પાની રે પાની તેરા રંગ કૈસા
- અંતર - રક્ષા શુક્લ .
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ગાલો પર લજ્જાની લાલી ફુટયાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માગી વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે.. મારું
કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે..મારું
- તુષાર શુક્લ
પાણી બોલે તો જળ, સલિલ, નીર, ઉદક, વોટર.. વગેરે. બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન. જેને પોતાનો કોઈ સ્વાદ, ગંધ કે રંગ હોતા નથી. 'જિસ મેં મિલા દો લગે ઉસ જૈસા..' પીતા આવડે તો અમૃત અને ન પીતા આવડે તો ઝેર. જે પાત્રમાં ઢાળો એ જ એનો આકાર. કેટલી સ્થિસ્થાપકતા અને નરમાશ ! માણસ પ્રેમ વગર જીવી શકે, ખોરાક વગર જીવી પણ પાણી વગર નહીં જ. પાંચ તત્વોથી બનેલા આપણા શરીરમાં જળતત્વ અતિ મહત્ત્વનું છે. પ્રકૃતિનું એક અનિવાર્ય અંગ એટલે પાણી. પાણીની પ્રકૃતિ વહેવાની છે.
ઢાળ મળ્યો ને દોડવાનું શરૂ. ચન્દ્રકાંત શેઠનાં શબ્દોમાં 'જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટયો, જલ નાચ્યું ત્યાં ઝરણું.' અમુક વ્યક્તિ એવી પારદર્શક હોય છે જેમાં એનું ો ઠીક સામેવાળા વ્યક્તિનું પ્રતિબિંબ પણ કોઈ ડાઘ વગરનું અને સ્પષ્ટ ઉભરાઈને આવે છે. પાણીને ખાવું અને ભોજનને પીવું. પાણીને મમળાવીને પીવાથી તેમાં લાળત્વ ભળતું જાય છે જે પાચન માટે ખૂબ ઉપયોગી. મહર્ષિ વાગભટ્ટજીએ લખેલા સુત્રમાં પ્રથમ સુત્રમાં લખ્યું હતું કે 'ભોજનાન્તે વિષમભારી' મતલબ કે, ભોજનના અંતે પાણી પીવું વિષ સમાન છે.
વાદળ ભારે પગલે થાય ત્યારે જળને ચોમાસું બેસે છે. છોકરીઓને પણ ત્યારે સોળમું બેસે છે. એના પગલું પડે ત્યાં ભરાતા પાણીના તળાવમાં કૈંક યુવાનો ડૂબે છે. શ્રાવણમાં જાણે મહુડા-પીધેલ સપનાંઓ ધસમસ દોટ મૂકે છે અને સગપણો પણ ફૂટી નીકળે છે. જળમાં નખાતા પાસા સાથે વગર તરાપે પ્રેમીઓ તરે છે.. ભીંજાય છે. ટીપાનું તોરણ એને લગ્નમંડપની ફેન્ટસી સુધી દોરી જાય છે. સ્વરૂપવાન યુવતી જ્યારે પાણીમાં ડૂબકી મારે છે ત્યારે શક્ય છે કે બે કાંઠાના ગામો ડૂબી જાય. આપણે સૌએ પાણીમાં આપણું પ્રતિબિંબ કોઈ વાર તો જોયું જ હશે. કોઈએ અત્યંત સુંદર વાત કરી છે કે 'પાની જો સો ગયા, આયના હો ગયા.
' ઠંડા પાણી માટે ફ્રીઝ પાસે દોડતી નવી પેઢીને કદાચ માટીની મીઠી સોડમવાળા માટલાંના ઠંડા પાણીનો સ્વાદ ખબર જ નથી. તો 'પાણિયારું' શબ્દ તો ક્યાંથી કાને પડયો હોય! આપણી સંસ્કૃતિમાં પાણિયારાનું નોખું જ મહત્ત્વ હતું. કવચિત્રી ગાયત્રી ભટ્ટ તો એની ગઝલમાં પાણિયારાનું મહાત્મ્ય દર્શાવતા કહે છે કે 'સગપણો શીખી લઉં છું પાણિયારે, આખું ઘર સીંચી લઉં છું પાણિયારે.'
પાણી શબ્દ બોલતા સાથે કેટલા બધા ક્રિયાપદો ટોળે વળે! પાણીમાં તરતા શીખવું હોય તો એનું પુસ્તક ન વાંચવાનું હોય. એ માટે તો પાણીમાં ધૂબાકા જ મારવા પડે. કહેવાય છે કે શાંત પાણી ઊંડા હોય. પથ્થરો વચ્ચે વહેતા પાણીમાંથી એક સૂરીલું સંગીત નિષ્પન્ન થાય છે જે ખૂબ સુકુનભર્યં હોય છે. આંસુ પણ એક પાણી જ છે. તલત મહેમૂદનું જાણીતું ગીત યાદ આવે 'આંખ મેં બૂંદ ભર જો પાની હૈ, પ્યાર કી એક યહી નિશાની હૈ'. ગની દહીંવાલા તો કહે છે કે..
'નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી દઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે'.
પાણીની બહાર કોરું કોરું તરફડવું આને જ કહેવાતું હશે! તરસ અને પાણી અરસપરસ છે. યુગોથી ધકેલા સહરાના રણની તરસ લઈને જ્યારે ઝંખનાઓ આવે છે ત્યારે સુરેશ દલાલની કવિતામાં શબ્દરૂપે પ્રગટે છે.
જુના વખતમાં પાણીના સોર્સ તરીકે કૂવો કે નદી જ હતા. પહેલાના સમયમાં જ્યારે દૂરના કૂવેથી પાણી ભરીને લાવવું પડતું ત્યારે ભાલ જેવા પ્રદેશમાં કોઈ દીકરી દેવા રાજી ન થતું. માથે બેડું મૂકીને પાણી ભરવા જતી નમણી નારીનું દ્રશ્ય હવે આંખને દોહ્યલું છે. પહેલાના સમયમાં કૂવો કે નદીકાંઠાનાં સંદર્ભો સાથે અસંખ્ય ગીતો કવિની કલમેથી સરી આવતા. જેમાં કોઈ વહુવારું લાડમાં કહેતી હોય કે કે 'સાહ્યબા, હું રે ત્રાંબાની હેલે પાણીડાં નહીં ભરું'. એનું કારણ પણ કેટલું રૂપાળું કે એને રૂપાના બેડાની હોંશ છે.
અહીં આ વાત ઘરકામ નહીં કરવાનું કોઈ બહાનું કે ભાવના નથી. કૂવાના કાંઠડે જ અલ્લકમલ્લકની વાતો નીકળતી. ખાલી બેડામાં પિયરના મીઠા સંભારણા, પીયુ સાથેની રમતિયાળ ગોઠડી કે સાસરિયા તરફથી અપાતી પીડા ભરીને લાવતી. જે સહિયારો પાસે ઠલવાતી. પછી ખાલી બેડામાં પાણી ભરાતું. અનિલ જોશી સરસ વાત કહે છે કે બરફનો ભૂતકાળ પાણી અને એનું ભવિષ્ય પણ પાણી છે. તો બરફને પાણી સામેના ખુલ્લા બળવા તરીકે જોતા રમેશ પારેખ કહે છે કે..
'બરફ એટલે સૂરજ સામે જળ સર્જ્યું ઉખાણું.
બરફ એટલે સૂરજગઢમાં જળે કરેલું કાણું.'
પાણીનું પોત એટલું પાતળું હોય છે કે એક નાનકડી તિરાડ કે છિદ્ર પણ નજરે ચડે તો એની ભાગેડુંવૃત્તિ તરત જોર કરે છે અને એ છટકે છે. પાણીની આવી ઘુસણખોરીથી કેવા ભયાનક પરિણામ આવે તે આપણે 'ટાઈટેનિક' ફિલ્મમાં સુપેરે જોયું છે. બોલિવુડની સુંદર ફિલ્મ 'જલ'માં પાણીની અછતને કેન્દ્રમાં રાખી વાર્તા રચાઈ છે. પાણી આપણી જીવાદોરી સમાન હોવા છતાં જ્યારે પોતાનું અતિ રૌદ્ર અને વિનાશક સ્વરૂપ દર્શાવે છે ત્યારે ઘાતક સૂનામી કે પૂરની સ્થિતિ સર્જે છે.
કચ્છમાં વિવિધ લોકેશન પર નિર્માણ પામી રહેલી મોરબીમાં સર્જાયેલી મચ્છુ જળ હોનારતની ઝાંખી કરાવતી 'મચ્છુ એક્ટ ઓફ ગોડ' ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું. આ ફિલ્મ રીલીઝ થાય ત્યારે કેટલી પાણીદાર નીવડે છે એ સમય બતાવશે. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯માં મોરબીનો મચ્છુ ડેમ તૂટયો હતો. આ જળ હોનારતમાં ૨૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા.
'ખારા જળનો દરિયો ભરીયો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથી યે લોટો લાગે મોટો..' આ પંક્તિઓ તો સૌના કાને યાદ રાખી હોય. એટલે જ દરિયામાં વહી જતા પાણીને ડેમ વગેરે બાંધી રોકવું જોઈએ. 'પાણી પાની રે પાની તેરા રંગ કૈસા
બચાવો, પૃથ્વી બચાવો' સૂત્ર યાદ રાખવું જોઈએ. ખેડૂતોની ખેતી માટે પાણી એકમાત્ર અને અત્યંત જરૂરી સાધન છે. પાણીના સ્વરૂપો વિષે વિચારીએ ત્યારે અનેક નામ દોડીને હાજરી પૂરાવે છે - ટીપું, ઝાકળ, વરસાદ, ભેજ, બરફ, વમળ, વાદળ, વરાળ, તરંગ, ફીણ, મોજા, પરપોટો, ફૂંવારો, સેર, સીકર, ઝીલ, છાંટા, છાલક, પૂર, છોળ, ધોરિયો, ધધુડિયો, ધાર, ધારા, હેલી વગેરે.
કવિની કવિતામાં 'ન ભૂતો ન ભવિષ્યતિ'ની જેમ સ્નાન કરતી કોઈ રૂપસુંદરી જ્યારે 'પાની મેં જલે મોરા ગોરા બદન' ગાતી હોય ત્યારે પાણીમાં આગ પણ લાગતી હોય છે અને 'મોહરા' ફિલ્મમાં રવીના ટંડન 'ટીપ ટીપ બરસા પાની, પાણી ને આગ લગાઈ' ગાય છે તેમ પાણી આગ લગાડતું પણ હોય છે.