્દીનાં માથે ધીમે ધીમે ધાર કર્યા કરવી. રક્તસ્ત્રાવ બંધ થાય ત્યાં સુધી તેમ કરવું અથવા તો પછી બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લાભ થશે.

આમ, પાણી એ ઉત્તમ પેય છે. અમૃતરૂપ ઉત્તમ ઔષધિ છે. પાણી એ સર્વ સુલભ ખૂબ જ સસ્તી અને સુંદર દવા છે. દેહ-સ્વાસ્થ્યમાં રક્ષાનું સફાઈનું અને અનેક વ્યવહારોનું ઉત્તમ માધ્યમ છે. તથા રસોડાનો આત્મા કહીએ તો પણ કંઇ અતિશયોક્તિ નથી.

- જ્હાનવીબેન ભટ્ટ